Get The App

બિહારમાં નવી સરકાર રચવા કવાયત, નીતિશ કુમાર રાજીનામું સોંપશે, 10મી વખત CM તરીકે ફાઈનલ!

Updated: Nov 16th, 2025

GS TEAM

Google News
Google News
બિહારમાં નવી સરકાર રચવા કવાયત, નીતિશ કુમાર રાજીનામું સોંપશે, 10મી વખત CM તરીકે ફાઈનલ! 1 - image


Bihar Election and CM Updates : બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAને મળેલા પ્રચંડ બહુમત બાદ હવે નવી સરકારના ગઠનની ઔપચારિક પ્રક્રિયા આગામી 48 કલાકમાં શરૂ થઈ જશે. જેડીયુના એક વરિષ્ઠ પદાધિકારીએ પુષ્ટિ કરી છે કે મુખ્યમંત્રી નીતિશ કુમાર નવી NDA સરકારના ગઠનનો માર્ગ મોકળો કરવા માટે સોમવારે પોતાના પદ પરથી રાજીનામું આપશે. આ સાથે જ નીતિશ કુમારનું ફરીથી મુખ્યમંત્રી બનવું લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. તેઓ 10 મી વખત બિહારમાં સીએમ બનશે તેવું નક્કી મનાઈ રહ્યું છે. 

સરકાર રચનાની સમયરેખા

સોમવાર સવારે: નીતિશ કુમાર તેમની વર્તમાન સરકારની અંતિમ કેબિનેટ બેઠકની અધ્યક્ષતા કરશે.

સોમવારે બપોરે: કેબિનેટ બેઠક બાદ તેઓ રાજભવન જઈને રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપશે.

સોમવારે સાંજે: રાજીનામું આપ્યા બાદ, જેડીયુના 85 નવનિર્વાચિત ધારાસભ્યોની બેઠક યોજાશે, જેમાં આગળની રણનીતિ નક્કી થશે. આ બેઠક પછી NDAના તમામ ઘટક દળોની સંયુક્ત બેઠક યોજાશે, જેમાં નીતિશ કુમારને વિધિવત રીતે નેતા તરીકે ચૂંટવામાં આવશે.

બુધવાર/ગુરુવાર: નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ બુધવાર અથવા ગુરુવારે યોજાય તેવી પ્રબળ સંભાવના છે.

પટનાથી દિલ્હી સુધી બેઠકોનો દોર 

શનિવારથી જ પટનામાં મુખ્યમંત્રી નીતિશ કુમારના નિવાસસ્થાને રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ હતી. એલજેપી(આરવી)ના પ્રમુખ ચિરાગ પાસવાન, આરએલએમ પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહા સહિત એનડીએના બે ડઝનથી વધુ વરિષ્ઠ નેતાઓએ તેમની સાથે મુલાકાત કરી હતી. બીજી તરફ, દિલ્હીમાં પણ સરકારની રૂપરેખા નક્કી કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. જેડીયુના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ સંજય કુમાર ઝા અને કેન્દ્રીય મંત્રી લલન સિંહે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. માનવામાં આવે છે કે આ બેઠકમાં મંત્રાલયોની ફાળવણી અને નવી સરકારના માળખા પર વિસ્તૃત ચર્ચા થઈ હતી.

લોકોને નીતિશ કુમાર પર ભરોસો : સંજય ઝા 

બેઠક બાદ સંજય ઝાએ કહ્યું, "બિહારની જનતાએ સુશાસન પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને રાજ્યના લોકોને સૌથી વધુ ભરોસો નીતિશ કુમાર પર છે." આ ચૂંટણીમાં 89 ધારાસભ્યો સાથે ભાજપ NDAમાં સૌથી મોટો પક્ષ બનીને ઉભર્યો છે, જ્યારે જેડીયુને 85 બેઠકો મળી છે. તેમ છતાં, ગઠબંધનના નેતા તરીકે નીતિશ કુમારના નામ પર સર્વસંમતિ સધાઈ હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

Tags :