NIAએ CRPF કેમ્પ પરના હુમલા સાથે સંકળાયેલા જૈશ-એ-મોહમ્મદના આતંકીની ધરપકડ કરી
- થોડા દિવસ પહેલા જ આ કેસ સાથે સંકળાયેલા નિસાર અહમદને ઝડપી લેવાયેલો
(પીટીઆઈ) નવી દિલ્હી, તા.6 એપ્રિલ, 2019, શનિવાર
રાષ્ટ્રીય તપાસ એજન્સી(એનઆઈએ)એ શનિવારે ૨૦૧૭માં સીઆરપીએફના કેમ્પ પર થયેલા હુમલા સાથે સંકળાયેલા પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના સદસ્યની ધરપકડ કરી લીધી છે.
રાષ્ટ્રીય તપાસ એજન્સીએ શનિવારે લિથપોરા, પુલવામામાં ૩૦ ડિસેમ્બર, ૨૦૧૭ના રોજ થયેલા આત્મઘાતી હુમલાના ષડયંત્રમાં સંકળાયેલા જૈશ-એ-મોહમ્મદના વધુ એક સક્રિય સદસ્ય સઈદ હિલાલ અંદ્રાબીની ધરપકડ કરી છે.
રાષ્ટ્રીય તપાસ એજન્સીના અધિકારીઓએ જણાવ્યા મુજબ જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લાના રહેવાસી સઈદ હિલાલ અંદ્રાબી(૩૫)ને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો અને કોર્ટે તેને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. લિથપોરામાં સીઆરપીએફના કેમ્પ પર થયેલા હુમલામાં પાંચ સુરક્ષા જવાન શહીદ થયા હતા અને ૩૬ કલાક ચાલેલા ગોળીબારમાં જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકીને ઠાર મારવામાં આવ્યા હતા.
તપાસ એજન્સીએ જણાવ્યા મુજબ જૈશનો સક્રિય કાર્યકર્તા અંદ્રાબી સીઆરપીએફ કેમ્પ પરના હુમલાનો મુખ્ય ષડયંત્રકર્તા હતો અને તેણે આતંકવાદીઓને હુમલા પહેલા શરણ આપીને સીઆરપીએફના કેમ્પની રેકી કરવામાં મદદ કરી હતી. અંદ્રાબીની ધરપકડ સાથે જ આ કેસમાં ધરપકડ કરાયેલા આતંકીઓની સંખ્યા ચાર થઈ ગઈ છે.
થોડા દિવસ પહેલા જ તપાસ એજન્સીએ આ હુમલા સાથે સંકળાયેલા અન્ય એક આતંકવાદી નિસાર અહમદ તાંત્રેની દુબઈથી પરત ફરતી વખતે દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી. ડિસેમ્બરમાં થયેલા હુમલામાં જૈશ-એ-મોહમ્મદે બે આત્મઘાતી હુમલાખોરોને મોકલ્યા હતા જે પૈકીનો એક ૧૬ વર્ષીય યુવાન ફરદીન અહમદ હતો.
ફરદીનના પિતા રાજ્યના પોલીસ વિભાગમાં કાર્યરત હતા અને હુમલાના થોડા દિવસો પહેલા જ તે સંગઠનમાં જોડાયો હતો. આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે ૧૪મી ફેબુ્રઆરીના રોજ પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આત્મઘાતી હુમલાની જવાબદારી સ્વીકારી હતી જેમાં ૪૦ જવાન શહીદ થયા હતા.