India

SHANTI Bill: લોકસભામાં પરમાણુ ઊર્જા બિલ પસાર, વિપક્ષનો વૉકઆઉટ

By GS TEAM
17 Dec 20253 mins read
TukuTouch Logo
લોકસભામાં આજે (17 ડિસેમ્બર) પરમાણુ ઊર્જા 'SHANTI' બિલ પસાર થયું. વિજ્ઞાન અને ટૅક્નોલૉજી રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે આજે લોકસભામાં સસ્ટેનેબલ હાર્નેસિંગ ઍન્ડ ઍડ્વાન્સમેન્ટ ઑફ ન્યુક્લિયર એનર્જી ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા (SHANTI) બિલ, 2025 રજૂ કર્યું હતું. બિલ પાસ થતાં જ વિપક્ષે ગૃહમાંથી વૉકઆઉટ કર્યો હતો. જોકે, હવે આ ઐતિહાસિક બિલને રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. આ અગાઉ કેન્દ્ર સરકારે આ બિલને મંજૂરી આપી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

SHANTI Bill: લોકસભામાં પરમાણુ ઊર્જા બિલ પસાર, વિપક્ષનો વૉકઆઉટ

SHANTI Bill: લોકસભામાં આજે (17 ડિસેમ્બર) પરમાણુ ઊર્જા 'SHANTI' બિલ પસાર થયું. વિજ્ઞાન અને ટૅક્નોલૉજી રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે આજે લોકસભામાં સસ્ટેનેબલ હાર્નેસિંગ ઍન્ડ ઍડ્વાન્સમેન્ટ ઑફ ન્યુક્લિયર એનર્જી ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા (SHANTI) બિલ, 2025 રજૂ કર્યું હતું. બિલ પાસ થતાં જ વિપક્ષે ગૃહમાંથી વૉકઆઉટ કર્યો હતો. જોકે, હવે આ ઐતિહાસિક બિલને રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. આ અગાઉ કેન્દ્ર સરકારે આ બિલને મંજૂરી આપી હતી.

જો આ બિલ કાયદો બનશે તો ખાનગી કંપનીઓ માટે ભારતના પરમાણુ ઊર્જા ક્ષેત્રમાં પ્રવેશી શકશે. આ બિલ 1962ના પરમાણુ ઊર્જા કાયદા પછીનો સૌથી મોટો સુધારો સાબિત થશે. 63 વર્ષ જૂના રાજ્યના એકાધિકારને તોડીને હવે ખાનગી કંપનીઓને પરમાણુ ઊર્જા ઉત્પાદનમાં ભાગીદારી મળશે. જો કે, સરકારી એજન્સીઓ સુરક્ષા અને સંચાલનનું નિયંત્રણ સંભાળશે, પરંતુ ખાનગી કંપનીઓ મૂડી, જમીન અને ટૅક્નોલૉજી લાવશે. આ પગલું દેશના આબોહવા લક્ષ્યોને પૂર્ણ કરવા અને 2047 સુધીમાં 100 ગીગા વોટ પરમાણુ ઊર્જા ક્ષમતા હાંસલ કરવા માટે અનિવાર્ય છે.

જૂની વ્યવસ્થા: ખાનગી ક્ષેત્ર માટે સખત મનાઈ

આઝાદી પછી ભારતમાં પરમાણુ ક્ષેત્ર એક કિલ્લાની જેમ બંધ હતું. માત્ર પરમાણુ ઊર્જા વિભાગ (DAE) અને સરકારી ન્યુક્લિયર પાવર કોર્પોરેશન(NPCIL) જ તેનું સંચાલન કરતા હતા. 1962ના કાયદામાં સ્પષ્ટ લખ્યું હતું કે ખાનગી કંપનીઓ કે રાજ્ય સરકારો પરમાણુ પ્લાન્ટ ચલાવી શકશે નહીં. પરિણામે, અત્યાર સુધીમાં માત્ર 8 GW ક્ષમતાના સરકારી પ્લાન્ટ્સ જ બન્યા છે, જે દેશની કુલ વીજળીનો માત્ર 3% છે.

SHANTI બિલથી શું બદલાશે? 

આ બિલ જૂના કાયદા 1962નો Atomic Energy Act અને 2010નો Civil Liability for Nuclear Damage Actમાં સંશોધન કરીને ખાનગી પ્રવેશનો માર્ગ ખોલશે. 'કંપની'ની વ્યાખ્યા બદલીને Companies Act, 2013 હેઠળ રજિસ્ટર્ડ કોઈપણ ફર્મને લાઇસન્સ મળી શકશે. 

ખાનગી ક્ષેત્રની ભૂમિકા શા માટે મહત્ત્વપૂર્ણ?

ખાનગી કંપનીઓ જમીન, પાણી, મૂડી અને ટૅક્નોલૉજીમાં રોકાણ કરશે. તેઓ ઉત્પાદિત વીજળીના માલિક બનશે, એટલે કે વેચીને નફો કમાઈ શકશે. જ્યારે સરકાર એટલે કે NPCIL અથવા DAE જ રિએક્ટરની ડિઝાઇન, નિર્માણ, સંચાલન અને સંવેદનશીલ સામગ્રી (યુરેનિયમ) સંભાળશે. આ બિલ ફેક્ટરીમાં બનતા સસ્તા, સુરક્ષિત અને ઝડપી સ્મોલ મોડ્યુલર રિએક્ટર (SMR)ના નિર્માણને પ્રોત્સાહન આપશે. 

2047 નેટ-ઝીરો ઉત્સર્જનના લક્ષ્ય માટે પરમાણુ ક્ષેત્રે PPP મોડેલનો પ્રયોગ  

ભારતે 2047 સુધીમાં નેટ-ઝીરો ઉત્સર્જન કરવા માગે છે. પરમાણુ ઊર્જા કોલસો કે સૌર ઊર્જા કરતાં વધુ સ્થિર અને સ્વચ્છ સ્ત્રોત માનવામાં આવે છે. હાલની 8 GWથી 100 GW સુધી (12 ગણો વધારો) પહોંચવાના લક્ષ્ય માટે ₹15-19 લાખ કરોડ (214 અબજ ડૉલર)ની જંગી મૂડીની જરૂર પડશે, જે એકલા સરકારી સંગઠન NPCIL માટે સંભાળવી અશક્ય છે. સૌર અને પવન ઊર્જામાં PPP (પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ) મોડેલની સફળતાને ધ્યાનમાં રાખીને, પરમાણુ ક્ષેત્રમાં પણ આ જ મોડેલ અપનાવવામાં આવશે.

લાયબિલિટી કાયદો: ખાનગી પ્રવેશનો મોટો પડકાર

ખાનગી ક્ષેત્રના પ્રવેશથી પરમાણુ ઊર્જા ક્ષેત્રમાં નવીનતા વધશે તેમાં કોઈ શંકા નથી, પરંતુ સાથે જ કેટલાક મહત્ત્વના પડકારો પણ છે. સૌથી મોટો પડકાર જવાબદારી(લાયબિલિટી) કાયદાનો છે. હાલમાં, 2010નો 'સિવિલ લાયબિલિટી ફોર ન્યુક્લિયર ડેમેજ ઍક્ટ(CLND Act)' ઉપકરણોના સપ્લાયરો પર ભારે જવાબદારી નાખે છે. SHANTI બિલમાં થનારા સુધારાથી આ જોગવાઈ હળવી થઈ શકે છે, જે અમેરિકન GE-Hitachi SMRs જેવી વિદેશી ટૅક્નોલૉજીને ભારતમાં આકર્ષવા માટે જરૂરી છે. 

આ ઉપરાંત, હાઇબ્રિડ મોડેલ (ખાનગી અને સરકારી ભાગીદારી)માં નિયમન અને સલામતી જાળવવી પડકારરૂપ રહેશે, જોકે સલામતી IAEA(આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી)ના ધોરણો પર આધારિત હશે. વિવાદોના ઝડપી નિરાકરણ માટે એક નવું ન્યુક્લિયર ટ્રિબ્યુનલ મંજૂર કરવામાં આવ્યું છે. જોકે, ઉદ્યોગ જગતનું સ્પષ્ટ માનવું છે કે જો લાયબિલિટીના નિયમો પૂરતા સ્પષ્ટ નહીં થાય તો વૈશ્વિક ખેલાડીઓ ભારતીય બજારમાં રોકાણ કરવામાં ખચકાશે.

બજેટ ભાષણમાં જ થઈ હતી જાહેરાત

નાણાં મંત્રી નિર્મલા સીતારમણે ફેબ્રુઆરીમાં પોતાના બજેટ ભાષણમાં જ આ ક્ષેત્રને ખાનગી કંપનીઓ માટે ખોલવાની યોજનાની જાહેરાત કરી હતી. તેમણે એક 'ન્યુક્લિયર એનર્જી મિશન'ની પણ જાહેરાત કરી હતી, જેના હેઠળ નાના મોડ્યુલર રિએક્ટર(SMRs) પર સંશોધન અને વિકાસ(R&D) માટે રૂ. 20,000 કરોડની ફાળવણી કરવામાં આવી હતી. વળી, 2033 સુધીમાં 5 સ્વદેશી SMRs શરુ કરવાની યોજના છે.