ગુજરાત ગિફ્ટ સિટીમાં ઘર ખરીદવા માગતા જેપી મોર્ગનના વાઈસ પ્રેસિડેન્ટ સાથે જાતિગત ભેદભાવ!
અનિરુદ્ધ કેજરીવાલે એક પછી એક અનેક ટ્વિટ કરીને વ્યથા ઠાલવી
અનિરુદ્ધ કેજરીવાલ (Image : Twitter ) |
JP Morgan Vice-President alleges caste bias in Gujarat's GIFT City | જેપી મોર્ગનના વાઈસ પ્રેસિડેન્ટ અનિરુદ્ધ કેજરીવાલે એક સનસનાટી મચાવતો દાવો કર્યો છે. તેમણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ગુજરાતમાં જાતિ આધારિત ભેદભાવ થયાની ફરિયાદ કરીને સૌને ચોંકાવી દીધા હતા. તેમણે કહ્યું કે ગુજરાતની ગિફ્ટ સિટીમાં મેં એક ફ્લેટ ખરીદવાનો પ્રયાસ કર્યો હતો જ્યાં મને મારી જાતિના કારણે ઘર ફાળવવાની ના પાડી દેવામાં આવી. તેમણે એવો દાવો પણ કર્યો કે તેમને ધમકાવવામાં પણ આવ્યા હતા. 30 જેટલાં લોકોએ તેમને ઘેરીને ધમકાવ્યા કે જો તેઓ તેમની ધમકી છતાં ઘર ખરીદવાનો પ્રયાસ કરશે તો તેમનું જીવવું મુશ્કેલ થઈ જશે. પરિવારને પણ અનેક તકલીફો વેઠવી પડશે.
અનિરુદ્ધ કેજરીવાલે જણાવ્યો સમગ્ર મામલો
એક પછી એક ટ્વિટમાં કેજરીવાલે ગાંધીનગર ખાતે આવેલી ગિફ્ટ સિટીમાં આ દુઃસ્વપ્ન સમાન ઘટના બની હોવાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે સોસાયટીના મેનેજમેન્ટ દ્વારા મને મારી જાતિના કારણે જ ફ્લેટ આપવાની ના પાડી દેવામાં આવી. ગુજરાત પોલીસ, ગુજરાતના મુખ્યમંત્રી અને અન્ય કેટલાક સહયોગીઓને ટાંકતા તેમણે પોસ્ટમાં લખ્યું કે મેં ફ્લેટ ખરીદવા માટે એડવાન્સ રકમ પણ ચૂકવી દીધી હતી અને વેચાણ કરાર ફાઈનલ કરવાની તૈયારીમાં જ હતું પરંતુ સોસાયટીના વેચાણકાર તરફથી એનઓસી આપવામાં ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા હતા જેનાથી મને ખતરાની ઘંટડીનો આભાસ તો થયો હતો પરંતુ મામલો આટલો ગંભીર છે તેનાથી હું વાકેફ નહોતો.
સોસાયટીના ચેરમેન અને મેનેજમેન્ટે જાહેરમાં કહી આ વાત...
તેમણે આગળ ટ્વિટમાં જણાવ્યું કે મને સોસાયટીના ચેરમેન અને મેનેજમેન્ટ તરફથી સ્પષ્ટપણે કહી દેવામાં આવ્યું કે હું અન્ય જાતિનો હોવાથી મને અહીં ઘર નહીં ફાળવાય. તેઓ મને અહીં રહેવાની પરવાનગી નહીં આપે. આ ઘટનાને કારણે મને ઘેરો આઘાત લાગ્યો છે. કેજરીવાલે આરોપ મૂક્યો કે મને 30 જેટલાં લોકોએ ઘેરી લીધો હતો અને ધમકાવ્યો કે જો હું ફ્લેટ ખરીદીની પ્રક્રિયામાં આગળ વધીશ તો ગંભીર પરિણામો ભોગવવાનો વારો આવશે. તેમણે મારી પાસે મારા વંશ અને જાતિના પુરાવા પણ માગી લીધા અને મેં આપ્યા પણ ખરાં.
ભારતમાં વિકાસનું એન્જિન ગણાતાં ગુજરાત વિશે શું બોલ્યા અનિરુદ્ધ
અનિરુદ્ધ કેજરીવાલે કહ્યું કે આ ભેદભાવની ઘટનાને કારણે નાણાકીય વ્યવસ્થાઓથી લઈને પર્સનલ અરેન્જમેન્ટ સુધીની મારી સંપૂર્ણ તૈયારીઓ હવે મુશ્કેલીમાં મૂકાઈ છે. ભારત માટે વિકાસનું એન્જિન ગણાતાં ગુજરાતમાં મારી સાથે આવી ઘટના બની તે આંચકાજનક છે. આ મારા માટે એક દુઃસ્વપ્ન સમાન બાબત છે. તેઓએ મને ધમકાવ્યો કે જો હું ગમે તેમ કરીને પણ જો ફ્લેટ ખરીદવામાં સફળ થઇ જઈશ તો તેઓ મારા જીવનની ખુશીઓ છીનવી લેશે અને મારા તથા પરિવાર માટે મોટી મુશ્કેલીઓ ઊભી કરશે. મેં સિંગાપોર જવાની તક છોડીને મુંબઈથી ગુજરાતમાં શિફ્ટ થવાનો નિર્ણય કર્યો હતો પરંતુ આ જાતિગત ભેદભાવને લીધે મારું સપનું રોળાઇ ગયું છે. તેમણે કહ્યું કે હું મારા અધિકારો અને મારા રોકાણને ફરી પ્રાપ્ત કરવા કાનૂની પ્રક્રિયાનો સહારો લઈશ.