બિહારમાં નીતિશ કુમાર જ NDAના CM ઉમેદવાર, જેડીયુ અને ભાજપમાં સંમતિ
Bihar Assembly Election 2025: બિહારમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે. રાજ્યની વર્તમાન સરકારનો કાર્યકાળ 22મી નવેમ્બર 2025 સુધીનો છે. ત્યારે આ વખતે બિહારમાં NDAનો મુખ્યમંત્રી ચહેરો કોણ હશે તે અંગે સર્વસંમતિ મળી છે. બિહારમાં નીતિશ કુમાર ફરી એકવાર NDAના મુખ્યમંત્રી ચહેરા બનશે, ભાજપ અને JDU આ અંગે સર્વસંમતિ પર પહોંચી ગયા છે.
JDU અને ભાજપ વચ્ચે નીતિશના નામ પર સમજૂતી થઈ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 24મી ફેબ્રુઆરીએ ભાગલપુરમાં એક રેલીમાં નીતિશ કુમારની સરખામણી પ્રિય મુખ્યમંત્રી સાથે કરી હતી. હવે NDAના મુખ્યમંત્રી તરીકે નીતિશ કુમારનું નામ નક્કી થઈ ગયું છે. બિહારમાં NDA ઘટક જીતન રામ માંઝીએ નીતિશ કુમારના નામને પહેલાથી જ મંજૂરી આપી દીધી હતી. ચિરાગ પાસવાને પણ કેટલાક સમાન સંકેતો આપ્યા હતા. હવે JDU અને ભાજપ વચ્ચે નીતિશના નામ પર સમજૂતી થઈ ગઈ છે.
નીતિશ કુમાર NDAના મુખ્યમંત્રી ચહેરા હશે
ભાજપના નેતા પ્રેમ કુમારે કહ્યું હતું કે, 'ચૂંટણી પછી મુખ્યમંત્રી પદના પ્રશ્ન પર વિચાર કરવામાં આવશે.' આ દરમિયાન, બિહાર ભાજપ પ્રમુખ દિલીપ જયસ્વાલે કહ્યું હતું કે, 'ચૂંટણી નીતિશ કુમારના નેતૃત્વમાં લડવામાં આવશે, જો કે, મુખ્યમંત્રી કોણ બનશે તે અંગેનો નિર્ણય ભાજપ સંસદીય બોર્ડે લેવાનો હતો. હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે બિહાર વિધાનસભાની ચૂંટણીઓ ફક્ત નીતિશ કુમારના નામે જ લડવામાં આવશે.'