Updated: May 26th, 2023
હૈદરાબાદ, તા.26 મે-2023, શુક્રવાર
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન બાદ ત્રીજા રાજ્યના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખરે પણ PM મોદી દ્વારા આયોજીત નીતિ આયોગની બેઠકમાં ન જવાનો નિર્ણય કર્યો છે. દિલ્હીમાં અધિકારીઓના ટ્રાન્સફર-પોસ્ટિંગ પર કેન્દ્ર સરકારના વટહુકમના વિરોધમાં ત્રણેય મુખ્યમંત્રીઓએ આ નિર્ણય લીધો છે.
ચંદ્રશેખર રાવે બેઠક માટે અધિકારીની પણ નિમણૂક ન કરી
તેલંગણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 27 મેના રોજ યોજાનારી નીતિ આયોગની બેઠકમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો છે. ઉપરાંત તેમણે રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા માટે કોઈને પણ નિયુક્ત ન કરવાનો પણ નિર્ણય લીધો છે. આ બેઠક નિયમિત સમયાંતરે યોજવામાં આવે છે, જેમાં રાજ્યો તેમનો વિકાસ એજન્ડા રજૂ કરે છે અને કેન્દ્રની મંજૂરી મેળવી શકે છે.
KCR 7 વર્ષમાં એક જ વાર બેઠકમાં સામેલ થયા
કેસીઆર છેલ્લા 7 વર્ષમાં માત્ર એક જ વાર નીતિ આયોગની બેઠકમાં સામેલ થયા હતા. તેઓ 2019થી આ બેઠકોમાં સામેલ થયા નથી. અગાઉ તેલંગણા સરકાર બેઠક માટે રાજ્યના અધિકારીઓની નિયુક્તિ કરતી હતી. કેસીઆરએ કહ્યું કે, આવી બેઠકોનો કોઈ ફાયદો નથી. બેઠકમાં કરાયેલી ભલામણોને કેન્દ્ર સરકાર સ્વિકારતી નથી. તેમણે કહ્યું હતું કે નીતિ આયોગે મિશન ભગીરથ અને મિશન કાકટિયા માટે તેલંગાણાને રૂ.24000 કરોડ આપવાની ભલામણ કરી હતી, પરંતુ કેન્દ્રએ ભલામણ સ્વિકારી નહીં.
બેઠકમાં ઉપસ્થિત રહીને કોઈપણ ઉદ્દેશ્ય પૂરો નહીં થાય : કેસીઆર
કેસીઆરે જણાવ્યું કે, કેન્દ્ર સરકારે પછાત પ્રદેશો વિકાસ નિધિ એટલે કે બેકવર્ડ રિજન ડેવલપમેન્ટ ફંડ (BRGF)નો પણ ઈન્કાર કરી દીધો અને રાજ્યો પર વધારાનો બોજ નાખી PM કિસાન યોજના અને PM સડક યોજના સહિતની વિવિધ યોજનાઓમાં કેન્દ્રનો હિસ્સો 80-90 ટકાથી ઘટાડીને 60 ટકા કરી દીધો, જેના કારણે બેઠકમાં ઉપસ્થિત રહીને કોઈપણ ઉદ્દેશ્ય પૂરો નહીં થાય.
કેજરીવાલના વિરોધનું કારણ
હકીકતમાં સુપ્રીમ કોર્ટે 11 મેએ આદેશ આપ્યો હતો કે, દિલ્હીમાં અધિકારીઓના ટ્રાન્સફર-પોસ્ટિંગ અધિકારો દિલ્હી સરકાર પાસે રહેશે. ત્યારબાદ કેન્દ્ર સરકારે 20 મેએ એક વટહુકમ લાવી અને ઉપરાજ્યપાલને આ સત્તાઓ આપી દીધી. ત્યારથી કેજરીવાલ ઉપરાંત અન્ય પક્ષો આ વટહુકમનો વિરોધ કરી રહ્યા છે.