ટેલિગ્રામની ૧૦૬,ઇન્સ્ટાગ્રામની ૧૬ ચેનલો સામે એનટીએની કાર્યવાહી
આ ચેનલો સામે ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર વધુ કાર્યવાહી કરશે
નીટ અંગે ખોટી માહિતી ફેલાવવાનો આરોપ
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧
નીટ-યુજી અંગે ખોટા દાવાઓ અંગે કાર્યવાહી કરતા નેશનલ
ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)એ ખોટી માહિતી ફેલાવતા ટેલિગ્રામની ૧૦૬ અને ઇન્સ્ટાગ્રામની
૧૬ ચેનલોની ઓળખ કરી છે તેમ સૂત્રોએ એક નિવેદનમાં જણાવ્યું છે.
નીટ-યુજી અંગે ખોટી માહિતી ફેલાવતા સોશિયલ મીડિયા એકાઉન્ટની
માહિતી આપવા માટે એનટીએએ તાજેતરમાં એક પોર્ટલ લોન્ચ કર્યુ હતું. આ પોર્ટલને અત્યાર
સુધીમાં પેપર લીકના ૧૫૦૦ ખોટા દાવાઓની માહિતી આપવામાં આવી છે.
નીટ (યુજી) ૨૦૨૫ પરીક્ષા પ્રક્રિયાની સત્યનિષ્ઠાનું રક્ષણ
કરવા માટે એજન્સીએ નીટ (યુજી) ૨૦૨૫નું પ્રશ્રપત્ર મળી ગયું હોવાનો ખોટો દાવો કરતી
ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ ચેનલોની સામે કાર્યવાહી કરવાનું શરૃ કરી દીધું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલા સસ્પિસિયસ
કલેઇમ્સ રિપોર્ટિંગ પોર્ટલને આપવામાં આવેલી માહિતીને આધારે કાર્યવાહી કરતા એનટીએએ ખોટી
માહિતી ફેલાવવા અને વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્નોકરતી ટેલિગ્રામની ૧૦૬
અને ઇન્સ્ટાગ્રામની ૧૬ ચેનલોેની ઓળખ કરી છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે આ કેસોને ઔપચારિક રીતે વધુ
કાયદાકીય કાર્યવાહી અને તપાસ માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના તાબા હેઠળના ઇન્ડિયન સાયબર
ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (આઇફોરસી)ને મોકલવામાં આવે છે.
વિદ્યાર્થીઓમાં ખોટી માહિતી અને બિનજરૃરી તણાવ ન ફેલાય તે
માટે એનટીએએ ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામને વિનંતી કરી છે કે આવી ચેનલો પર પ્રતિબંધ
મૂકવામાં આવે.