Get The App

એક પણ તસવીર બતાવો...ઓપરેશન સિંદૂરમાં ભારતને નુકસાનના દાવા પર NSA ડોભાલનો જવાબ

Updated: Jul 11th, 2025

GS TEAM

Google News
Google News
એક પણ તસવીર બતાવો...ઓપરેશન સિંદૂરમાં ભારતને નુકસાનના દાવા પર NSA ડોભાલનો જવાબ 1 - image


Ajit Doval On Operation Sindoor: પાકિસ્તાન વિરુદ્ધ ભારતના ઓપરેશન સિંદૂર મુદ્દે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલે પાકિસ્તાનના દાવાઓને પાયાવિહોણા ઠેરવતાં ખુલ્લો પડકાર આપ્યો છે કે, આ ઓપરેશનમાં ભારતને થયેલા નુકસાનની એક પણ તસવીર મને બતાવો. 

આઇઆઇટી મદ્રાસમાં સંબોધન આપતી વખતે ડોભાલે કહ્યું કે, ઓપરેશન સિંદૂર મુદ્દે વિદેશી મીડિયા દ્વારા ખોટી અફવા ફેલાવામાં આવી રહી છે. આ ઓપરેશનમાં ભારતને કોઈપણ નુકસાન થયું નથી. મને એક પણ તસવીર બતાવો, જેમાં ભારતને નુકસાન થયું હોય. એક ગ્લાસ પણ તૂટ્યો નથી. વિદેશી મીડિયાએ અનેક વાતો કરી. તેમણે અમુક તસવીરોનો આધાર લઈ પાકિસ્તાનના 13 એરબેઝ અંગે વાત કરી. પરંતુ આ એરબેઝની 10 મે પહેલાં અને ત્યારબાદની સેટેલાઇટ ઇમેજ જોઈ લો. ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

ઓપરેશન સિંદૂર પર ગર્વઃ ડોભાલ

ડોભાલે કહ્યું કે, ટૅક્નોલૉજી અને વૉરફેર વચ્ચે સંબંધ હંમેશા મહત્ત્વપૂર્ણ રહ્યો છે. અમને ઓપરેશન સિંદૂર પર ગર્વ છે. આ ઓપરેશન દરમિયાન અમે સ્વદેશી ટૅક્નોલૉજીનો ઉપયોગ કર્યો છે. અમે સરહદ પાર પાકિસ્તાનના નવ આતંકી ઠેકાણે હુમલા કર્યા. તમામ ટાર્ગેટ સટીક રહ્યા. અમે માત્ર આતંકવાદીઓના ઠેકાણાંને નષ્ટ કર્યાં. 23 મિનિટ સુધી આ ઓપરેશન ચાલ્યું હતું. પાકિસ્તાનની સરહદમાં નાગરિકોને કોઈ નુકસાન પહોંચાડ્યું નથી. 

આ પણ વાંચોઃ મોહન ભાગવતે કહ્યું 75ની ઉંમર પછી બીજાને મોકો આપવો જોઈએ, કોંગ્રેસનો કટાક્ષ- PM મોદીને આપ્યો મેસેજ

22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાનો બદલો લેવા ભારતીય સેનાએ 7 મેની રાતે ઓપરેશન સિંદૂર ચલાવ્યું હતું. જે હેઠળ ભારતીય સેનાએ પાકિસ્તાન અને POKમાં નવ આતંકી ઠેકાણાંને ઉડાવી દીધા હતા. ભારતીય સેનાની આ કાર્યવાહીની સામે પાકિસ્તાની સેનાએ પણ ભારતના સૈન્ય અને નાગરિક ઠેકાણાંને ટાર્ગેટ બનાવ્યા હતાં. પરંતુ ભારતીય સેનાએ સૂઝબૂઝથી પાકિસ્તાનના તમામ હુમલાને નિષ્ફળ કર્યા હતા. ચાર દિવસ સુધી ચાલેલા તણાવ બાદ 10મેના રોજ બંને દેશ વચ્ચે સીઝફાયર થયું હતું.

ભારત સાથે આ સીઝફાયર માટે પાકિસ્તાને એક વાર નહીં પણ બે વખત સંપર્ક સાધ્યો હતો. 7મેની સાંજે ભારત સાથે સીઝફાયર કરવા સંપર્ક કર્યો હતો. પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઑફ મિલિટ્રી ઓપરેશન્સ દ્વારા ઔપચારિક સંદેશ મારફત સંપર્ક સાધવામાં આવ્યો હતો. ત્યારબાદ 10 મેના રોજ બપોરે 3.35 વાગ્યે DGMO સ્તરે બેઠક થઈ હતી. બંને પક્ષે સીઝફાયર પર સહમતિ કરવામાં આવી. 


એક પણ તસવીર બતાવો...ઓપરેશન સિંદૂરમાં ભારતને નુકસાનના દાવા પર NSA ડોભાલનો જવાબ 2 - image

Tags :