અભિનંદન'નું પોસ્ટર દર્શાવવા બદલ ECની ભાજપના ધારાસભ્યને નોટિસ
- ભાજપના ઓમ પ્રકાશ શર્મા દિલ્હી વિધાનસભાની વિશ્વાસ નગર બેઠકના ધારાસભ્ય
(પીટીઆઈ) નવી દિલ્હી, તા.13 માર્ચ, 2019, બુધવાર
સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુક પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વાયુ સેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન સાથેના પોતાના બે ફોટો પોસ્ટ કરવા બદલ ચૂંટણી પંચે દિલ્હી ભાજપના ધારાસભ્ય ઓમ પ્રકાશને નોટિસ પાઠવી છે.
દિલ્હી વિધાનસભાની વિશ્વાસનગર બેઠકના ધારાસભ્ય ઓમ પ્રકાશ શર્માએ સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુક પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વાયુ સેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન સાથેના પોતાના બે ફોટો પોસ્ટ કર્યા હતા. શાહદરાના જિલ્લા મેજીસ્ટ્રેટ કેએમ મહેશે જણાવ્યું કે ઓમ પ્રકાશ શર્માએ મુકેલી આ પોસ્ટ ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન છે માટે ચૂંટણી પંચે ઓમ પ્રકાશ વિરુદ્ધ કારણ દર્શાવો નોટિસ બહાર પાડી છે.
આગામી ૧૧મી એપ્રિલથી શરુ થઈ રહેલી લોકસભા ચૂંટણી ૧૯મી મે સુધી ચાલશે અને દિલ્હીમાં બે તબક્કમાં મતદાન યોજાશે. શર્માએ પહેલી માર્ચે મોદી, અમિત શાહ અને અભિનંદન સાથેની પોતાની તસવીરો શેર કરી હતી અને કેપ્શનમાં લખ્યું હતું કે, 'ઝુક ગયા હૈ પાકિસ્તાન. લૌટ આયા દેશ કા વીર જવાન.' સાથે જ આટલા ઓછા સમયમાં અભિનંદનની વતન વાપસીને મોદીજીની મોટી કૂટનૈતિક જીત ગણાવી હતી. મહેશ જિલ્લા ચૂંટણી અધિકારી પણ છે અને તેમણે જણાવ્યું કે ચૂંટણી પ્રચારમાં સૈન્ય દળનો ઉલ્લેખ કરવો ગુનો છે.