- રાજસ્થાનના કેટલાય વિસ્તારોમાં તાપમાન ગગડયું
- કાશ્મીરના મોટાભાગના વિસ્તારોમાં ચિલાઈ કલાનના કારણે ટેમ્પરેચર શૂન્યથી પણ નીચે જતાં લોકો ઘરમાં રહેવા મજબૂર
- ગાત્રો ધ્રૂજાવતી ઠંડીના લીધે પંજાબના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન એકથી ચાર ડિગ્રીની વચ્ચે જોવા મળ્યું
નવી દિલ્હી : ઉત્તરમાં હિમાળા પવનોના કારણે કોલ્ડ વેવનો પ્રારંભ થતાં આખુ ઉત્તર ભારત જાણે રેફ્રિજરેટર બન્યું હોય તેવી સ્થિતિ છે. જમ્મુ-કાશ્મીરમાં તો પારો શૂન્યથી નીચે ઉતરી જ ગયો છે, પરંતુ રાજસ્થાનના કેટલાય સ્થળોએ પારો શૂન્યથી નીચે ઉતરી ગયો છે. આજે સ્થિતિ એવી છે કે શિમલાથી ઓછું તાપમાન દિલ્હીમાં છે.શિમલામા તાપમાન ચાર ડિગ્રીથી નીચુ અને દિલ્હીમાં તાપમાન ત્રણ ડિગ્રીથી નીચે ઉતર્યુ છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ હજી પણ કમસેકમ એક અઠવાડિયુ તો ગાત્રો ધ્રૂજાવતી ઠંડી પડે તેવું અનુમાન છે. આના પગલે ઉત્તર ભારતમાં શીત લહેર એટલે કે કોલ્ડ વેવ પણ સર્જાઈ શકે છે. હવામાન વિભાગે રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, દિલ્હી, ચંદીગઢ, ઉત્તરપ્રદેશ અને બિહારમાં ગાઢ ધુમ્સની ચેતવણી સાથે ઓરેન્જ એલર્ટ જારી કર્યુ છે. ગાઢ ધુમ્મસનું સંકટ આગામી કેટલાક દિવસો સુધી ચાલી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર ભારતમાં ૧૪ જાન્યુઆરી સુધી મહત્તમ તાપમાન ૧૯થી૨૦ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ત્રણથી ચાર ડિગ્રી રહેવાનો અંદાજ છે. ઠંડીને ધ્યાનમાં રાખતા વહીવટીતંત્રએ ૧૫ જાન્યુઆરી સુધી નર્સરીથી આઠમા ધોરણના વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરી છે. ઠંડી જળવાઈ રહે તો રજા લંબાઈ પણ શકે છે. દિલ્હીની સફદરગંજ વેધશાળામાં લઘુત્તમ તાપમાન ૩.૨ ડિગ્રી નોંધાયુ હતુ. આ ઉપરાંત હરિયાણાના ગુરુગ્રામ અને પંજાબના ભટિંડામાં પણ ગાત્રો થીજાવતી ઠંડી પડી રહી છે. અહીં લઘુત્તમ તાપમાન ૦.૬ ડિગ્રી જેટલું થઈ ગયું છે. બંને સ્થળોએ રવિવારની રાત્રિ મોેસમની અત્યાર સુધીની ઠંડી રાત્રિ હતી.
અમૃતસરમાં લઘુત્તમ તાપમાન ૧.૧ ડિગ્રી, ફરીદકોટમાં ૧.૮ ડિગ્રી, નારનૌલમાં તાપમાન ૧.૨ ડિગ્રી નોંધાયુ હતુ. રાજસ્થાનના સીકરના ફતેપુરમાં લઘુત્તમ તાપમાન ૦.૪ ડિગ્રી નોંધાયુ છે. રાજસ્થાનના ૧૧ જિલ્લામાં કોલ્ડ વેવના લીધે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જારી કરવામાં આવ્યા છે. કાશ્મીરમાં ચાલતા ચિલાઇ કલાનના કારણે મોટાભાગના વિસ્તારોમાં તાપમાન શૂન્યથી નીચે ઉતરી ગયું છે.
જ્યારે રાજસ્થાનના કેટલાય વિસ્તારોમાં તાપમાનનો પારો ગગડયો છે. ચુરુમાં સોમવારે લઘુત્તમ તાપમાન ૧.૩ ડિગ્રી નોંધાયુ હતુ. ઠંડી એટલી બધી હતી કે રસ્તાઓ પર ટ્રાફિક ઘટી ગયો હતો. રસ્તાઓ પર વાહનોની અને ગલીઓમાં લોકોની હાજરી પાંખી થઈ ગઈ હતી.


