India

'રામ વગર રમઝાન નહીં' : જયપુરમાં મુસ્લિમો પર હિન્દુઓની પુષ્પવર્ષા

By GS TEAM
22 Mar 20262 mins read
'રામ વગર રમઝાન નહીં' : જયપુરમાં મુસ્લિમો પર હિન્દુઓની પુષ્પવર્ષા

- ઇદની ઉજવણીએ અનોખી પહેલના વીડિયો સામે આવ્યા

- હિન્દુ યુવકની હત્યા થઇ હતી તે ઉત્તમ નગરમાં ભારે સુરક્ષા, તૈનાત જવાનો પર મુસ્લિમોએ પુષ્પ વર્ષા કરી

નવી દિલ્હી: રાજસ્થાનના જયપુરમાં કોમી એકતા જોવા મળી હતી, ઇદની ઉજવણી કરવા એકઠા થયેલા મુસ્લિમો પર હિન્દુઓએ ફુલોનો વરસાદ કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. નીચે મોટી સંખ્યામાં મુસ્લિમો ઇદની ઉજવણી કરી રહ્યા હતા જ્યારે એક ઇમારત ઉપરથી હિન્દુઓ ભગવા વસ્ત્રમાં મુસ્લિમો પર પુષ્પવર્ષા કરતા જોવા મળ્યા હતા. 

પુષ્પવર્ષાનું આ આયોજન હિન્દુ-મુસ્લિમ એકતા સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું જેના સભ્ય રાજેશ કુમાર શર્માએ મીડિયાને જણાવ્યું હતું કે કેટલાક લોકો કોમી એકતામાં ભાગલા પાડવા માગે છે જે યોગ્ય નથી, રામ વગર રમઝાન ના થાય અને ઇદ વગર દિવાળી ના થાય. અમે એ સંદેશો આપવા માગીએ છીએ કે અમે બધા એક છીએ. એક પરિવાર બનીને રહીએ. જયપુર શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી મુસ્લિમો ઇદગાહ પહોંચ્યા હતા જ્યાં નમાઝ અદા કરવામાં આવી અને દેશમાં શાંતિ ભાઇચારાની કામના કરવામાં આવી. 

બીજી તરફ દિલ્હીના ઉત્તમ નગરમાં હોળીના દિવસે એક હિન્દુ યુવકની હત્યા થઇ હતી, જેને પગલે કોમી તંગદીલી જોવા મળી હતી. જેને પગલે મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી હતી. એવામાં ઇદની ઉજવણી દરમિયાન ઇદગાહ સમિતિ તરફથી સુરક્ષામાં તૈનાત જવાનો પર ફુલ વરસાવવામાં આવ્યા હતા. ઇદગાહ બહાર મોટી સંખ્યામાં જવાનો તૈનાત હતા, એવામાં ઇદગાહ સમિતિના મુસ્લિમોએ અર્ધ સૈન્ય દળ તેમજ પોલીસના જવાનો પર પુષ્પ વર્ષા કરી હતી જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જયપુર અને દિલ્હીની આ ઘટનાને લોકો કોમી એકતા અને ભાઇચારાના એક સંદેશા તરીકે જોઇ રહ્યા છે.