PNB બૅન્કના કૌભાંડી નીરવ મોદીનો ભાઈ અમેરિકામાં પકડાયો, ED-CBIના આગ્રહ બાદ એક્શન
Nirav Modi Brother Nehal Modi Arrested: નીરવ મોદીના ભાઈ નેહલ મોદીની અમેરિકામાં છેતરપિંડીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડના કારણે પંજાબ નેશનલ બૅન્ક કૌભાંડમાં વધુ એક આરોપી સામે ભારતને મોટી સફળતા મળી છે.
ભારતના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન(CBI)ની સંયુક્ત અપીલ પર કાર્યવાહી કરતાં અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટે 4 જુલાઈ, 2025ના રોજ નીરવ મોદીના ભાઈ નેહલ મોદીની ભારત સરકારની પ્રત્યાર્પણ વિનંતી હેઠળ ધરપકડ કરવામાં આવી છે. હવે અમેરિકામાં તેના પ્રત્યાર્પણ માટેની કાર્યવાહી શરુ થઈ ગઈ છે.
નીરવ મોદીના ભાઈ નેહલ મોદીની ધરપકડ
નેહલ મોદી પર આરોપ છે કે પીએનબી કૌભાંડમાં તેણે પોતાના ભાઈ નીરવ મોદીની મદદથી કૌભાંડમાં કમાયેલા હજારો કરોડ બ્લેક મનીને વ્હાઇટ કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. નેહલ મોદીએ કરોડો રૂપિયાની ગેરકાયદેસર કમાણી છુપાવવામાં અને તેને શેલ કંપનીઓ અને વિદેશી વ્યવહારો દ્વારા વ્હાઇટ કરવામાં નીરવ મોદીને મદદ કરી છે.
પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ ઍક્ટ કરવામાં આવી ધરપકડ
અમેરિકી ન્યાય વિભાગે પુષ્ટિ કરી છે કે નેહલ મોદીની ધરપકડ ભારત સરકારના આગ્રહ પર કરવામાં આવી છે. નેહલ મોદી પર પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ ઍક્ટ (PMLA), 2002ની કલમ 3 હેઠળ મની લોન્ડરિંગનો આરોપ છે એટલે કે તેણે ગેરકાયદેસર રીતે કમાયેલા પૈસાને વિવિધ માધ્યમો દ્વારા કાયદેસર બતાવવાનો પ્રયાસ કર્યો. આથી ભારતીય દંડ સંહિતાની કલમ 120-B અને 201 હેઠળ ગુનાહિત કાવતરું અને પુરાવાઓનો નાશ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
ભારતની તપાસ એજન્સીઓ માટે આ એક મહત્ત્વપૂર્ણ પગલું
નીરવ મોદી પોતે હાલમાં બ્રિટનમાં પ્રત્યાર્પણ કાર્યવાહીનો સામનો કરી રહ્યો છે. નેહલ મોદીના પ્રત્યાર્પણ કેસની આગામી સુનાવણી 17 જુલાઈ, 2025ના રોજ નક્કી કરવામાં આવી છે. જેમાં સ્ટેટસ રિવ્યુ થશે. આ સુનાવણી દરમિયાન, નેહલ મોદી જામીન માટે પણ અરજી કરી શકે છે. આ ધરપકડ ભારતની તપાસ એજન્સીઓ માટે એક મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.