Get The App

ગુગલ પર રૂ.1338 કરોડની પેનલ્ટીનો મામલો : CCIએ ફટકારેલા દંડ પર SCનો સ્ટે આપવાનો ઈનકાર

જોકે કોર્ટે CCIના આદેશના પાલનની સમયમર્યાદા વધુ એક સપ્તાહ લંબાવી

મામલો ફરી એકવાર NCLATને મોકલવામાં આવ્યો

Updated: Jan 19th, 2023

GS TEAM

Google News
Google News
ગુગલ પર રૂ.1338 કરોડની પેનલ્ટીનો મામલો : CCIએ ફટકારેલા દંડ પર SCનો સ્ટે આપવાનો ઈનકાર 1 - image
Image - wikipedia

નવી દિલ્હી, તા.19 જાન્યુઆરી-2023, ગુરુવાર

ગૂગલને સુપ્રીમકોર્ટ તરફથી પણ મોટો આંચકો અપાયો છે. કોર્ટે CCI દ્વારા લગાવેલ 1338 કરોડ રૂપિયાના દંડ પર સ્ટે આપવાનો ઇનકાર કરી દીધો છે. જોકે કોર્ટે CCIના આદેશના પાલનની સમયમર્યાદા વધુ એક સપ્તાહ લંબાવી છે, તેની સાથે જ આ મામલો ફરી એકવાર NCLATને મોકલવામાં આવ્યો છે. 

31 માર્ચ સુધીમાં સીસીઆઈના નિર્ણય સામેની અપીલનો નિકાલ કરવા નિર્દેશ

NCLATને 31 માર્ચ સુધીમાં CCIના નિર્ણય સામેની અપીલનો નિકાલ કરવા નિર્દેશ અપાયો છે. સીજેઆઈ ડી.વાય. ચંદ્રચુડ, જસ્ટિસ પી.એસ. નરસિમ્હા અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેન્ચે આ મુદ્દે સુનાવણી કરી હતી. છેલ્લી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે ગૂગલને પૂછ્યું હતું કે શું તમે ભારતમાં પણ તે જ સિસ્ટમ લાગુ કરવા ઇચ્છુક છો જે તમે યુરોપમાં લાગુ કરી છે?

ગૂગલ પર ભારત અને યુરોપમાં જુદી જુદી નીતિ અપનાવવાનો આરોપ

ખરેખર તો કેન્દ્ર સરકારે કહ્યું હતું કે ગૂગલે યુરોપ અને ભારત માટે જુદી જુદી નીતિઓ અપનાવી છે. યુરોપમાં આવા જ કેસમાં તેણે 4 અબજ યુરોનો દંડ ચૂકવ્યો હતો. જ્યારે ભારતમાં તે દંડના નિર્ણયને પડકારી રહ્યો છે. ગૂગલ પર સવાલો ઉઠાવતા સીજેઆઈ ચંદ્રચુડે કહ્યું કે આ આદેશ 20 ઓક્ટોબર 2022ના રોજ પસાર કરાયો હતો.

સીજેઆઈએ કહ્યું કૃત્રિમ ઈમરજન્સી સર્જવામાં આવી રહી છે

સીજેઆઈએ કહ્યું કે ડિસેમ્બરમાં અપીલ દાખલ કરાઈ હતી. તમે ઓર્ડર સામે અપીલ દાખલ કરી શકો છો. કૃત્રિમ ઇમરજન્સી બનાવાઈ રહી છે. તમે એવી કટોકટી સર્જી રહ્યા છો કે જેથી ટ્રિબ્યુનલ તારીખ લંબાવવા મજબૂર થઈ જાય. બીજી તરફ ગુગલ વતી અભિષેક મનુ સિંઘવીએ પોતાનો પક્ષ રાખતા કહ્યું કે આ યોગ્ય નથી. પાલનની તારીખ 19 જાન્યુઆરી છે. જ્યારે મામલો NCLATમાં આવ્યો ત્યારે ન્યાયાધીશે કહ્યું કે મામલો મોટો છે. અમે કહ્યું કે કૃપા કરીને 13-16 જાન્યુઆરી વચ્ચે ગમે ત્યારે તેની સુનાવણી કરો. અસાધારણ નિર્દેશો માટે અપીલ અને દાવો દાખલ કરવામાં આવ્યો હતો. અમે એન્ડ્રોઈડ બનાવ્યું છે જે સૌથી શ્રેષ્ઠ સોફ્ટવેર છે.