પાકિસ્તાનનું નાક દબાવવા લડાઈ નહીં પણ બૌદ્ધિક ઠંડા યુદ્ધના માર્ગે ચાલ્યું ભારત?
- પાક. સાથે વેપારી આયાત - નિકાસ બંધ, પોસ્ટ વ્યવહાર નહીં, જહાજોની આવન-જાવન પર પ્રતિબંધ
- પાકિસ્તાનને પરાસ્ત કરવા આર્થિક રીતે પાયમાલ કરવું ભારતના હિતમાં, લશ્કરી યુદ્ધ એ જ જવાબ ન હોવાની વિશ્વભરના નેતાઓની સલાહ
- પુલવામા હુમલા પછી સીધો વેપાર બંધ કર્યો હતો, હવે ત્રીજા દેશ મારફત વેપાર પણ બંધ કરી દીધો
Pahalgam attack and India Reply | જમ્મુ-કાશ્મીરના પહલગામના બૈસારનમાં આતંકીઓએ હિન્દુઓની નામ પૂછીને હત્યા કરવાના પગલે દેશભરમાં ભારે આક્રોશ ફેલાયેલો છે ત્યારે ભારત સતત પાકિસ્તાન પર ગાળીયો મજબૂત કરી રહ્યું છે. ભારતે હવે પાકિસ્તાનનું નાક દબાવવા માટે તાત્કાલિક અસરથી પરોક્ષ વેપાર પર પ્રતિબંધ મૂકી દીધો છે. ભારતે પાકિસ્તાન સાથે પોસ્ટલ અને પાર્સલ સેવા બંધ કરવાની તથા ભારતના બંદરોમાં પાકિસ્તાનના ધ્વજવાળા કોઈપણ જહાજના પ્રવેશ પર પ્રતિબંધ મૂકતા આદેશો આપ્યા છે. આ રીતે ભારતે પાકિસ્તાનની એરલાઈન્સ માટે એર સ્પેસ બંધ કર્યા પછી હવે પાકિસ્તાનના હવા, પાણી અને જમીન પરથી થતા વેપાર-પરિવહન બંધ કરી દીધા છે.
જમ્મુ-કાશ્મીરના પહલગામના બૈસારનમાં 26 હિન્દુઓની નામ પૂછીને હત્યા કરવાના સંદર્ભફમાં 22એપ્રિલે આતંકી હુમલાના દિવસ પછી ભારતે પાકિસ્તાન વિરુદ્ધ સિંધુ જળ સમજૂતી અટકાવી દેવા, પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરવા, હાઈ કમિશનમાં રાજદ્વારીઓની સંખ્યા ઘટાડી નાંખવા, એર સ્પેસ બંધ કરવા સહિત અનેક પગલાં લીધા છે. રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર નીતિના ધોરણોએ ભારત સરકાર દ્વારા તબક્કાવાર લેવાયેલા આ પગલાં નજીકના સમયમાં યુદ્ધના ભણકારાના સંકેતો આપે છે. આ દિશામાં આગળ વધતા ભારતે શનિવારે પાકિસ્તાનમાંથી દરેક પ્રકારની આયાત અને નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે. પાકિસ્તાન અનેક વસ્તુઓની આયાત માટે ભારત પર નિર્ભર હોવાથી સરકારના આ પગલાંને પાકિસ્તાન પર મોટા ફટકા સમાન જોવામાં આવે છે.
વર્ષ ૨૦૧૯ની ફેબ્રુઆરીમાં પુલવામા હુમલા પછી ભારતે પાકિસ્તાનમાંથી આયાત પર 200 ટકા ડયુટી નાંખતા સીધી આયાત લગભગ બંધ થઈ ગઈ હતી. જોકે, શનિવારે લીધેલા નિર્ણયથી હવે ત્રીજા દેશ મારફત આયાત પણ બંધ થઈ જશે. એપ્રિલથી જાન્યુઆરી 2024-25માં પાકિસ્તાનમાં ભારતની નિકાસ 44.76 લાખ યુએસ ડોલર હતી જ્યારે આયાત માત્ર 4.20 લાખ યુએસ ડોલર હતી. પાકિસ્તાનમાંથી આયાત માત્ર અંજીર, તુલસી અને રોઝમેરી ઔષધીઓ, કેટલાક રસાયણો, મુલતાની માટી અને હિમાલયન સિંધવ મીઠા સુધી મર્યાદિત હતી. 2023-24 માં ભારતની આયાત 28.8 લાખ યુએસ ડોલર જેટલી હતી. જોકે, પહલગામ આતંકી હુમલા પછી ડિરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી)એ શુક્રવારે જાહેર કરેલા નોટિફિકેશનમાં વિદેશ વેપાર નીતિ (એફટીપી) 2023માં વધુ આદેશ ના આવે ત્યાં સુધી પાકિસ્તાનમાંથી ત્રીજા દેશ મારફત પણ કોઈપણ સામાનની આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સરકારે રાષ્ટ્રીય હિતો અને જાહેર નીતિના સંદર્ભમાં આ નિર્ણય લીધો હોવાનું જણાવાયું છે.
પાકિસ્તાન સાથે વેપાર બંધ કરવાની સાથે ભારતે પાકિસ્તાનમાં પોસ્ટલ અને પાર્સલ સેવાઓના આવાગમન પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે. બીજીબાજુ ભારતીય બંદરો પર પાકિસ્તાનના ધ્વજવાળા કોઈપણ જહાજને પ્રવેશ નહીં આપવાનો પણ સરકારે આદેશ આપ્યો છે. આ સાથે ભારતીય ઝંડાવાળા કોઈપણ જહાજોને પાકિસ્તાનના કોઈપણ બંદરો પર જવા પર પ્રતિબંધ મૂકાયો છે. રાષ્ટ્રીય હિતમાં અને ભારતીય સમુદ્રી સંપત્તિઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માળખાની સુરક્ષા માટે જાહેર કરાયેલા આ નિર્દેશ તાત્કાલિક અસરથી લાગુ કરાયા છે.
આ આદેશનો આશય વર્તમાન ભૂ-રાજકીય પરિસ્થિતિઓ વચ્ચે સમુદ્રી સુરક્ષાને મજબૂત કરવાનો છે. આ સિવાય ભારતે પાકિસ્તાન સાથે પોસ્ટલ અને પાર્સલ સેવા પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે. હવાઈ અને જમીની બંને માર્ગોથી આવતી પોસ્ટ અને પાર્સલ પર પ્રતિબંધ મૂકાયો છે. તેથી હવે પાકિસ્તાનમાંથી કોઈ પત્ર અથવા પાર્સલ કે કુરિયર ભારત નહીં આવી શકે અને ભારતમાંથી પાકિસ્તાનમાં મોકલી નહીં શકાય. ભારતના આ નિર્ણયનો અસર વિશેષરૂપે બંને દેશોમાં કૌટુંબિક સંબંધો ધરાવતા નાગરિકો પર પડશે.