Get The App

''તમે કહો તો પગે પડુ પણ પ્રોજેક્ટની ઝડપ વધારો'' : નીતિશ

Updated: Jul 11th, 2024

GS TEAM

Google News
Google News
''તમે કહો તો પગે પડુ પણ પ્રોજેક્ટની ઝડપ વધારો'' : નીતિશ 1 - image


- પટણામાં રોડ પ્રોજેક્ટના વિલંબથી મુખ્યપ્રધાન નારાજ

- પ્રોજેક્ટમાં ગંગા ઉપર  21.5 કિમી લાંબો પુલ બની રહ્યો છે

પટણા : બિહારના મુખ્યપ્રધાન નીતીશકુમારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં નીતીશકુમાર એન્જિનિયરને કહી રહ્યાં છે કે તમે કહો તો હું તમારા પગે પડુ.

આમ કહીને નીતીશ કુમાર આગળ વધવા લાગે છે જે પછી એન્જિનિયર પાછળ ખસીને તેમને એમ ન કરવાની વિનંતી કરે છે. વાસ્તવમાં નીતીશકુમાર બિહારની રાજધાની પટનામાં જેપી ગંગા પથ પર ગાય ઘાટથી લઇને કંગન ઘાટ સુધી બનેલા ૩.૪ કિમી લાંબા પુલનું લોકાર્પણ કરવા ગયા હતાં. 

આ જેપી ગંગા પથના ત્રીજા તબક્કાનો ઉદઘાટન કાર્યક્રમ હતો. દીઘાથી લઇને દીદારગંજની વચ્ચે ૨૧.૫ કિમી લાંબો પુલ ગંગાની ઉપર બનાવવામાં આવી રહ્યો છે જેને જેપી ગંગા પથ કહેવામાં આવે છે. 

રિપોર્ટ અનુસાર આ પ્રોજેક્ટના કામમાં થઇ રહેલા વિલંબ અંગે નીતીશકુમારે નારાજગી વ્યક્ત કરી હતી અને એન્જિનિયરોને કામમાં ઝડપ લાવવાની અપીલ કરતા જણાવ્યું હતું કે તમે કહો તો અમે તમારા પગે પડીએ પણ તેનું નિર્માણ ઝડપથી કરાવો.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ મહેસૂલ અને જમીન સુધાર વિભાગના એક કાર્યક્રમમાં ઝડપથી કામ કરવા અંગે નીતીશકુમારે એક આઇએએસ અધિકારી સમક્ષ જણાવ્યું હતું કે અમે તમારી સામે હાથ જોડીએ છીએ. આ કામને ઝડપથી કરાવો.

આ ઘટના પછી બિહારમાં વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવે જણાવ્યું છે કે સમગ્ર વિશ્વમાં આટલા અસહાય, અશક્ત, અમાન્ય, અક્ષમ, બેબસ, લાચાર અને મજબૂર કોઇ મુખ્યપ્રધાન નથી જે બીડીઓ, એસડીઓ, પીઆઇથી લઇને વરિષ્ઠ અધિકારીઓ  તથા ખાનગી કર્મચારીઓની સામે વાત વાતમાં હાથ જોડવા અને પગે પડવાની વાતો કરે છે.બિહારમાં વધતા અપરાધ, નિરંકુશ ભ્રષ્ટાચાર, વહીવટી અરાજકતાનું મુખ્ય કારણ આ જ છે કે એક કર્મચારી પણ મુખ્યપ્રધાનનું સાંભળતો નથી. 

Tags :