બિહારમાં નીતિશ કુમારે 10મી વખત મુખ્યમંત્રી બની ઈતિહાસ રચ્યો

- પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં એક દાયકા પછી શપથ સમારંભ યોજાયો
- કેબિનેટમાં સૌથી મોટા પક્ષ ભાજપના 14, જદયુના 8, લોજપ-રાવીના બે, હમ-આરએમએલએના એક-એક સહિત 26 મંત્રી
- મંત્રીઓમાં ત્રણ મહિલા, એક મુસ્લિમ, ચાર રાજપુત સહિત આઠ સવર્ણ, પાંચ દલિત, ત્રણ યાદવ સામેલ
પટના : બિહારમાં સૌથી લાંબા સમય સુધી મુખ્યમંત્રીપદે રહેનારા નીતિશ કુમારે ગુરુવારે ઐતિહાસિક ગાંધી મેદાનમાં ૧૦મી વખત મુખ્યમંત્રીપદના શપથ લીધા હતા. તેમની સાથે ભાજપના બે નેતાઓ સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિંહાએ પણ ઉપમુખ્યમંત્રીપદ જાળવી રાખ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ગાંધી મેદાનમાં ભવ્ય શપથગ્રહણ સમારંભમાં રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને ૭૪ વર્ષના નીતિશ કુમાર અને તેમના ૨૬ મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા, જેમાં ભાજપના ૧૪, જદયુના આઠ, લોજપ-રાવીના બે તથા હમ અને આરએલએમના એક-એક મંત્રીઓનો સમાવેશ થાય છે.
જનતા દળ યુનાઈટેડના સર્વેસર્વા નીતિશ કુમારે વર્ષ ૨૦૦૫થી સતત મુખ્યમંત્રીપદ જાળવી રાખ્યું છે. નીતિશ કુમારે ગુરુવારે ૧૦મી વખત મુખ્યમંત્રીના શપથ લઈને ઈતિહાસ રચ્યો છે. નીતિશ કુમારના નવા કેબિનેટમાં પાંચ મંત્રી દલિત છે, જે પ્રત્યેક ભાજપ, લોજપ-રાવી, હમ અને બે જદયુમાંથી છે, ચાર રાજપુત સહિત આઠ મંત્રી સવર્ણમાંથી છે. નવી કેબિનેટમાં ત્રણ યાદવોનો સમાવેશ કરાયો છે. આ સાથે નીતિશ કુમારે વરિષ્ઠ નેતાઓ અને નવા ધારાસભ્યોની મિશ્ર કેબિનેટ બનાવી છે, જેમાં જાતિ અને પ્રાદેશિક સંતુલન પર વિશેષ ધ્યાન અપાયું છે. જોકે, નીતિશ કુમારના ૨૬ મંત્રીઓને તાત્કાલિક પોર્ટફોલિયોની ફાળવણી થઈ નથી.
પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં યોજાયેલા શપથગ્રહણ સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપતા 'ગમછો' લહેરાવી એનડીએના ભવ્ય વિજય અને નીતિશ કુમારના શપથ સમારંભની ઊજવણી કરી હતી. આ સમારંભમાં એનડીએ શાસિત કેટલાક રાજ્યોના મુખ્યમંત્રીઓ આંધ્ર પ્રદેશના ચંદ્રાબાબુ નાયડુ, ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથ, આસામના હિમંતા બિસ્વા સરમા, મહારાષ્ટ્રના દેવેન્દ્ર ફડણવીસ, મધ્ય પ્રદેશના મોહન યાદવ અને દિલ્હીના રેખા ગુપ્તા હાજર રહ્યા હતા.
બિહાર વિધાનસભા ચૂંટણીમાં ૨૪૩માંથી ૮૯ બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવેલા ભાજપનો નવા કેબિનેટમાં સિંહ ફાળો હતો. નવા કેબિનેટમાં ભાજપના ૧૪ મંત્રીઓની પસંદગી કરાઈ છે. સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિંહાએ નાયબ મુખ્યમંત્રીપદ જાળવી રાખવાની સાથે અગાઉના મંત્રાલયમાંથી ભાજપના મંગલ પાંડે, નિતિન નબિન અને સુરેન્દ્ર પ્રસાદ મહેતાએ પણ પોતાનું મંત્રીપદ જાળવી રાખ્યું છે.
બિહાર ભાજપના પ્રમુખ દિલિપ જયસ્વાલનો નવા મંત્રી પરિષદમાં પુન: સમાવેશ કરાયો છે. તેમણે ભાજપની એક વ્યક્તિ એક પદની નીતિના પગલે બે વર્ષ પહેલાં કેબિનેટમાંથી રાજીનામાં આપ્યું હતું. જૂના જોગીઓની સાથે ભાજપે આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત શૂટર શ્રેયસી સિંહ, અરૂણ શંકર પ્રસાદ, ડો. પ્રમોદ કુમાર, લાખેન્દ્ર રૌશન, સંજય સિંહ ટાઈગર અને રામ નિષાદને પહેલી વખત મંત્રી બનાવ્યા છે.
જદયુના ક્વોટામાંથી એનડીએના એકમાત્ર મુસ્લિમ ધારાસભ્ય ઝામા ખાન સહિત અગાઉની સરકારમાં મંત્રી રહેનારાઓએ તેમના પદ જાળવી રાખ્યા છે. જદયુના બિજેન્દ્ર યાદવ, શ્રવણ કુમાર, વિજય કુમાર ચૌધરી, લેશી સિંહ અને મદન સાહની, સુનિલ કુમાર તથા અશોક ચૌધરીએ ગુરુવારે મંત્રીપદના શપથ લીધા હતા. એનડીએના નાના સાથી પક્ષો લોકજનશક્તિ પાર્ટી-રાવી, હમ અને આરએલએમને પણ મંત્રીપદ અપાયા હતા. ચિરાગ પાસવાનના લોજપ-રાવીમાંથી સંજય કુમાર પાસવાન અને મહુઆમાં તેજ પ્રતાપ યાદવને હરાવનારા સંજય કુમાર સિંહને મંત્રી બનાવાયા છે. નવા મંત્રીમંડળમાં મુખ્યમંત્રી નીતિશ કુમાર ઉપરાંત દિલિપ જયસ્વાલ, ડો. પ્રમોદ કુમાર, અશોક ચૌધરી અને સંતોષ સુમન વિધાન પરિષદમાંથી આવે છે. ચિરાગ પાસવાને કહ્યું હતું કે તેમના બે સભ્યોને મંત્રી પરિષદમાં સ્થાન અપાયું છે, જે તેમનો મોટો વિજય દર્શાવે છે. તેમના પિતા રામવિલાસ પાસવાનનું આ લાંબા સમયનું સપનું હતું.

