અમેરિકાની અમાનવીયતા: 30 વર્ષ બાદ 73 વર્ષીય ભારતીય મહિલાને હાથકડી પહેરાવી ભારત ડિપોર્ટ કરાયા
Harjit Kaur deported to India: બીબી હરજીત કૌર, એક 73 વર્ષીય શીખ મહિલાની અમેરિકાથી ભારત વાપસીની કથા અત્યંત પીડાદાયક છે. ઇમિગ્રેશન વિભાગ (ICE)એ તેમને હાથકડી પહેરાવીને કેલિફોર્નિયાથી જ્યોર્જિયા અને પછી ચાર્ટર ફ્લાઇટ દ્વારા પંજાબ મોકલી દીધા. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન, તેમને પોતાના પરિવારજનો કે વકીલને મળવા દેવામાં આવ્યા નહોતા. છેલ્લા 48 કલાકમાં તેમને સૂવા માટે પથારી પણ મળી નહોતી અને દવાઓ માટે ભોજન માંગતા ફક્ત બરફની ટ્રે અને એક ચીઝ સેન્ડવિચ આપવામાં આવ્યું હતું. આટલું જ નહીં, જ્યારે તેમણે પોતાના દાંતના ચોકઠા (dentures) માટે વિનંતી કરી, ત્યારે પણ ઇનકાર કરી દેવામાં આવ્યો.
મહિલાના વકીલના જણાવ્યા અનુસાર, 30 વર્ષથી વધુ સમયથી અમેરિકામાં રહેતાં હરજીત કૌરને ગયા અઠવાડિયે કેલિફોર્નિયામાં ઇમિગ્રેશન અધિકારીઓએ કસ્ટડીમાં લઈ ભારત મોકલી દીધાં. આ દરમિયાન, તેમને તેમના સંબંધીઓને અલવિદા કહેવાનો પણ મોકો મળ્યો ન હતો.
ઇન્સ્ટાગ્રામ પર વકીલે આપી માહિતી
બુધવારે, ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં હરજીતના વકીલ દીપક આહલુવાલિયાએ કહ્યું, "બીબીજી (હરજીત કૌર) પંજાબ પાછા આવી રહ્યા છે. તે પહેલાં જ ભારત પહોંચી ગયા છે. કેલિફોર્નિયામાં ઇમિગ્રેશન અધિકારીઓએ નિયમિત તપાસ દરમિયાન કૌરની અટકાયત કરી, જેના કારણે તેમના પરિવાર અને સમુદાયના સભ્યોમાં રોષ ફેલાયો.'
30 વર્ષથી અમેરિકામાં રહેતા હતા હરજીત
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 30થી વધુ વર્ષોથી ઉત્તરી કેલિફોર્નિયાના ઈસ્ટ-બેમાં રહેતા કૌરને ઇમિગ્રેશન એન્ડ બોર્ડર એન્ફોર્સમેન્ટ (ICE)ના અધિકારીઓએ એક નિયમિત તપાસ દરમિયાન કસ્ટડીમાં લીધા હતા. કૌરને તાત્કાલિક મુક્ત કરવાની માંગ સાથે તેમના પરિવાર અને સમુદાયના સેંકડો સભ્યોએ વિરોધ પ્રદર્શનો પણ કર્યા હતા.
સંબંધીઓને અલવિદા કહેવાનો પણ મોકો ન મળ્યો
આહલુવાલિયાએ જણાવ્યું કે, ઇમિગ્રેશન અધિકારીઓ કૌરને બેકર્સફિલ્ડના એક કસ્ટડી સેન્ટરમાં લઈ ગયા. પોસ્ટમાં આહલુવાલિયાએ દાવો કર્યો કે કૌરને બેકર્સફિલ્ડથી લોસ એન્જલસ લઈ જવામાં આવ્યા, જ્યાંથી તેમને જ્યોર્જિયા અને ત્યારબાદ દિલ્હીની ફ્લાઇટમાં બેસાડવામાં આવ્યા. તેમણે એવો પણ દાવો કર્યો કે કૌરના પરિવારના સભ્યોએ અધિકારીઓને વિનંતી કરી હતી કે તેમને પાછા મોકલવામાં આવે તે પહેલાં પોતાના સંબંધીઓને અલવિદા કહેવાનો મોકો આપવામાં આવે, પરંતુ તેની મંજૂરી આપવામાં આવી ન હતી.
આહલુવાલિયાએ કહ્યું, 'અમે કૌર માટે સોમવારની ફ્લાઇટની ટિકિટ મેળવવામાં સફળ રહ્યા હતા, પરંતુ શનિવારે વહેલી સવારે લગભગ 2 વાગ્યે, તેઓ તેમને બેકર્સફિલ્ડથી હાથકડી પહેરાવીને લોસ એન્જલસ લઈ ગયા અને વકીલને જાણ કર્યા વિના અથવા કોઈ પૂર્વ સૂચના આપ્યા વિના તેમને જ્યોર્જિયાની ફ્લાઇટમાં બેસાડી દીધા. જ્યોર્જિયામાં કૌરને કેદીઓના કસ્ટડી સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા.'
વકીલનો દાવો: હરજીતને સહેવી પડી યાતનાઓ
આહલુવાલિયાએ કહ્યું, 'કૌરને લગભગ 60-70 કલાક સુધી પથારી પણ આપવામાં આવી ન હતી અને તેમને જમીન પર ધાબળો ઓઢીને સૂવા મજબૂર કરવામાં આવ્યા હતા. તે ઊભા પણ થઈ શકતા નહોતા, કારણ કે તેમના બંને ઘૂંટણની સર્જરી થઈ હતી. તેમને આટલા લાંબા સમય સુધી નહાવાની પણ પરવાનગી આપવામાં આવી ન હતી. જ્યોર્જિયાથી આર્મેનિયા થઈને તે એક ICE ચાર્ટર્ડ વિમાનથી દિલ્હી આવ્યા.'
આ પણ વાંચો: 'પૂરના પાણીમાં જવું આત્મહત્યા જેવું...' કરંટ લાગતા મોત મામલે ટીએમસી નેતાની જીભ લપસી
1992માં બે પુત્રો સાથે અમેરિકા પહોંચ્યા હતા હરજીત
એક મીડિયા અહેવાલ મુજબ, કૌર કથિત રીતે કોઈ દસ્તાવેજો વિના રહેતા હતા. તેઓ 1992માં બે પુત્રો સાથે અમેરિકા પહોંચ્યા હતા. 2012માં તેમની શરણની અરજીને નકારી કાઢવામાં આવી હતી, પરંતુ તે પછી 13 વર્ષથી વધુ સમય સુધી દર છ મહિને સાન ફ્રાન્સિસ્કો સ્થિત ICEને 'નિયમિતપણે રિપોર્ટ' કરતા રહ્યા હતા.
'બર્કલેસાઈડ'ના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, 'ICEએ કૌરને ખાતરી આપી હતી કે જ્યાં સુધી તેમના મુસાફરીના દસ્તાવેજો પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી તેઓ 'વર્ક પરમિટ' સાથે અમેરિકામાં રહી શકે છે.'
શીખ સમુદાયમાં ગુસ્સો
કૌરની ધરપકડ અને દેશનિકાલને કારણે શીખ સમુદાયમાં ગુસ્સો ફાટી નીકળ્યો છે. શીખ કોએલિશન નામના સંગઠને આ ઘટનાને માનવતાના મૂળભૂત ધોરણોનું ઉલ્લંઘન ગણાવ્યું. સંગઠને કહ્યું, 'કોઈ પણ મનુષ્ય સાથે આવું વર્તન કરવું ઘૃણાસ્પદ છે અને 73 વર્ષની મહિલાને આ પરિસ્થિતિમાંથી પસાર થવું અત્યંત શરમજનક અને અમાનવીય છે.'