Nitin Nabin in Action Mode as BJP Chief: ભાજપના 12મા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની કમાન સંભાળતાની સાથે જ નીતિન નબીન ફૂલ એક્શન મોડમાં જોવા મળ્યા છે. પદભાર સંભાળ્યાના ગણતરીના કલાકોમાં જ તેમણે આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને વરિષ્ઠ નેતાઓની વરણી કરીને તાબડતોબ નિર્ણયો લીધા છે.
ચૂંટણી પ્રભારીઓની નિમણૂક
નીતિન નબીને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળ્યો, જેમાં તેમણે શ્રેણીબદ્ધ નિર્ણયો લીધા. જેમાં તેમણે કેરળ વિધાનસભા ચૂંટણી માટે વરિષ્ઠ નેતા વિનોદ તાવડેને ચૂંટણી પ્રભારી અને ચંડીગઢ મેયરની ચૂંટણી માટે નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યાં. શોભા કરંદલાજેને તેમની સાથે સહ-પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહ દ્વારા જાહેર કરાયેલા આદેશમાં જણાવાયું છે કે તેલંગાણા મ્યુનિસિપલ અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ માટે આશિષ શેલારને ચૂંટણી પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેમાં અશોક પરનામી અને રેખા શર્મા સહ-પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વરિષ્ઠ નેતા રામ માધવને ગ્રેટર બેંગલુરુ નાગરિક ચૂંટણીઓના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેમાં સતીશ પુનિયા અને સંજય ઉપાધ્યાય સહ-પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
સનાતન પરંપરાનું રક્ષણ અને યુવાનોને હાકલ
ભાજપ મુખ્યાલયમાં પાર્ટીના 12મા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જાહેરાત થયા પછી, નીતિન નબીને એક કાર્યક્રમને સંબોધિત કર્યો. તેમણે પક્ષના નેતાઓ અને કાર્યકરોને પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની સફળતા સુનિશ્ચિત કરવા અને 'સનાતન પરંપરાઓ અને શ્રદ્ધા'નું રક્ષણ કરવા અને દેશને વસ્તી વિષયક ફેરફારોથી બચાવવા માટે તમામ પ્રયાસો કરવા આપીલ કરી હતી.
યુવાનોને હાકલ કરતા તેમણે કહ્યું, '15મી ઓગસ્ટ, 2025ના રોજ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના યુવાનોને જાહેર જીવનમાં પ્રવેશવાનું આહ્વાન કર્યું હતું. હું દેશના યુવાનોને કહેવા માંગુ છું કે રાજકારણથી દૂર રહેવું એ ઉકેલ નથી, પરંતુ સક્રિયપણે યોગદાન આપવું છે. ભારતને વિકસિત દેશ બનાવવા યુવાનોએ આગળ આવીને 'સકારાત્મક રાજકારણ'માં ભાગ લેવાની જરૂર છે.'


