ફ્રાન્સના ભૂતપૂર્વ પ્રમુખ નિકોલસ સરકોઝીને એક વર્ષની સજા ફટકારાઈ
સરકોઝી કોર્ટના ચુકાદા સામે અપીલ કરી શકે
ચૂંટણીમાં ગેરકાયદેસરના નાણાનો ઉપયોગ કર્યો હતો
પેરિસ: ફ્રાન્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ નિકોલસ સરકોઝીને 2012માં ફરીથી ચૂંટણી લડવા માટે નિષ્ફળ પ્રયાસ કરવા દરમિયાન ગેરકાયદેસરના ફંડિંગ માટે દોષિત પુરવાર થયા છે. તેમને એક વર્ષના હાઉસ એરેસ્ટની સજા સંભળાવવામાં આવી છે.
કોર્ટે તેમને ઇલેક્ટ્રોનિક મોનિટરિંગ બ્રેસલેટ પહેરીને ઘર પર સજા કાપવાની છૂટ આપી છે. 2007થી 2012 સુધી ફ્રાન્સના રાષ્ટ્રપતિ રહેલા સરકોઝીએ કશું પણ ખોટું કર્યાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો છે. તે આ ચુકાદા સામે અપીલ કરી શકે છે.
ચુકાદો આપવામાં આવ્યો તે દરમિયાન સરકોઝી પેરિસની કોર્ટમાં હાજર ન હતા. તેમણે મહત્તમ અધિકૃત રકમ 2.75 કરોડ ડોલર કરતાં બમણી રકમ ખર્ચી હતી. તે સોશ્યલિસ્ટ ઉમેદવાર ફ્રાંસ્વા ઓલાન્દે સામે હારી ગયા હતા. કોર્ટે જણાવ્યું હતું કે સરકોઝી જાણતા હતા કે તેમનો ખર્ચ અધિકૃત રકમ મર્યાદાની નજીક પહોંચી રહ્યો છે, પરંતુ વધારાના ખર્ચાને પહોંચી વળવામાં તે નિષ્ફળ રહ્યા. આ ઉપરાંત તેમ પણ કહેવાયું છે કે તેમણે તેને ચેતવણી આપતા તેમના એકાઉન્ટન્ટની વાત સાંભળી ન હતી.
2007થી 2012 દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ રહેલા સરકોજીએ મે-જુનમાં કેસ વખતે કશું પણ ખોટું કર્યુ હોવાની બાબતને નકારી કાઢી હતી. 66 વર્ષીય સરકોઝી પહેલી માર્ચના રોજ ભ્રષ્ટાચારના એક કેસમાં દોષિત સાબિત થયા હતા. તેના પછી હવે તે ગેરકાયદેસરના ફંડિંગના મામલામાં દોષિત જાહેર થયા છે. તેમને આ કેસમાં એક વર્ષની જેલ અને બે વર્ષના સસ્પેન્શનની જાહેરાત કરાઈ છે, પરંતુ તેમની અપીલ હજી પડતર છે.
પ્રતિવાદીઓએ જણાવ્યું હતું કે સરકોઝી પોતાના અભિયાનના નાણાકીય પોષણ માટે જવાબદાર એકમાત્ર વ્યક્તિ છે. તેમણે કેટલીય રેલીઓનું આયોજન કરી નિયત રકમની મર્યાદા વટાવી દીધી હતી.