ગોળ પાપડ પર GST નહીં, ચોરસ પર લાગશે! હર્ષ ગોયન્કાની ટ્વીટ પર CBICએ આપી આ સ્પષ્ટતા
- લસ્સી અને ફ્લેવર્ડ મિલ્ક બંને દૂધની બનાવટો છે પરંતુ બંને કેસમાં ટેક્સના નિયમો અલગ
નવી દિલ્હી, તા. 01 સપ્ટેમ્બર, 2021, બુધવાર
ગોળ આકારના પાપડ પર વસ્તુ અને સેવા કર (GST) નથી લાગતો અને ચોરસ પાપડ પર લાગે છે એવી જાણકારી આપનારા ઉદ્યોગપતિ હર્ષ ગોયન્કાની ટ્વીટ પર સીબીઆઈસી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર આ મુદ્દાને લઈ અનેક પ્રકારની ચર્ચા પણ જામી છે.
ઉદ્યોગપતિ હર્ષ ગોયન્કાએ મંગળવારે એક ટ્વીટ કરી હતી જેમાં લખ્યું હતું કે, 'શું તમે જાણો છો કે ગોળ પાપડને જીએસટીમાંથી મુક્ત રાખવામાં આવ્યો છે જ્યારે ચોરસ પાપડ પર જીએસટી લાગે છે? શું કોઈ મને સારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું નામ સૂચવી શકે જેના પાસેથી હું આનું લોજિક સમજી શકું.'
CBICનો જવાબ
હર્ષ ગોયન્કાની ટ્વીટ પર જવાબ આપતા સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સીઝ એન્ડ કસ્ટમ્સ (CBIC)એ જણાવ્યું કે, 'પાપડ કોઈ પણ રૂપમાં હોય તેને જીએસટી નોટિફિકેશન સંખ્યા 2/2017-CT(R) અંતર્ગત જીએસટીમાંથી મુક્ત રાખવામાં આવ્યો છે. આ નોટિફિકેશન વેબસાઈટ http://cbic.gov.in પર ઉપલબ્ધ છે.'
અનેક યુઝર્સે ફેક ગણાવ્યું
હર્ષ ગોયન્કાની ટ્વીટ બાદ અનેક યુઝર્સે તેને ફેક ગણાવ્યું હતું. થોડા મહિના પહેલા ગુજરાતના ઓથોરિટી ઓફ એડવાન્સ રૂલિંગ્સ (GAAR)એ પણ પોતાના એક આદેશમાં તે સ્પષ્ટ કર્યું હતું કે, પાપડ ભલે કોઈ પણ આકાર કે આકૃતિનો હોય, તેના પર જીએસટી નહીં લાગે.
તાજેતરમાં જ લસ્સી અને ફ્લેવર્ડ મિલ્ક પર જીએસટીને લઈ ગુજરાતની જીએસટી ઓથોરિટી ફોર એડવાન્સ રૂલિંગ્સ (AAR-Gujarat)નો એક દિલચસ્પ આદેશ આવ્યો હતો. AAR-Gujaratના કહેવા પ્રમાણે લસ્સી જીએસટીમાંથી મુક્ત છે. બીજી બાજુ કોર્ટના કહેવા પ્રમાણે ફ્લેવર્ડ મિલ્ક પર જીએસટી ચાલુ રહેશે. ઉલ્લેખનીય છે કે, લસ્સી અને ફ્લેવર્ડ મિલ્ક બંને દૂધની બનાવટો છે પરંતુ બંને કેસમાં ટેક્સના નિયમો અલગ છે.