હવે ભારતમાં આ લોકો પાસપોર્ટ વિના રહી શકશે, કોઈ પુરાવાની જરૂર નહીં, બસ માત્ર એક શરત...
Immigration and Foreigners Act 2025: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ઇસ્લામિક દેશોમાં ઉત્પીડનનો સામનો કરીને ભારતમાં આવીને આશ્રય લેનારા લોકો માટે રાહત આપતો આદેશ જાહેર કર્યો છે. ભારતે તેના પડોશી દેશ અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, પાકિસ્તાનમાંથી હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી, ખ્રિસ્તી સહિતના લઘુમતી સમુદાયના લોકો માટે કે જેઓ 31 ડિસેમ્બર, 2024 સુધીમાં ધાર્મિક અત્યાચારોથી બચવા ભારતમાં આશરો લીધો હોય તેમને કોઈપણ પ્રકારના ટ્રાવેલ ડૉક્યુમેન્ટ કે પાસપોર્ટ વિના ભારતમાં રહેવાની મંજૂરી આપી દીધી છે. જોકે નેપાળ અને ભૂતાનવાસીઓ માટે પાસપોર્ટ મુક્તિનો નિયમ યથાવત્ રહેશે.
ભારતનો ઈમિગ્રેશન ઍન્ડ ફોરેનર્સ ઍક્ટ, 2025
હાલમાં જ મંત્રાલય દ્વારા મંજૂર કરવામાં આવેલો ઈમિગ્રેશન ઍન્ડ ફોરેનર્સ ઍક્ટ, 2025 સોમવારથી લાગુ થયો છે. જે હેઠળ આ ત્રણ દેશોમાંથી લઘુમતી સમુદાયોને મોટી રાહત આપવામાં આવી છે. અગાઉ ગતવર્ષે સીટિઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ (CAA) લાગુ કરવામાં આવ્યો હતો, જેમાં 31 ડિસેમ્બર, 2014 પહેલાં ભારતમાં પ્રવેશેલા લોકોને ભારતની સીટિઝનશીપ આપવાની જોગવાઈ છે. જ્યારે આ નવો ઍક્ટ 31 ડિસેમ્બર, 2024 સુધી ભારતમાં પ્રવેશેલા લઘુમતી કોમના લોકોને પાસપોર્ટ અને વિઝા ડોક્યુમેન્ટ વિના ભારતમાં રહેવાની મંજૂરી આપે છે. પણ તે સિટિઝનશીપની ગેરેંટી આપતું નથી. આ નવા ઍક્ટથી ઇસ્લામિક દેશમાંથી આવેલા લઘુમતી કોમના લોકો તેમાં પણ ખાસ કરીને પાકિસ્તાનથી આવેલા હિન્દુઓને મોટી રાહત મળશે.
નેપાળ-ભૂતાનવાસીઓ માટે પણ મહત્ત્વનો આદેશ
નેપાળ અને ભૂતાનના નાગરિકો તેમજ ભારતીયો જે ભારતમાં હવાઈ કે જમીન માર્ગે પ્રવેશ કરી રહ્યા હોય તેઓને અગાઉની જેમ પાસપોર્ટ કે વિઝાની જરૂર પડશે નહીં. વધુમાં નૌસેના, મિલિટ્રી કે એરફોર્સમાં કાર્યરત સૈનિકોએ પણ પાસપોર્ટ કે વિઝા રાખવાની જરૂર નથી. તેમના પરિવારના સભ્યો પણ સરકારી વાહનમાં જાય છે. તેમણે પણ પાસપોર્ટ કે વિઝા સાથે રાખવાની જરૂર નથી. તેઓ ભારતમાં સરળતાથી પ્રવેશ લઈ શકશે. જો કે, આ નિયમ ચીન, મકાઉ, હોંગકોંગ અને પાકિસ્તાનમાંથી ભારત આવતા લોકો માટે લાગુ થશે નહીં.