NIA કરશે પહલગામ આતંકવાદી હુમલાની તપાસ, ગૃહ વિભાગનો આદેશ
NIA Takes Over Probe Into Pahalgam Terror Attack : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં આક્રોશ છે. આતંકવાદીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે ત્યારે હુમલાની તપાસ NIA(નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી)ને સોંપવામાં આવી છે. હવે NIA આ મામલે સત્તાવાર કેસ નોંધીને વિસ્તૃત તપાસ કરશે.
સૂત્રો અનુસાર NIAની ટીમ પહેલેથી જ પહલગામમાં જ છે અને ઘટનાસ્થળની સમીક્ષા પણ કરી છે. ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળ પરથી પુરાવા એકત્રિત કરી રહી છે. તપાસ એજન્સી હવે સ્થાનિક પોલીસ પાસેથી કેસ ડાયરી, FIR સહિતના દસ્તાવજે પોતાના કબજામાં લેશે.
પાકિસ્તાને નિષ્પક્ષ આંતરરાષ્ટ્રીય તપાસની માંગ કરી
પાકિસ્તાન ટેલિવિઝન કૉર્પોરેશન(PTV)એ મોહસીન નક્વી(Mohsin Naqvi)ને ટાંકીને કહ્યું છે કે, ‘પહલગામ હુમલાની પાકિસ્તાન કડક શબ્દોમાં નિંદા કરે છે અને નિષ્પક્ષ આંતરરાષ્ટ્રીય તપાસની માંગ કરી રહ્યા છે. પાકિસ્તાનને ભારતની તપાસ પર ભરોસો નથી. પાકિસ્તાન નિષ્પક્ષ તપાસમાં સંપૂર્ણ સહયોગ આપશે.’
પાકિસ્તાની વડાપ્રધાને ભારતને આપી હતી ધમકી
વાસ્તવમાં પહલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન પર આતંકવાદને સમર્થન આપવાનો આક્ષેપ કરી સિંધુ જળ સંધિ (Indus Water Treaty) સસ્પેન્ડ કરી દીધી છે. ત્યારબાદ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફે (Pakistan PM Shehbaz Sharif) ભારતને પોકળ ધમકી આપી છે અને કહ્યું છે કે, ‘ભારત પાકિસ્તાનનું પાણી રોકવાની હિંમત ન કરે. જો ભારત પાણી અટકાવશે તો પાકિસ્તાની સેના જડબાતોડ જવાબ આપશે. પાકિસ્તાનના પાણીને અટકાવવાનો અથવા વાળવાના કોઈપણ પ્રયાસ કરાશે તો પાકિસ્તાન સંપૂર્ણ જવાબ આપશે.’