BJP Presidential Election: ભારતીય જનતા પાર્ટીને 20 જાન્યુઆરી 2026એ નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળશે. પાર્ટીએ આજે શુક્રવારે અધ્યક્ષ પદની ચૂંટણી માટે સત્તાવાર નોટિફિકેશન જાહેર કરી દીધું છે. જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર, 16 જાન્યુઆરીએ મતદાતાઓની યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. ત્યારબાદ 19 જાન્યુઆરીએ અધ્યક્ષ પદ માટે ઉમેદવારી પત્રો દાખલ કરવામાં આવશે. જો એકથી વધુ ઉમેદવારો હશે અને જરૂર પડશે, તો 20 જાન્યુઆરી, મંગળવારના રોજ મતદાન(ચૂંટણી) યોજવામાં આવશે.
ઔપચારિક જાહેરાત 20 જાન્યુઆરીએ થશે
હાલ એવી શક્યતા સેવાઈ રહી છે કે, કાર્યકારી અધ્યક્ષ નીતિન નબીન એકમાત્ર ઉમેદવાર તરીકે પોતાની ઉમેદવારી નોંધાવશે. આ સ્થિતિમાં 19 જાન્યુઆરીએ જ તેઓ બિનહરીફ જાહેર થઈ શકે છે, જોકે તેની ઔપચારિક જાહેરાત 20 જાન્યુઆરીએ કરવામાં આવશે. નીતિન નબીનના નામની દરખાસ્ત મૂકનાર (પ્રસ્તાવક) વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને વર્તમાન પાર્ટી અધ્યક્ષ જે. પી. નડ્ડા બની શકે છે.
શું દેશની રાજકીય કમાન યુવાનોના હાથમાં જશે?
નીતિન નબીનને પાર્ટી અધ્યક્ષ બનાવીને ભારતીય જનતા પાર્ટી યુવા નેતૃત્વની નવી રાજનીતિની શરુઆત કરવા માંગે છે. અગાઉ આ પદ માટે મોટેભાગે વરિષ્ઠ નેતાઓની પસંદગી કરવામાં આવતી હતી. ભાજપે 75 વર્ષથી વધુ ઉંમરના નેતાઓને 'માર્ગદર્શક મંડળ'માં મોકલીને એક નવી પરંપરા સ્થાપિત કરી છે. જેમાં નેતાઓની નિવૃત્તિની વય મર્યાદા આડકતરી રીતે નિર્ધારિત કરવામાં આવી છે. હવે દેશની રાજકીય કમાન યુવા પેઢીને સોંપવાની દિશામાં આ એક મોટું પગલું છે.


