Get The App

દહેજ મામલે FIR થાય તો બે મહિના સુધી ધરપકડ ન કરશો, હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટનું સમર્થન

Updated: Jul 24th, 2025

GS TEAM

Google News
Google News
દહેજ મામલે FIR થાય તો બે મહિના સુધી ધરપકડ ન કરશો, હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટનું સમર્થન 1 - image


- 498-Aનો આડેધડ ઉપયોગ ભારતીય લગ્ન સંસ્કૃતિની ખૂશ્બુનો નાશ કરી શકે

- યુપીમાં 498-Aની FIR દાખલ થયાની સાથે જ બે મહિનાનો કૂલિંગ પીરિયડ શરૂ થઇ જશે, મામલો પરિવાર કલ્યાણ સમિતિ પાસે જશે

Supreme Court News : સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ આદેશ આપતા કહ્યું છે કે દહેજ માટે પત્ની પર થતો અત્યાચાર રોકવા માટેની કલમ 498એના મામલાઓમાં બે મહિના સુધી ધરપકડ નહીં કરવામાં આવે. કલમ 498એનો દુરુપયોગ અટકાવવા માટે અલ્લાહાબાદ હાઇકોર્ટ દ્વારા જે ગાઇડલાઇન જાહેર કરવામાં આવી હતી તેને સુપ્રીમ કોર્ટે બહાલ રાખી છે. આ ગાઇડલાઇનમાં જ 498એના કેસોમાં બે મહિના સુધી ધરપકડ નહીં કરવાની જોગવાઇ કરાઇ છે. સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશમાં લાગુ કરાયેલી આ મહત્વની ગાઇડલાઇનને માન્ય રાખી છે. 

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઇ, ન્યાયાધીશ એજી મસીહની બેંચે આ ચુકાદો આપ્યો હતો. પોતાના આદેશમાંં સુપ્રીમે નોંધ્યું છે કે અલ્લાહાબાદ હાઇકોર્ટ દ્વારા 498એના દુરુપયોગને અટકાવવા માટે જે ગાઇડલાઇન જાહેર કરાઇ છે તેનો પ્રશાસન દ્વારા અમલ કરવામાં આવે. અગાઉ સુપ્રીમ કોર્ટ અનેક વખત ઘરેલુ હિંસા વિરોધી આઇપીસીની કલમ 498એના દુરુપયોગ અંગે ભારે ચિંતા વ્યક્ત કરી ચુકી છે. વર્ષ 2022માં અલ્લાહાબાદ હાઇકોર્ટ દ્વારા ગાઇડલાઇન જાહેર કરાઇ હતી જેમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાને ધ્યાનમાં રખાયો હતો. આ ગાઇડલાઇનનો ઉદ્દેશ્ય પતિ અને તેના પુરા પરિવાર સામે કલમ 498એનો દુરુપયોગ અટકાવવાનો છે. 

સુપ્રીમ કોર્ટમાં એક પતિ-પત્ની વચ્ચેના 498એના કેસની સુનાવણી ચાલી રહી હતી, સુપ્રીમ સામે કેટલાક કાયદાકીય સવાલ ઉભા થયા હતા જેમ કે શું 498એમાં તાત્કાલીક ધરપકડને ટાળીને આ કલમના દુરુપયોગને અટકાવી શકાય? પક્ષકાર (પતિ-પત્ની અને તેમના પરિવારજનો) વચ્ચેના પડતર કેસોનો એકબીજાની સાથે સમજૂતીથી નિકાલ લાવી શકાય? અલ્લાહાબાદ હાઇકોર્ટ દ્વારા ગઠિત ફેમિલી વેલફેર કમિટી (એફડબલ્યુસી)ની કાયદેસરતા અને કાર્યપદ્ધતિને લાગુ કરી શકાય? સુપ્રીમે અલ્લાહાબાદ હાઇકોર્ટની આ ગાઇડલાઇનનો અભ્યાસ કર્યો અને તેમાં જે નિયમો બનાવ્યા હતા તેને માન્ય રાખ્યા છે. સાથે જ સુુપ્રીમે નોંધ્યું હતું કે 498એનો આડેધડ ઉપયોગ ભારતીય લગ્ન સંસ્થાની પરંપરાગત ખુશ્બુને નષ્ટ કરી નાખશે.

આઇપીસીની કલમ 498એનું સ્થાન હવે ભારતીય ન્યાય સંહિતા એટલે કે બીએનએસની કલમ ૮૬એ લઇ લીધુ છે. પતિ અથવા તેના પરિવારના લોકો પત્ની પર અત્યાચાર કરતા હોય તો તેવા સંજોગોમાં પત્ની દ્વારા આ કલમ હેઠળ આરોપીઓ સામે ફરિયાદ દાખલ થઇ શકે છે. આ કલમ હેઠળ સજાની જોગવાઇ ત્રણ વર્ષ સુધીની છે ઉપરાંત નાણાકીય દંડ થઇ શકે છે. 

જોકે 498એના કેસોમાં પતિ સામે તો આરોપો લગાવાય છે પરંતુ તેમના વૃદ્ધ માતા પિતાઓને પણ તેમાં સામેલ કરાય છે, જ્યારે તેમણે શું ક્રૂરતા કરી હતી તેનો કોઇ જ ઉલ્લેખ કર્યા વગર ફરિયાદ દાખલ કરી કાર્યવાહી કરવામાં આવે છે. જેને લઇને સુપ્રીમ કોર્ટે અનેક વખત ચિંતા વ્યક્ત કરી છે. હવે જ્યારે અલ્લાહાબાદ હાઇકોર્ટે ગાઇડલાઇન જાહેર કરી છે અને તેને સુપ્રીમ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી છે ત્યારે દેશના અન્ય રાજ્યોમાં પણ તેનો અમલ થવાની શક્યતાઓ છે. 


Tags :