Centre Tightens Rules on Highway Toll Violations : કેન્દ્ર સરકારે નેશનલ હાઈવે પર ટોલ ટેક્સની ચોરી રોકવા નવા નિયમો જાહેર કર્યા છે. હવે જો કોઈ વાહન ચાલકે ટોલ ટેક્સ નહીં ચૂકવે કે તેના ફાસ્ટેગમાં સમસ્યાને કારણે પેમેન્ટ બાકી હશે, તો તે વાહન માટે આરટીઓ સંબંધિત મહત્ત્વના દસ્તાવેજો મેળવવા મુશ્કેલ બનશે. આ નિયમો મુજબ, જે વાહનોનો ટોલ ટેક્સ બાકી હશે તેમને ફિટનેસ સર્ટિફિકેટ, નેશનલ પરમિટ કે એનઓસી (NOC) પણ નહીં મળે.
ટોલ ટેક્સ નહીં ભરો તો શું થશે?
- હવેથી જો તમારે ટોલ ટેક્સ ભરવાનો બાકી હશે તો NOC ( નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ ) નહીં મળે. કોઈ વાહનની રજિસ્ટ્રેશન એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં કરાવવા અથવા તો વેચવા માટે NOCની જરૂર પડે છે.
- કોમર્શિયલ વાહનો માટે ફિટનેસ સર્ટિફિકેટ ખૂબ મહત્ત્વનું છે. એવામાં જ્યાં સુધી બાકીનો ટોલ ટેક્સ જમા નહીં કરાવો ત્યાં સુધી ફિટનેસ સર્ટિફિકેટ નહીં મળે.
- ટ્રક અને બસ જેવા કોમર્શિયલ વાહનોને નેશનલ પરમિટ આપતા પહેલા ચેક કરાશે કે ટોલ ટેક્સ ભરવાનો બાકી છે કે નહીં.
વાહનોનો રેકોર્ડ કેવી રીતે રખાશે?
- ટોલ બૂથથી પસાર થતાં સમયે જો તમારા ફાસ્ટેગમાં બેલેન્સ નથી અથવા બ્લેકલિસ્ટેડ છે તો RFID રીડરની મદદથી તમારા ગાડીનો નંબર રેકોર્ડ કરી લેવાશે.
- ત્યાર પછી NPCI અને બેન્કને માહિતી મોકલાશે.
- NPCI અને કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયના ડિજિટલ રેકોર્ડમાં તમારા વાહનની નોંધણી કરાશે.


