એનઆઈએના પીએફઆઈના 93 સ્થળો દરોડા, 15 રાજ્યોમાં 106ની ધરપકડ


- સૌથી મોટા દરોડા પહેલા અજિત ડોભાલ, કેન્દ્રીય ગૃહમંત્રી વચ્ચે બેઠક

- પીએફઆઈના પ્રમુખ સલામના ઘરે પણ દરોડા, કેરળમાં સલામ સહિત 22ની ધરપકડ, મુંબઈમાં પાંચને પાંચ દિવસની કસ્ટડી

- પ્રતિબંધ છતાં આતંકી કૃત્યો ચાલુ રાખવાના પીએફઆઈના 'પ્લાન બી'નો ઘટસ્ફોટ, અન્ય સંગઠનો પણ બનાવ્યા

- આતંકી સંગઠનોને ભંડોળ, ટ્રેનિંગ કેમ્પ યોજવા, કટ્ટરપંથી સંગઠનોમાં યુવાનોની ભરતી મુદ્દે પીએફઆઈ પર તવાઈ

નવી દિલ્હી : આતંકી સંગઠનોને ભંડોળ ફાળવવા મુદ્દે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગુરુવારે સવારે ૧૫ રાજ્યોમાં મુસ્લિમ સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (પીએફઆઈ)ના ૯૩ સ્થળો પર દરોડા પાડયા હતા અને ૧૦૬ લોકોની ધરપકડ કરી હતી. અધિકારીઓ મુજબ દેશમાં આતંકવાદ સામે અત્યાર સુધીની સૌથી લાંબી તપાસ પછી આ સૌથી મોટી કાર્યવાહી છે.

એનઆઈએ, ઈડી અને ૧૫ રાજ્યોની પોલીસના સંયુક્ત અભિયાનમાં કેરળમાંથી ૨૨, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાંથી ૨૦, તમિલનાડુમાંથી ૧૦, આસામમાંથી ૯, ઉત્તર પ્રદેશમાંથી ૮, આંધ્ર પ્રદેશમાંથી પ, મધ્ય પ્રદેશમાંથી ૪, પુડુચેરી અને દિલ્હીમાંથી ત્રણ-ત્રણ તથા રાજસ્થાનમાંથી બે લોકોની ધરપકડ કરાઈ છે. કેરળમાં પીએફઆઈના ચેરમેન ઓએમએ સલામની ધરપકડ કરાઈ. મુંબઈ એટીએસે પકડેલા ૨૦માંથી પાંચ લોકોને કોર્ટ સમક્ષ હાજર કર્યા હતા. તેમને કોર્ટે પાંચ દિવસની કસ્ટડીમાં મકોલી દીધા છે. તેમના પર સમાજોમાં દુશ્માનવટ ફેલાવવા ગેરકાયદે પ્રવૃત્તિ હાથ ધરવાના આક્ષેપો મૂકાયા છે.

તપાસ એજન્સીઓ દ્વારા ધરપકડ કરાયેલા લોકોની વિગતો ઉપલબ્ધ નથી, પરંતુ અધિકારીઓનું કહેવું છે કે આતંકી સંગઠનોને ભંડોળ ફાળવવા, તાલિમ શિબિરો યોજવા અને પીએફઆઈમાં કટ્ટરવાદી લોકોને જોડવાના અભિયાનમાં સંડોવાયેલા લોકોના ઘરો, પરિસરો પર દરોડા પાડવામાં આવ્યા છે. પીએફઆઈની ચેન્નઈ સ્થિત મુખ્ય ઓફિસ પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. ઉપરાંત પીએફઆઈના અધ્યક્ષ ઓએમએ સલામના કેરળના મલપુરમ સ્થિત આવાસ પર પણ એનઆઈએની ટીમ ત્રાટકી હતી.

વર્ષ ૨૦૦૬માં ભારતમાં શોષિત વર્ગોને સક્ષમ બનાવવા સામાજિક ચળવળ શરૂ કરવા માટે પીએફઆઈની સ્થાપના કરાઈ હોવાનો દાવો કરાયો હતો. પરંતુ આ સંસ્થા પર અનેક વખત દેશમાં કટ્ટરવાદ ફેલાવવાનો આરોપ મૂકાયો છે. તાજેતરના સમયમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા વિરુદ્ધ બારથી વધુ કેસો દાખલ કરાયા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પીએફઆઈ સામે દેશમાં સીએએ વિરુદ્ધ દેખાવો, ૨૦૨૦માં દિલ્હી રમખાણો, દલીત મહિલા પર કથિત સામુહિક બળાત્કાર અને હત્યા મુદ્દે હાથરસમાં કથિત કાવતરાં તથા અન્ય કેટલીક ઘટનાઓમાં દેશ વિરોધી પ્રવૃત્તિઓ માટે ભંડોળ ફાળવવા મુદ્દે તપાસ કરી રહી છે. પીએફઆઈની સ્થાપના કેરળમાં થઈ હતી અને તેનું મુખ્યાલય દિલ્હીમાં છે. પીએફઆઈના રાષ્ટ્રીય, રાજ્ય અને સ્થાનિક નેતાઓના ઘરો પર દરોડા પાડવામાં આવ્યા છે. તપાસ એજન્સીઓએ પીએફઆઈ અને તેના કાર્યકરો સામે લખનઉમાં વિશેષ પીએમએલએ કોર્ટ સમક્ષ બે ચાર્જશીટ ફાઈલ કરી છે.  ગયા વર્ષે ફેબુ્રઆરીમાં ઈડીએ પીએફઆઈ અને તેની વિદ્યાર્થી પાંખ કેમ્પસ ફ્રન્ટ ઓફ ઈન્ડિયા સામે મની લોન્ડરિંગના આરોપો હેઠળ પહેલું આરોપનામું દાખલ કર્યું હતું. આ વર્ષે બીજું આરોપનામું દાખલ કરતાં ઈડીએ દાવો કર્યો હતો કે, યુએઈમાં સ્થિત એક હોટેલ પીએફઆઈ માટે મની લોન્ડરિંગ તરીકે કામ કરે છે.

દરમિયાન પીએફઆઈ પર પ્રતિબંધ મૂકવામાં આવે તો દેશમાં કેવી રીતે કામ કરવું તેવા પીએફઆઈના 'પ્લાન બી'નો પણ ઘટસ્ફોટ થયો છે. તેની આ યોજના મુજબ સરકારના પ્રતિબંધ છતાં તે દેશમાં તેનો કટ્ટરવાદી એજન્ડા ચાલુ રાખવાની હતી. સૂત્રો મુજબ પીએફઆઈએ લગભગ અડધો ડઝન સંગઠનો બનાવ્યા છે. આ સંગઠનો સરકારી પ્રતિબંધોથી બચવા અને આતંકી એજન્ડા ફેલાવવા માટે તૈયાર કરાયા છે. 

દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ૨૯મી ઑગસ્ટે બોલાવેલી એક બેઠકમાં પીએફઆઈ પર આ દરોડાની રૂપરેખા તૈયાર કરાઈ હતી. આ બેઠકમાં રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજિત ડોભાલ તેમજ રૉ, આઈબી તથા એનઆઈએના વડા હાજર રહ્યા હતા. આ બેઠકમાં અમિત શાહે પીએફઆઈ અંગે વધુ માહિતી મેળવવા પર ભાર મૂક્યો હતો. 

આ પછી જુદી જુદી એજન્સીઓને જવાબદારી સોંપાઈ હતી. સાથે તે એજન્સીઓએ હોમ વર્ક પુરું કર્યા પછી આજે દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા પછી ગુરુવારે પણ અમિત શાહે અજિત ડોભાલ સહિત ટોચના અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને પીએફઆઈ પર કાર્યવાહી અંગે ચર્ચા કરી હતી.

મુસ્લિમ સંગઠનોની યુવાનોને ધીરજ રાખવા અપીલ

દેશભરમાં મુસ્લિમ સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના અનેક સ્થળો પર એનઆઈએના દરોડાને પગલે એકબાજુ મુસ્લિમોમાં અસંતોષના દાવા થઈ રહ્યા છે ત્યારે અનેક મુસ્લિમ સંગઠનોએ યુવાનોને ધીરજ રાખવા વિનંતી કરી છે. આ સંગઠનોએ જણાવ્યું હતું કે, પીએફઆઈ અને આવા અન્ય 'સલાફી વહાબી' સંગઠનો મુસ્લિમ યુવાનોને દેશની સુફી બહુમતી વસતીની મૂળભૂત વિચારધારા વિરુદ્ધ ઉશ્કેરી રહ્યા છે. આ સ્થિતિ ઈસ્લામ, દેશ અને માનવતાના હિતમાં નથી. સુફીઝમ અને સમાવેશક ભારતને પ્રોત્સાહન આપવા પર કામ કરતા મુસ્લિમ વિદ્યાર્થીઓના સૌથી મોટા સંગઠન મુસ્લિમ સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઈઝેશન ઓફ ઈન્ડિયા (એમએસઓ)એ હિન્દીમાં એક ટ્વીટમાં યુવાનોને દેશના ન્યાયતંત્ર, કાયદો અને બંધારણમાં વિશ્વાસ રાખવા જણાવ્યું છે. દેશમાં આતંકવાદ રોકવા માટે કાયદા અને બંધારણ મુજબ પીએફઆઈ સામે કાર્યવાહી કરાઈ હોય તો મુસ્લિમ યુવાનોએ ધિરજ રાખવી જોઈએ.

City News

Sports

RECENT NEWS