રશિયન ઑઇલ ખરીદવા માટે ટ્રમ્પની ધમકીના પગલે એન.એસ.એ. દૉવલ મોસ્કોની મુલાકાતે
- રશિયા પાસેથી તેલ અને શસ્ત્રાસ્ત્રો ખરીદવા અંગે ટ્રમ્પે કહ્યું : રશિયા પાસેથી સસ્તા દરે તમે ખરીદી બીજે વેચી ભારત નફો કમાય છે
મોસ્કો : ભારતના નેશનલ સિક્યુરિટી સલાહકાર અજિત દોવલ મંગળવારે (સ્થાનિક સમય પ્રમાણે) મોસ્કો આવ્યા છે. તેઓ ભારત અને રશિયા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી સ્થાપવા તેમજ સંરક્ષણ કરારો કરવા અહીં આવ્યા છે.
વાસ્તવમાં આ પૂર્વ યોજિત મુલાકાત ન હતી છતાં ભારતે રશિયા પાસેથી તેલ ખરીદવા તેમજ શાસ્ત્રાસ્ત્રો ખરીદવા લીધેલા નિર્ણય સંદર્ભે વિશેષત: યુક્રેન યુદ્ધ સંદર્ભે દોવલની આ મુલાકાત મહત્ત્વની માનવામાં આવે છે.
આ ઉપરાંત દૉવલ વર્તમાન ભૂ-રાજકીય પરિસ્થિતિ વિષે પણ રશિયાના વરિષ્ટ અધિકારીઓની સાથે મંત્રણા કરવાના છે. તેમાં તેલ ખરીદી પણ આવૃત્ત હશે. તેમ રશિયાની સમાચાર સંસ્થા તાસ જણાવે છે.
દોવલની રશિયાની મુલાકાત પહેલાં મોસ્કો સ્થિત ભારતીય રાજદૂત વિજયકુમાર રશિયાના નાયબ સંરક્ષણ મંત્રી કર્નલ જનરલ એલેકઝાંડર ફોમિનને મળ્યા હતા અને બંને વચ્ચે ભારત-રશિયા-પરંપરાગત સંબંધોને યાદ કર્યા હતા. બંનેની મીટીંગ ઉષ્માભર્યા અને મૈત્રી સભર વાતાવરણમાં યોજાઈ હતી.
ગત સપ્તાહે ટ્રમ્પે ભારત ઉપર ૨૫% ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. તે માટે કારણ આપતાં કહ્યું હતું કે : ભારત રશિયા પાસેથી તેલ તેમજ શાસ્ત્રાસ્ત્રો ખરીદી યુક્રેન યુદ્ધમાં રશિયાને આડકતરી રીતે સહાય કરી રહ્યું છે. આ ઉપરાંત તેમણે ભારત ઉપર એવો આક્ષેપ પણ કર્યો હતો કે રશિયા પાસેથી ઓછા ભાવે તેલ ખરીદી ભારત ખુલ્લા બજારમાં બીજા દેશોને વેચી જબ્બર નફો કમાય છે. જો કે ભારતે તે આક્ષેપોને રદિયો આપ્યો છે.