હવે 65 વર્ષથી વધુના લોકો વીમા પોલિસી ખરીદી શકશે
- વૃદ્ધો માટે વીમા નિયામકનો લાભદાયક નિર્ણય ઃ વીમો ખરીદવાની વય મર્યાદા હટાવી
- સ્વાસ્થ્ય વીમાનો વેઈટિંગ પીરિયડ ૪૮ મહિનાથી ઘટાડીને ૩૬ મહિના કરાયો, કેન્સર-એઈડ્સના દર્દીઓ પણ વીમો લઈ શકશે
- પોલિસીધારકોની સાનુકૂળતા માટે હપ્તામાં પ્રીમિયમ પેમેન્ટ ઓફર કરવાની પણ મંજૂરી અપાઈ
- વીમા કંપનીઓ વરિષ્ઠ નાગરિકો, વિદ્યાર્થીઓ, બાળકો, માતૃત્વ જેવા જૂથો માટે વિશિષ્ટ ઉત્પાદનો તૈયાર કરી શકશે
નવી દિલ્હી: ભારતીય વીમા નિયામક અને વિકાસ સત્તાએ આખરે દેશના વૃદ્ધો માટે લાભદાયક નિર્ણય લીધો છે. ઈરડાઈએ વીમા પોલિસી ખરીદવા માટેની વય મર્યાદા હટાવી દીધી છે. વીમા નિયામકના આ નિર્ણયનો અમલ ૧ એપ્રિલ ૨૦૨૪ની પાછલી અસરથી શરૂ થઈ ગયો છે. સ્વાસ્થ્ય ક્ષેત્રે આ નિર્ણયના પગલે પરિવારમાં વૃદ્ધો માટે સ્વાસ્થ્ય વીમા પોલિસી લેવાનું શક્ય બનશે. અગાઉ ગ્રાહકો ૬૫ વર્ષથી વધુ વયની વ્યક્તિનો નવો સ્વાસ્થ્ય વીમો ખરીદી શકાતા નહોતા. સ્વાસ્થ્ય વીમો ખરીદવા પર મહત્તમ વય મર્યાદા દૂર કરીને ઈરડાઈનું લક્ષ્ય વધુ સમાવેશી અને એવી સુલભ સ્વાસ્થ્ય સારવાર ઈકોસિસ્ટમને પ્રોત્સાહન આપવાનું છે, જે આકસ્મિક મેડિકલ ખર્ચ સામે રક્ષણ પૂરું પાડે છે.
ભારતીય વીમા નિયામક અને વિકાસ સત્તા (આઈઆરડીએઆઈ-ઈરડાઈ) દ્વારા જાહેર કરાયેલા એક નોટિફિકેશનમાં જણાવાયું હતું કે, વીમા કંપનીઓએ એ સુનિશ્ચિત કરવું પડશે કે તેઓ બધા જ વય જૂથ માટે સ્વાસ્થ્ય વીમા ઉત્પાદનો રજૂ કરે. અત્યાધુનિક ટેક્નોલોજી અને વિજ્ઞાાનના અસાધારણ વિકાસના પગલે લોકોના જીવનધોરણમાં નોંધપાત્ર સુધારો આવ્યો છે તેમ જ લોકો લાંબુ જીવવા લાગ્યા છે. આવા સમયે ૬૫ વર્ષ પછીની વયે સ્વાસ્થ્ય વીમો ઘણો જ ઉપયોગી થઈ રહે છે.
વીમા નિયામકના આ પગલાંનો આશય ભારતમાં વધુ સમાવેશી સ્વાસ્થ્ય સારવાર તંત્ર બનાવવું અને વીમા પૂરી પાડતી કંપનીઓને તેમના ઉત્પાદનોની રજૂઆતમાં વિવિધતા લાવવા માટે કટિબદ્ધ છે. ઈરડાઈએ સ્વાસ્થ્ય વીમા પૂરો પાડતી કંપનીઓને વિશેષ ડેમોગ્રાફી માટે અનુરૂપ નીતિઓ રજૂ કરવા અને તેમના દાવા તથા ફરિયાદોનો સામનો કરવા માટે સમર્પિત ચેનલ સ્થાપિત કરવાના પણ નિર્દેશ આપ્યા છે.
આ નોટિફિકેશનમાં જણાવાયું છે કે, વીમા કંપનીઓએ દરેક વય જૂથ માટે સ્વાસ્થ્ય વીમા ઉત્પાદનો પૂરા પાડવાના રહેશે. વીમા કંપનીઓ વરિષ્ઠ નાગરિકો, વિદ્યાર્થીઓ, બાળકો, માતૃત્વ અને સક્ષમ ઓથોરિટી દ્વારા નિર્દિષ્ટ અન્ય કોઈપણ વય જૂથ માટે વિશિષ્ટ ઉત્પાદનો તૈયાર કરી શકે છે. આ સાથે વીમા કંપનીઓ માટે કોઈપણ પ્રકારની વર્તમાન તબીબી સમસ્યા ધરાવતા લોકો માટે પણ સ્વાસ્થ્ય વીમા પોલિસી પૂરી પાડવાનું ફરજિયાત બનાવાયું છે.વર્તમાન નોટિફિકેશન પછી વીમા કંપનીઓ કેન્સર, હૃદય અને એઈડ્સ જેવી ગંભીર બીમારીઓથી પીડિત દર્દીઓને પણ પોલિસી આપવાનો ઈન્કાર કરી શકાશે નહીં. ઈરડાઈની અધિસૂચના મુજબ વીમા કંપનીઓને પોલિસીધારકોની સાનુકૂળતા માટે હપ્તામાં પ્રીમિયમ પેમેન્ટ ઓફર કરવાની પણ મંજૂરી અપાઈ છે. જોકે, ટ્રાવેલ પોલિસીઓ માત્ર જનરલ અને સ્વાસ્થ્ય વીમા કંપનીઓ જ ઓફર કરી શકશે તેમ નોટિફિકેશનમાં જણાવાયું છે.
આયુષ ટ્રીટમેન્ટ કવરેજ પર કોઈ મર્યાદા નહીં હોય. વધુમાં આયુર્વેદ, યોગ, નેચરોપથી, યુનાનિ, સિધ્ધા અને હોમિયોપેથી હેઠળની સારવારો પણ કોઈપણ મર્યાદા વિના ચોક્કસ રકમ સુધી વીમા કવરેજ મેળવી શકશે. નોટિફિકેશન મુજબ ઈરડાઈએ સ્વાસ્થ્ય વીમાનો વેઈટિંગ પીરિયડ ૪૮ મહિનાથી ઘટાડીને ૩૬ મહિના કરવામાં આવ્યો છે. વીમા નિયામક મુજબ બધી જ પૂર્વ-વર્તમાન સ્થિતિઓને ૩૬ મહિના પછી કવર કરવી જોઈએ, ભલે પોલિસીધારકે શરૂઆતમાં તેનો ખુલાસો કર્યો હોય કે નહીં.
વીમા ઉદ્યોગના એક નિષ્ણાતે કહ્યું કે, આ આવકાર્ય ફેરફાર છે, કારણ કે અત્યાર સુધી ૬૫ વર્ષથી વધુ વયના લોકો સ્વાસ્થ્ય વીમો ખરીદી શકતા નહોતા. ઈરડાઈના આ નિર્ણયના કારણે વીમા કંપનીઓ તેમના બોર્ડ દ્વારા મંજૂર કરાયેલ અન્ડરરાઈટિંગ દિશા-નિર્દેશોના આધારે ૬૫ વર્ષથી વધુ વયના લોકોને કવર કરી શકે છે. પોલિસીધારકો ફ્લેક્સિબિલિટી અને વિકલ્પો વધારવા માટે લાભ આધારિત પોલિસી સાથે વિવિધ વીમા કંપનીઓ સાથે અનેક ક્લેમ ફાઈલ કરી શકશે. ઈરડાઈએ વીમા કંપનીઓને વરિષ્ઠ નાગરિકોને ધ્યાનમાં રાખતા ઈન્સ્યોરન્સ પોલિસી લાવવા અને તેમના ક્લેમ અને ફરિયાદોના ઉકેલ માટે સમર્પિત ચેનલ સ્થાપિત કરવાનો પણ નિર્દેશ આપ્યો છે.