India

દુનિયાના કોઈ નેતાએ ઓપરેશન સિંદૂર રોકવા કહ્યું નથી : મોદી

By GS TEAM
30 Jul 20254 mins read
દુનિયાના કોઈ નેતાએ ઓપરેશન સિંદૂર રોકવા કહ્યું નથી : મોદી

- વાન્સને મેં કહ્યું પાક. હુમલો કરશે તો ગોળીનો જવાબ ગોળાથી આપીશું

- ભારતનું લક્ષ્ય માત્ર આતંકીઓના સ્થળોનો નાશ કરવાનું હતું, પાક.ને ખબર પડી ગઈ કે હુમલો કરીશું તો ભારત ઘૂસીને મારશે  : પીએમ મોદી

- પાકિસ્તાનને માત્ર ત્રણ દેશોનું જ્યારે ભારતને ફ્રાન્સ, જર્મની સહિત બધા જ દેશોનું  સમર્થન

નવી દિલ્હી : પહલગામમાં આતંકી હુમલા અને ઓપરેશન સિંદૂર પર સંસદના ચોમાસુ સત્રમાં લોકસભામાં મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સંઘર્ષ વિરામના દાવાથી લઈને, સૈન્યના હાથ બાંધવા અને પીઓકે પાછું કેમ ના લીધું જેવા સવાલોનો જવાબ આપ્યો હતો. તેમણે ભારપૂર્વક કહ્યું કે, દુનિયાના કોઈ નેતાએ ભારતને ઓપરેશન સિંદૂર રોકવા કહ્યું નથી. વધુમાં પાકિસ્તાનને હવે ખબર પડી ગઈ છે કે આતંકી હુમલા થશે તો ભારત આવશે અને મારશે. આ સાથે પીએમ મોદીએ કહ્યું કે, આતંકવાદ સામેની આ કાર્યવાહીમાં ભારતને આખી દુનિયાનો સાથ મળ્યો પરંતુ માત્ર વિપક્ષ રાષ્ટ્રના સૈનિકો સાથે ઊભું રહેવામાં પાછું પડયું.

લોકસભામાં ઓપરેશન સિંદૂર પર બે દિવસની ચર્ચામાં મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ સત્ર ભારતના વિજયોત્સવ, ગૌરવગાનનું સત્ર છે. હું કહેવા માગું છું કે આ વિજયોત્સવ સિંદૂરની સોગંધ પૂરી કરવાનો, સૈન્યના શૌર્ય અને સામર્થ્યનું પ્રતીક છે. આ ૧૪૦ કરોડ ભારતીયોની ઈચ્છાશક્તિનું પ્રતીક છે. ઓપરેશન સિંદૂરમાં જે લોકોને ભારતનો પક્ષ ના દેખાતો હોય તેમને દર્પણ બતાવવા માટે હું ઊભો છું.

ઉરી હુમલા પછી સર્જિકલ સ્ટ્રાઈક, પઠાણકોટ હુમલા પછી એરસ્ટ્રાઈક અને હવે પહલગામ હુમલા પછી ઓપરેશન સિંદૂરને ટાંકતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, આતંકીઓના આકાઓ અને પાકિસ્તાનને હવે ખબર પડી ગઈ છે કે હુમલો થશે તો ભારત આવશે અને અંદર સુધી ઘૂસીને મારશે.

ઓપરેશન સિંદૂર કોના દબાણ હેઠળ રોકવામાં આવ્યું હતું તેવા વિપક્ષના સવાલોના જવાબમાં પીએમ મોદીએ કહ્યું કે, દુનિયાના કોઈપણ દેશે ભારતને ઓપરેશન સિંદૂર રોકવા માટે કહ્યું નથી. ઓપરેશન સિંદૂરની કાર્યવાહી થઈ તો હવે વિપક્ષ કહે છે કે રોકી કેમ દીધી. વાહ રે બયાન બહાદુરો, તમારે વિરોધ કરવા માટે કોઈ ને કોઈ બહાનું જોઈએ છે. આતંકીઓ રોવે છે, તેમના આકાઓ રોવે છે તો ભારતમાં પણ કેટલાક લોકો રોવા લાગે છે. ઓપરેશન સિંદૂર પછી ઓપરેશન મહાદેવમાં આતંકીઓ માર્યા ગયા તો હવે સવાલ ઉઠાવે છે કે આ ઓપરેશન સોમવારે જ કેમ થયું? ઓપરેશન સિંદૂર સમયે પાકિસ્તાને પચાવી પાડેલું કાશ્મીર (પીઓકે) પાછું કેમ ના લીધું તેવા સવાલો પર વિપક્ષ પર પ્રહાર કરતા વડાપ્રધાને કહ્યું કે, પાકિસ્તાનને પીઓકે પર કબજો કરવાની તક કઈ સરકારે આપી હતી. કોંગ્રેસે રાષ્ટ્રીય સુરક્ષા સાથે હંમેશા સમજૂતી કરી છે. ૧૯૬૨ના યુદ્ધમાં ભારતે ૩૮ હજાર વર્ગ કિ.મી. જમીન ગુમાવવી પડી. ૧૯૬૫માં હાજીપીર ભારતીય સૈન્યે જીતી લીધું હતું, પરંતુ સરકારે પાકિસ્તાનને પાછું આપી દીધું. ૧૯૭૧ના યુદ્ધમાં ૯૩ હજાર સૈનિકો યુદ્ધ કેદી હતા, હજારો વર્ગ કિ.મી. જમીન આપણા કબજામાં હતી, પરંતુ આપણે પીઓકે પાછું ના લઈ શક્યા. આટલી તકો ગુમાવનારા હવે સવાલ પુછે છે કે પીઓકે પાછું કેમ ના લીધું?

પીએમ મોદીએ કહ્યું કે, ૯ મેના રોજ અમેરિકન ઉપપ્રમુખ જેડી વેન્સે મને ત્રણ-ચાર વખત કોલ આવ્યો હતો. તે સમયે હું સૈન્ય સાથે મીટિંગમાં હતો. પછી મેં તેમને કોલ કર્યો, તેમણે કહ્યું પાકિસ્તાન મોટો હુમલો કરવાનું છે, તો મેં જવાબ આપ્યો હતો કે પાકિસ્તાનને તે મોંઘું પડશે. પાકિસ્તાન હુમલો કરશે તો અમે વધુ મોટો હુમલો કરીશું. તે ગોળી મારશે તો અમે ગોળાથી જવાબ આપીશું. આ ૯ મેના રોજ રાતની વાત છે. ૧૦ મેએ અમે પાકિસ્તાનના ૧૧ એરબેઝ તોડી પાડયા હતા.

તેમણે ઉમેર્યું કે, અમે ૧૦ વર્ષથી તૈયારી ના કરી હોત તો આપણને ઘણું મોટું નુકસાન થયું હોત. ઓપરેશન સિંદૂરમાં ભારતની ત્રણેય સેનાઓએ અભૂતપૂર્વ કામગીરી કરી. ઓપરેશન સિંદૂરમાં ભારતને કોઈ દેશનો સાથ નહીં મળ્યો હોવાના દાવાઓને ફગાવતા વડાપ્રધાને કહ્યું કે, સિંદૂરથી લઈને સિંધુ સુધી પાકિસ્તાન સામે કાર્યવાહી કરવામાં આવી. આ સમયે દુનિયાના કોઈ દેશે ભારતને રોક્યો નથી. પાકિસ્તાનને માત્ર ત્રણ દેશનું સમર્થન મળ્યું. બીજીબાજુ ફ્રાન્સ, જર્મની સહિત બધા જ દેશોનું ભારતને સમર્થન મળ્યું.

પાકિસ્તાન સાથે યુદ્ધવિરામ મુદ્દે તેમણે કહ્યું કે, ઓપરેશન સિંદૂરનું લક્ષ્ય પહલગામ આતંકી હુમલાની યોજના બની હતી, આતંકીઓને તાલીમ અપાઈ હતી તે કેન્દ્રોને તોડી પાડવાનું હતું. પાકિસ્તાન સાથે યુદ્ધ કરવાનું ભારતનું લક્ષ્ય નહોતું. ભારતે તેનું લક્ષ્ય પૂરું કરતા સંઘર્ષ વિરામ કરવામાં આવ્યો.