માત્ર સપા-કોંગ્રેસ જ નહીં, NDAમાં પણ બેઠકો માટે જંગ! યુપીમાં સહયોગી દળોએ વધાર્યું BJPનું ટેન્શન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

UP Assembly Election 2027 : દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં ચૂંટણીના માહોલ વચ્ચે રાજકીય સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યા છે. એક તરફ વિપક્ષી ગઠબંધન સપા અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની વહેંચણીને લઈને ખેંચતાણ ચાલી રહી છે, તો બીજી તરફ સત્તાધારી ભાજપના નેતૃત્વ હેઠળના NDA ગઠબંધનમાં પણ અંદરખાને અસંતોષના સૂર ઉઠવા લાગ્યા છે. પૂર્વાંચલમાં સંજય નિષાદ અને ઓમપ્રકાશ રાજભર, જ્યારે પશ્ચિમ યુપીમાં જયંત ચૌધરી જેવા સહયોગી નેતાઓએ આક્રમક તેવર બતાવવાનું શરૂ કર્યું છે, જેના કારણે ભાજપ માટે તમામ સાથી પક્ષોને સંતોષવા મુશ્કેલ બની રહ્યા છે.
સહયોગી પક્ષોનું વધતું દબાણ અને 2022ના આંકડા
ઉત્તર પ્રદેશમાં NDAની એકતાની ફરી એકવાર કસોટી થવા જઈ રહી છે. ભાજપના સહયોગી પક્ષો આગામી વિધાનસભા ચૂંટણીમાં ગત ચૂંટણી કરતાં વધુ બેઠકો મેળવવા દબાણ કરી રહ્યા છે. અહેવાલો અનુસાર, અનુપ્રિયા પટેલનો પક્ષ અપના દળ (એસ), આરએલડી, સુભાસપા અને નિષાદ પાર્ટી વધુ બેઠકો પર ચૂંટણી લડવા માંગે છે.
- અપના દળ (એસ): 2022ની ચૂંટણીમાં 17 બેઠકો પર લડીને 12 પર જીત મેળવી હતી (લગભગ 70 ટકા સ્ટ્રાઇક રેટ).
- નિષાદ પાર્ટી: પોતાના સિમ્બોલ પર 10 બેઠકો લડીને 6 પર જીત મેળવી હતી (60 ટકા સ્ટ્રાઇક રેટ). આ ઉપરાંત ભાજપના સિમ્બોલ પર લડેલા તેના 6માંથી 5 ઉમેદવારો જીત્યા હતા.
- તાજેતરમાં જ નિષાદ પાર્ટીના પ્રમુખ ડૉ. સંજય નિષાદે એવું નિવેદન આપ્યું છે કે, 2022માં ભાજપ જે 100થી વધુ બેઠકો હારી હતી, તે 2027ની ચૂંટણીમાં સહયોગી પક્ષોને ફાળવવી જોઈએ.
લોકસભાના પરિણામો બાદ ભાજપ સામે નવો પડકાર
2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના બે અન્ય સહયોગી પક્ષોનું પ્રદર્શન અપેક્ષા મુજબ નહોતું રહ્યું. જયંત ચૌધરીની રાષ્ટ્રીય લોક દળ(RLD)એ 33 બેઠકો પર લડીને માત્ર 8 બેઠકો (આશરે 24 ટકા) જીતી હતી, જ્યારે ઓમપ્રકાશ રાજભરની સુભાસપાએ 19માંથી 6 બેઠકો(આશરે 31 ટકા) પર વિજય મેળવ્યો હતો. જોકે, લોકસભા ચૂંટણીમાં ભાજપના નબળા પ્રદર્શન, 10 વર્ષની સત્તા વિરોધી લહેર અને રાજ્યના જ્ઞાતિવાદી સમીકરણોને ધ્યાનમાં રાખીને આ સહયોગી પક્ષો હવે ભાજપ પાસેથી મોટો હિસ્સો માંગી રહ્યા છે.
પૂર્વાંચલમાં એક જ વિસ્તાર પર ત્રણ પક્ષોનો દાવો
ભાજપ માટે બેઠકોની વહેંચણી સૌથી વધુ પેચીદી પૂર્વાંચલ (પૂર્વી ઉત્તર પ્રદેશ)માં બની શકે છે, કારણ કે તેના ત્રણ મુખ્ય પ્રાદેશિક સહયોગી પક્ષોનો પ્રભાવ એક જ વિસ્તારમાં છે:
- નિષાદ પાર્ટી: 2016માં સ્થપાયેલો આ પક્ષ નિષાદ, કેવટ, બિંદ, બેલદાર, મલ્લાહ, સહની, કશ્યપ અને ગોંડ જેવા સમાજોનું પ્રતિનિધિત્વ કરવાનો દાવો કરે છે. ગોરખપુર, બસ્તી, અયોધ્યા, આઝમગઢ, પ્રયાગરાજ અને વારાણસીમાં આ સમાજની મોટી વસ્તી હોવાથી પાર્ટી અહીં મજબૂત દાવેદારી નોંધાવી રહી છે.
- સુભાસપા: ઓમપ્રકાશ રાજભરના આ પક્ષને રાજ્યના કુલ મતદારોમાં આશરે 4 ટકા હિસ્સો ધરાવતા રાજભર સમાજ અને અન્ય બિન-યાદવ પછાત વર્ગોનું સમર્થન છે. ગાઝીપુર, ઘોસી, બલિયા અને જૌનપુરમાં તેમનો ખાસ પ્રભાવ છે.
- અપના દળ (એસ): કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલનો પક્ષ પણ પૂર્વાંચલમાં સારી પકડ ધરાવે છે.
આમ, એક જ પ્રદેશમાં ત્રણેય પક્ષોનું વર્ચસ્વ હોવાથી એક જ બેઠક પર એકથી વધુ સહયોગી પક્ષો દાવો કરે તેવી પૂરી શક્યતા છે.
ચિરાગ પાસવાનની એન્ટ્રીથી સમીકરણો વધુ ગૂંચવાયા
બિહારના નેતા ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) પણ હવે ઉત્તર પ્રદેશમાં પોતાનો રાજકીય પાયો વિસ્તારવા સક્રિય થઈ છે. બિહારમાં દલિત મતદારો પર સારી પકડ ધરાવતા ચિરાગ પાસવાને સ્પષ્ટ સંકેત આપ્યા છે કે, જો ભાજપ સાથે બેઠકોની વહેંચણી પર સહમતિ નહીં સધાય, તો તેમનો પક્ષ એકલા હાથે ચૂંટણી લડી શકે છે. તેમણે નાગાલૅન્ડનું ઉદાહરણ આપતા જણાવ્યું કે, ત્યાં તેમના પક્ષે કોઈ ગઠબંધન વિના ચૂંટણી લડીને 2 ધારાસભ્યો જીતાડ્યા હતા. જો યુપીમાં ગઠબંધન નહીં થાય, તો લોજપા (રામવિલાસ) રાજ્યની તમામ 403 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારી શકે છે, જે ભાજપ માટે વધુ એક મોટી ચિંતાનો વિષય બની શકે છે.




