'સ્પેસ એપ્લિકેશન સેન્ટર'ના ડિરેક્ટર તરીકે નિલેશ દેસાઈ
- સાડા ત્રણ દાયકા પછી ગુજરાતી વિજ્ઞાાનીની પસંદગી
- રડાર ટેકનોલોજી પર ૩૦ વર્ષ કામ કર્યું, હવે સ્વદેશી નેવિગેશન સિસ્ટમ પર કાર્યરત છે

અમદાવાદ, ગુરુવાર
અગ્રણી વિજ્ઞાાન સંસ્થા સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડિરેક્ટર તરીકે ગુજરાતી
વિજ્ઞાાની નિલેશ એમ દેસાઈની પસંદગી કરવામાં આવી છે. આ અંગેનો ઓર્ડર આજે કેન્દ્ર
સરકારના ડિપાર્ટમેન્ટ ઑફ સ્પેસ દ્વારા કરવામાં આવ્યો હતો. નિલેશ દેસાઈ વર્ષોથી
સ્પેસ એપ્લિકેશન સેન્ટર (સેક) સાથે સંકળાયેલા છે. ડી.કે.દાસનું તેઓ સ્થાન લેશે.
અત્યાર સુધી નિલેશ દેસાઈ એસોસિએટ ડિરેક્ટર હતા.
અગાઉ વિક્રમ સારાભાઈ અને એ પછી પ્રોફેસર પી.ડી.ભાવસાર એ બે ગુજરાતી અગાઉ
અમદાવાદની આંતરરાષ્ટ્રીય વિજ્ઞાાન સંસ્થા સેકના ડિરેક્ટરો રહી ચૂક્યા છે. પ્રોફેસર
ભાવસાર ૧૯૮૫થી ૧૯૮૬ સુધી ડિરેક્ટર હતા. એ પછી દેસાઈ પ્રથમ ગુજરાતી છે. સ્પેસ
એપ્લિકેશન સેન્ટર ઈસરોની મહત્ત્વની સંસ્થા છે અને ભારતના અનેક ઉપગ્રહોની કામગીરી
અહીં જ થાય છે.
નિલેશ દેસાઈ રેડાર ટેકનોલોજીના નિષ્ણાત છે. ઓલ વેધર એટલે કે દરેક ઋતુમાં
કામ આપી શકે અને ઉપગ્રહમાં ફીટ થયા પછી વાદળછાયા વાતાવરણમાં પણ કામ આપી શકે એવા
રેડાર તેમણે તૈયાર કર્યા છે. ઈસરોએ અમેરિકન નેવિગેશન સિસ્ટમ જીપીએસનો ભારતીય
વિકલ્પ તૈયાર કર્યો છે. 'નાવિક'ના ટૂંકા નામે
ઓળખાતી આ સેટેલાઈટ સિસ્ટમ શરૃ કરવામાં નિલેશ દેસાઈએ નોંધપાત્ર પ્રદાન આપ્યુ છે.
મૂળ નવસારીના વતની નિલેશ દેસાઈ સ્પેસ એપ્લિકેશન સેન્ટરમાં ૩૫ વર્ષથી કામ કરે છે.

