Get The App

હવે વસતી ગણતરી જ્ઞાતિવાદના આધારે

Updated: May 1st, 2025

GS TEAM


Google News
Google News
હવે વસતી ગણતરી જ્ઞાતિવાદના આધારે 1 - image


- હા... ના... કરતાં વિવાદનો અંત, ઘીના ઠામમાં ઘી: કેન્દ્રીય કેબિનેટનો નિર્ણય

- કોરોના મહામારી બાદ પાછી ઠેલાયેલી વસતી ગણતરીની કાર્યવાહી દોઢ વર્ષ પછી થવાની અટકળો વચ્ચે તાત્કાલિક શરૂ કરવામાં આવે તેવી શક્યતા

- કેન્દ્રીય કેબિનેટે શેરડીના એફઆરપીમાં વધારો કર્યો 

- 22,864 કરોડના ખર્ચે શિલોંગ-સિલચર હાઈવેને પણ મંજૂરી

નવી દિલ્હી : પહલગામમાં આતંકી હુમલાને પગલે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ છે ત્યારે બુધવારે કેન્દ્ર સરકારે કેબિનેટ બેઠકમાં દેશમાં જ્ઞાતિ આધારિત વસતી ગણતરીને મંજૂરીની મહોર મારી છે. આ વર્ષના અંતે બિહારમાં યોજાનારી વિધાસભા ચૂંટણી પહેલાં જ કેન્દ્ર સરકારે જ્ઞાતિ આધારિત વસતી ગણતરીને લીલી ઝંડી આપીને વિપક્ષ પાસેથી એક મોટો મુદ્દો છીનવી લીધો હોવાનું મનાય છે. વધુમાં પાકિસ્તાન સાથે યુદ્ધના ભણકારા વચ્ચે કેન્દ્ર સરકારે આ નિર્ણયથી બધાને ચોંકાવી દીધા છે. કેબિનેટે ખેડૂતો માટે શેરડીનાં એફઆરપીમાં વધારો કરવાની તથા રૂ. ૨૨,૮૬૪ કરોડના શિલોંગ-સિલચર હાઈવે પ્રોજેક્ટને પણ મંજૂરી આપી દીધી છે.

દિલ્હીમાં બુધવારે કેબિનેટ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, સરકારે આગામી વસતી ગણતરી કાર્યક્રમની સાથે જ 'પારદર્શી' રીતે જ્ઞાતિ આધારિત વસતી ગણતરી કરાવવાનો નિર્ણય કર્યો છે. આ સાથે કેન્દ્ર સરકારે જ્ઞાતિ આધારિત સરવેનો ઉપયોગ 'રાજકીય ટૂલ' તરીકે કરવા બદલ વિપક્ષની આકરી ટીકા કરી હતી.

કેન્દ્ર સરકારના આ નિર્ણયના પગલે હવે દેશમાં હવે જે વસતી ગણતરી કાર્યક્રમ હાથ ધરાશે તેમાં હિન્દુઓમાં સવર્ણો, ઓબીસી, એસસી, એસટી, આદિવાસીઓ સહિત કઈ જ્ઞાતિની કેટલી વસતી છે તેમજ મુસ્લિમોમાં સુન્ની, શિયા, પસમાંદા સહિત કેટલી જ્ઞાતિના કયા લોકો છે. અન્ય ધર્મોમાં પણ કઈ જ્ઞાતિના કેટલા લોકો છે તેની માહિતી મેળવાશે તેમ માનવામાં આવે છે.

કોંગ્રેસ સહિત વિપક્ષ લાંબા સમયથી રાષ્ટ્રવ્યાપી રીતે જ્ઞાતિ આધારિત વસતી ગણતરીની માગ કરી રહ્યો હતો. ભાજપના નેતૃત્વમાં એનડીએ સરકારે આ મુદ્દે ક્યારેય કોઈ સ્પષ્ટ વલણ જાહેર કર્યું નહોતું. બીજીબાજુ બિહાર, તેલંગણા અને કર્ણાટક જેવા રાજ્યોમાં વિપક્ષે જ્ઞાતિ આધારિત સરવે હાથ ધર્યો હતો. રાજકીય બાબતોની કેબિનેટ સમિતિએ લીધેલા નિર્ણયોની જાહેરાત કરતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, વસતી ગણતરી કેન્દ્રના કાર્યક્ષેત્ર હેઠળ આવે છે, પરંતુ કેટલાક રાજ્યોએ બિન પારદર્શક રીતે સરવેના નામે જ્ઞાતિ આધારિત વસતી ગણતરી કરી છે, જેણે સમાજમાં અનેક શંકા-કુશંકાઓ ઊભી કરી છે. કોંગ્રેસની સરકારોએ જ્ઞાતિ આધારિત વસતી ગણતરીનો વિરોધ કર્યો છે. ૧૯૪૭ પછીથી દેશમાં ક્યારેય જ્ઞાતિ આધારિત વસતી ગણતરી થઈ નથી. કોંગ્રેસે તેના સમયમાં ક્યારેય આ કામગીરી કરી નહોતી. પરંતુ તેણે જ્ઞાતિ આધારિત વસતી ગણતરીનો રાજકીય ટૂલ તરીકે ઊપયોગ કર્યો છે.તેમણે ઉમેર્યું કે, બધા જ પાસાઓને ધ્યાનમાં લઈને અને રાજકારણના પગલે સામાજિક તાણાવાણા ખોરવાય નહીં તે માટે આગામી વસતી ગમતરીની સાથે પારદર્શી રીતે જ્ઞાતિ આધારિત વસતી ગણતરી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આપણું રાષ્ટ્ર સતત પ્રગતિ કરી રહ્યું છે ત્યારે આ બાબત આપણા સમાજના સામાજિક અને આર્થિક માળખાને વધુ મજબૂત બનાવશે.

દેશમાં એપ્રિલ ૨૦૨૦માં વસતી ગણતરીની કાર્યવાહી થવાની હતી, પરંતુ કોરોના મહામારીના કારણે આ કામગીરી પાછી ઠેલવામાં આવી હતી. 

અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, વર્ષ ૨૦૧૦માં વડાપ્રધાન મનમોહન સિંહે લોકસભાને ખાતરી આપી હતી કે જ્ઞાતિ આધારિત વસતી ગણતરીની બાબત અંગે કેબિનેટમાં વિચારણા કરાશે. 

મોટાભાગના રાજકીય પક્ષોએ જ્ઞાતિ આધારિત વસતી ગણતરીની ભલામણ કર્યા પછી આ બાબત માટે ગુ્રપ ઓફ મિનિસ્ટર્સની રચના પણ કરવામાં આવી હતી. આમ છતાં કોંગ્રેસે જ્ઞાતિ આધારિત વસતી ગણતરીના બદલે માત્ર સરવે કરવાનો નિર્ણય કર્યો હતો. આ સરવેને એસઈસીસી તરીકે ઓળખવામાં આવે છે. 

આ બાબત સ્પષ્ટપણે દર્શાવે છે કે કોંગ્રેસ અને તેના સાથી પક્ષોએ જ્ઞાતિ આધારિત વસતી ગણતરીનો ઉપયોગ માત્ર રાજકીય ટૂલ તરીકે કર્યો હતો તેમ તેમણે ઉમેર્યું હતું.

જ્ઞાતિ આધારિત વસતી ગણતરી મુદ્દે કેન્દ્ર સરકારની બુધવારની જાહેરાતના પગલે દાયકામાં એક વખત થતી વસતી ગણતરીની કાર્યવાહી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવે તેવી સંભાવના છે. કોરોના મહામારી પછી વસતી ગણતરીની કાર્યવાહી પાછી ઠેલાઈ હતી. ગયા વર્ષે લોકસભા ચૂંટણીના પગલે આ કામગીરી ક્યારે થશે તે નિશ્ચિત નહોતું. જોકે, એનડીએ સરકારના આગમન પછી વસતી ગણતરીની કાર્યવાહી ૨૦૨૬માં હાથ ધરવામાં આવશે તેવી અટકળો ચાલતી હતી.

આગામી વસતી ગણતરી જ્ઞાતિ આધારિત કરાવવી કે નહીં તે અંગે અનિશ્ચિતતા હોવાથી પાંચ વર્ષ પાછી ઠેલાયેલી કાર્યવાહી ક્યારે શરૂ થશે તે અંગે અનિશ્ચિતતા હતી, પરંતુ હવે સરકારે જ્ઞાતિ આધારિત વસતી ગણતરીનો નિર્ણય કરી લીધો હોવાથી ગૃહમંત્રાલયને રિપોર્ટ કરતા રિજસ્ટ્રાર જનરલ એન્ડ સેન્સસ કમિશનર ઓફ ઈન્ડિયાના સીધા નિરિક્ષણ હેઠળ આ કાર્યવાહી ટૂંક સમયમાં શરૂ કરાશે તેમ સરકારી સૂત્રોનું કહેવું છે. જોકે, આ કાર્યવાહી ક્યારે શરૂ થશે તે અંગે ગૃહમંત્રાલયના અધિકારીઓએ ચૂપકિદી જાળવી રાખી છે.  

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, કેન્દ્રિય કેબિનેટે એફઆરપી વધારીને શેરડીના ખેડૂતોને મોટી ભેટ આપી છે. ખાંડની સિઝન ૨૦૨૫-૨૬ માટે શેરડીનાં યોગ્ય અને નફાકારક ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ. ૩૫૫ કરવામાં આવ્યા છે. આ બેન્ચમાર્ક ભાવ છે, જેના નીચે શેરડી ખરીદવામાં આવશે નહીં. 

આ સાથે કેબિનેટે શિલોંગથી સિલચર કોરિડોરને પણ ંમજૂરી આપી દીધી છે. સરકારે મેઘાલયથી અસમ સુધી રૂ. ૨૨,૮૬૪ કરોડના ખર્ચે નવા હાઈવેને મંજૂરી આપી દીધી છે. ફોર લેનનો આ હાઈવે ૧૬૬.૮ કિ.મી. લાંબો હશે.

જ્ઞાતિવાદી વસતી ગણતરીની તરફેણમાં કેન્દ્રનું વલણ

જ્ઞાતિવાદી વસતી ગણતરી મુદ્દે કેન્દ્રને સંપૂર્ણ સમર્થન: રાહુલ

- જ્ઞાતિવાદી વસતી ગણતરીથી વિવિધ વર્ગોના લોકો માટે યોજનાઓ બનાવવી સરળ બનશે: નીતિશ

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે દેશમાં જ્ઞાતિવાદી વસતી ગણતરી કરાવવાની જાહેરાત કરી દીધી છે. આ જાહેરાત સાથે જ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારના આ નિર્ણયનું સ્વાગત કર્યું હતું. જોકે, તેમણે કેન્દ્ર સમક્ષ કેટલીક માગણી પણ મૂકી હતી. બીજીબાજુ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે જ્ઞાતિવાદી વસતી ગણતરીને મંજૂરી આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો.

લોકસભામાં નેતા પ્રતિપક્ષ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે સંસદમાં સ્પષ્ટ કહ્યું હતું કે, જ્ઞાતિ આધારિત વસતી ગણતરી કરાવીશું અને ૫૦ ટકા અનામતની મર્યાદા ખતમ કરીશું. હવે કેન્દ્ર સરકારે જ્ઞાતિ આધારિત વસતી ગણતરી કરાવવાની જાહેરાત કરી છે તો અમે તેને સમર્થન આપીએ છીએ, પરંતુ અમે એ પણ જાણવા માગીએ છીએ કે આ વસતી ગણતરી ક્યારે કરાશે. અમે મોદીજીની એ વાતથી સહમત છીએ કે દેશમાં માત્ર ચાર જાતિઓ છે, જેમાં ગરીબ, મધ્યમ વર્ગ, ધનિક અને ધનકુબેરનો સમાવેશ થાય છે. પરંતુ આ ચારેયની અંદર કોણ ક્યાં ઊભું છે તે જાણવા માટે પણ જ્ઞાતિવાદી વસતી ગણતરીના આંકડા જરૂરી છે. 

કેન્દ્ર સરકારના નિર્ણયને આવકારવાની સાથે રાહુલ ગાંધીએ કહ્યું કે, સરકારે વહેલી તકે જ્ઞાતિ આધારિત વસતી ગણતરીની ટાઈમ લાઈન જાહેર કરવી જોઈએ. તેમણે કેન્દ્ર સરકારને તેલંગણા મોડેલ અપનાવવાનું સૂચન કર્યું હતું. તેમણે જ્ઞાતિવાદી આંકડાઓના આધારે ૫૦ ટકા અનામતની વર્તમાન બંધારણીય મર્યાદા હટાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે સરકારી નોકરીઓની જેમ ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં પણ અનામત લાગુ કરવા માગ કરી હતી.

દરમિયાન બિહારમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે ત્યારે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કેન્દ્ર સરકારની જાહેરાતને આવકારી હતી. તેમણે કહ્યું કે, જ્ઞાતિ આધારિત વસતી ગણતરી અમારી જૂની માગણી રહી છે. જ્ઞાતિવાદી વસતી ગણતરીથી વિવિધ વર્ગોના લોકોની સંખ્યા જાણી શકાશે, જેથી તેમના ઉત્થાન અને વિકાસ માટે યોજનાઓ બનાવી શકાશે.

Tags :