એકતરફ GDPમાં ઉછાળો, બીજી બાજુ ઓક્ટોબરમાં ઔદ્યોગિક ઉત્પાદન 14 મહિનાના તળિયે

- જીડીપીની ટોચ તરફ પ્રગતિ તો આઇઆઇપી ઘટીને 0.4 ટકા
- મેન્યુફેક્ચરિંગ, માઇનિંગ અને વીજ ઉત્પાદનમાં ઘટાડો થવાથી ઇન્ડસ્ટ્રીયલ ઇન્ડેક્સમાં ઘટાડો નોંધાયો : એપ્રિલથી જુન ક્વાર્ટરમાં આઇઆઇપી સતત ઘટયો હતો અને જુલાઈથી ઉચકાયો હતો
- સ્થાનિક માગમાં ઘટાડો, વૈશ્વિક અનિશ્ચિતતા અને ઉદ્યોગોના પડકારનોના કારણે ઔદ્યોગિક પ્રવૃત્તિ મંદ પડી
GDP and IIP Data : એકબાજુએ જીડીપીનો 8.2 ટકા જેટલો ઊંચો વૃદ્ધિદર આવ્યો છે તો બીજી બાજુએ ઓક્ટોબરના આઇઆઇપીના આંકડા ૧૪ મહિનાના તળિયાના આવ્યા છે, આ એક જબરદસ્ત વિરોધાભાસ છે. તેથી ઓક્ટો.માં આઇઆઇપી માંડ 0.4 ટકા આવ્યો હતો, જે વર્ષ અગાઉના સમાન સમયગાળામાં 3.7 ટકા હતો. મેન્યુફેક્ચરિંગ, માઇનિંગ અને વીજ ઉત્પાદનમાં ઘટાડાથી આ સ્થિતિ જોવા મળી છે.
ચાલુ વર્ષે સપ્ટેમ્બરમાં જ આઇઆઇપીના આંકડા જોઈએ તો તે ચાર ટકાની વૃદ્ધિ દર્શાવતા હતા, એમ મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લીમેન્ટેશન (એમઓએસપીઆઈ)ના આંકડામાં જણાવાયું હતું. આ આંકડા બતાવે છે કે એકબાજુએ હળવી સ્થાનિક માંગની સાથે વૈશ્વિક અનિશ્ચિતતા અને ઉદ્યોગલક્ષી પડકારોના કારણે ઔદ્યોગિક પ્રવૃત્તિમાં અનિશ્ચિતતા જોવા મળી હતી.
વર્તમાન નાણાકીય વર્ષમાં ઔદ્યોગિક ઉત્પાદનના આંકડા અકદમ અસ્થિર આવ્યા છે. એપ્રિલથી જુનના પ્રથમ ક્વાર્ટરમાં આઇઆઇપીના આંકડા ખાસ ઉત્સાહવર્ધક ન હતા, તેના પછી જુલાઈથી આઇઆઇપીના આંકડામાં વૃદ્ધિ નોંધાવવા માંડી હતી, જે છેક સપ્ટેમ્બર સુધી ચાલી હતી. આમ સળંગ ત્રણ મહિના અસરકારક વૃદ્ધિ નોંધાઈ હતી.
ઔદ્યોગિક ઉત્પાદનમાં 40 ટકા હિસ્સો ધરાવતા ઇન્ફ્રાસ્ટ્રકચર સેક્ટરે ઓક્ટોબરમાં શૂન્ય વૃદ્ધિદર નોંધાવ્યો હતો, ઉત્પાદન ક્ષેત્ર એકદમ ફ્લેટ રહ્યુ હતુ, એમ વાણિજ્ય મંત્રાલયના આ મહિને અગાઉ જારી થયેલા આંકડામાં જણાવવામાં આવ્યું હતું. મદ્રાસ સ્કૂલ ઓફ ઇકોનોમિક્સના ડિરેક્ટર એન આર ભાનુમૂર્તિએ જણાવ્યું હતું કે આ માટે અમુક અંશે ઓછા કામકાજના દિવસો અને ઓછા કામદારો પણ મહત્ત્વનું પરિબળ છે. આઇઆઇપીના આંકડા ફક્ત ઉત્પાદનને જ આવરે છે. તહેવારોના લીધે કામકાજના દિવસો ઓછા હોવાથી વૃદ્ધિ પર અસર પડી છે.
મેન્યુફેક્ચરિંગ એટલે કે ઉત્પાદન ક્ષેત્ર આઇઆઇપીના આંકડામાં 78 ટકા હિસ્સો ધરાવે છે, તેણે ઓક્ટોબરમાં વાર્ષિક ધોરણે 1.8 ટકાની વૃદ્ધિ દર્શાવી હતી. આમ તેણે સપ્ટેમ્બરની તુલનાએ 5.6 ટકાની વૃદ્ધિ દર્શાવી છે અને વર્ષ અગાઉના સમાન સમયગાળામાં તેણે 4.4 ટકાની વૃદ્ધિ દર્શાવી હતી. માઇનિંગનું ઉત્પાદન ઓક્ટોબરમાં વાર્ષિક ધોરણે 1.8 ટકા વૃદ્ધિ સંકોચાયું હતું. જ્યારે સપ્ટેમ્બરમાં તે 0.4 ટકા સંકોચાયું હતું. તેના પહેલા ઓક્ટોબર 2024 માં તેણે 0.9 ટકાની વૃદ્ધિ દર્શાવી હતી. ઓક્ટોબરમાં વીજ ઉત્પાદન 6.9 ટકા સંકોચાયું હતું. તેની સામે સપ્ટેમ્બરમાં તેણે 3.1 ટકાની વૃદ્ધિ દર્શાવી હતી. તેની સામે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન બે ટકાની વૃદ્ધિ દર્શાવી હતી.
હવે વપરાશ આધારિત કેટેગરીઓમાં જોઈએ તો કેપિટલ ગૂડ્સ, ઇન્ટરમીડિએટ્સ ગૂડ્સ, ઇન્ફ્રાસ્ટ્રકચર-કન્સ્ટ્રકશન ગૂડ્સ, કન્ઝ્યુમર ડયુરેબલ્સે ક્રમશ: ધોરણે વૃદ્ધિ નોંધાવી હતી. જ્યારે પ્રાઇમરી ગૂડ્સની વૃદ્ધિ ધીમી પડી હતી અને કન્ઝ્યુમર નોન-ડયુરેબલ્સ પણ આ મહિના દરમિયાન સંકોચાયા હતા અને વૃદ્ધિ પણ પામ્યા હતા.
કેપિટલ ગૂડ્સનું ઉત્પાદન ઓક્ટોબરમાં 2.4 ટકા વધ્યું હતું, જે અગાઉના મહિનામાં 4.4 ટકા વૃદ્ધિ પામ્યંા હતું. જ્યારે ઇન્ટરમીડિએટ ગૂડ્સનું ઉત્પાદન ઓક્ટોબરમાં વાર્ષિક ધોરણે 0.9 ટકા વધ્યું હતું, જે અગાઉના મહિનામાં 6.3 ટકાના દરે વૃદ્ધિ પામ્યું હતું.

