India

હવે જેન-આલ્ફા રસ્તા પર! કલેક્ટરને મળવા 15 કિમી ચાલ્યા વિદ્યાર્થીઓ, તંત્ર થયું દોડતું

By GS Team
24 Aug 20262 mins read
TukuTouch Logo
બડવાનીમાં 'એકલવ્ય સરકારી રહેણાંક શાળા'ના 225 થી વધુ વિદ્યાર્થીઓ પ્રાથમિક સુવિધાના અભાવ અને સ્ટાફના ગેરવર્તણૂકથી નારાજ થઈ કલેક્ટરને મળવા 15 કિલોમીટર પગપાળા નીકળ્યા હતા. અધિકારીઓએ સમજાવવા પ્રયાસ કર્યો, પણ વિદ્યાર્થીઓ ન માન્યા. અંતે, કલેક્ટર અને એસપીએ સ્થળ પર પહોંચી તેમની સમસ્યાઓ સાંભળી ઉકેલની ખાતરી આપતા વિદ્યાર્થીઓ શાળાએ પરત ફર્યા.

Summarized by AI; it may make mistakes. Check important info

હવે જેન-આલ્ફા રસ્તા પર! કલેક્ટરને મળવા 15 કિમી ચાલ્યા વિદ્યાર્થીઓ, તંત્ર થયું દોડતું
IMAGE SOURCE-@ANI_MP_CG_RJ

Eklavya Residential School Barwani Protest: મધ્યપ્રદેશના બડવાની જિલ્લામાં આવેલી 'એકલવ્ય સરકારી રહેણાંક શાળા' (જામલી) ના વિદ્યાર્થીઓનો આક્રોશ સોમવારે રસ્તા પર જોવા મળ્યો હતો. શાળા અને હોસ્ટેલમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ તથા સ્ટાફના કથિત ગેરવર્તણૂકથી નારાજ થઈને 225 થી વધુ વિદ્યાર્થીઓ પોતાની સમસ્યાઓ રજૂ કરવા માટે કલેક્ટરને મળવા 15 કિલોમીટર પગપાળા ચાલીને નીકળી પડ્યા હતા. વિદ્યાર્થીઓએ રસ્તામાં સૂત્રોચ્ચાર કર્યા હતા. વહીવટી અધિકારીઓએ તેમને રોકીને બસ દ્વારા કલેક્ટર કચેરી લઈ જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વિદ્યાર્થીઓએ સ્પષ્ટ ના પાડી દીધી હતી, અને કહ્યું હતું કે, તેઓ કલેક્ટરને રૂબરૂ મળીને જ પોતાની વાત રજૂ કરશે.

અધિકારીઓ અને સ્ટાફની સમજાવટ નિષ્ફળ

ઘટનાની જાણ થતાં જ વહીવટીતંત્રમાં હડકંપ મચી ગયો હતો. સેંધવા એસડીએમ આશિષ અને એસડીઓપી અજય વાઘમારે સહિત શાળાના પ્રિન્સિપાલ અજીત સિંહ અને અન્ય સ્ટાફ વિદ્યાર્થીઓને સમજાવવા પાછળ પાછળ ચાલતા રહ્યા હતા. ઘટનાસ્થળે ત્રણ બસો પણ મુકવામાં આવી હતી, પરંતુ વિદ્યાર્થીઓ બસમાં બેસવા તૈયાર થયા નહોતા.

વોર્ડન અને ક્લાસ ટીચર પર ગંભીર આરોપો

હોસ્ટેલની વ્યવસ્થાઓ અંગે નારાજગી વ્યક્ત કરતા કેટલીક વિદ્યાર્થિનીઓએ આરોપ લગાવ્યો હતો કે, હોસ્ટેલ વોર્ડન અને ક્લાસ ટીચરનું વર્તન તેમની સાથે સારું નથી અને તેમની સાથે ગેરવર્તણૂક કરવામાં આવે છે. વિદ્યાર્થીઓએ સ્પષ્ટ કર્યું કે, તેઓ પોતાની તમામ ફરિયાદો કલેક્ટર સમક્ષ જ મૂકવા માંગે છે.

કલેક્ટર અને એસપીએ સાંભળી સમસ્યાઓ

વિદ્યાર્થીઓ જુલવાનિયા સુધી પહોંચ્યા હોવાની જાણ થતાં કલેક્ટર જયંતિ સિંહ અને એસપી પદ્મવિલોચન શુક્લ પોતે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. બંને ઉચ્ચ અધિકારીઓએ વિદ્યાર્થીઓ સાથે શાંતિપૂર્વક વાતચીત કરી, તેમની તમામ સમસ્યાઓ સાંભળી અને ટૂંક સમયમાં જ તેનો ઉકેલ લાવવાની ખાતરી આપી. અધિકારીઓની ખાતરી બાદ વિદ્યાર્થીઓ બસમાં બેસીને શાળાએ પરત ફર્યા હતા. જોકે, તેમણે ચેતવણી આપી છે કે, જો તેમની સમસ્યાઓનું નિવારણ નહીં થાય તો તેઓ ફરીથી આંદોલન કરશે.