Get The App

દિલ્હીના ગેંગસ્ટરો NIAના સકંજામાં: નીરજ બવાના, ભુપ્પી રાણા અને કૌશલ ચૌધરીને કસ્ટડીમાં લીધા

Updated: Sep 24th, 2022

GS TEAM

Google News
Google News
દિલ્હીના ગેંગસ્ટરો NIAના સકંજામાં: નીરજ બવાના, ભુપ્પી રાણા અને કૌશલ ચૌધરીને કસ્ટડીમાં લીધા 1 - image


- NIAએ આતંકવાદીઓ, ગેંગસ્ટરો અને ડ્રગ સ્મગલરો વચ્ચે વધતી સાંઠગાંઠને તોડવા 50 સ્થળો ઉપર દરોડા પાડ્યા હતા

નવી  દિલ્હી, તા. 24 સપ્ટેમ્બર 2022, શનિવાર

દેશભરમાં ચાલી રહેલી ગુનાહિત ગેંગની સિન્ડિકેટની તપાસ કરી રહેલી રાષ્ટ્રીય તપાસ એજન્સીએ દિલ્હીની જેલમાં બંધ કુખ્યાત ગુનેગાર નીરજ બવાના અને અન્ય બે ગેંગસ્ટર ભૂપી કાણા અને કૌશલ ચૌધરીને કસ્ટડીમાં લીધા છે. 

NIA પટિયાલા હાઉસ કોર્ટ પાસેથી નીરજ, ભુપ્પી અને કૌશલ ચૌધરીને 5 દિવસના પ્રોડક્શન વોરંટ લઈને પોતાની તપાસને આગળ વધારશે. NIAએ કોર્ટને જણાવ્યું હતું કે, નીરજ બવાના અને તેની ગેંગના લોકો પ્રભાવશાળી લોકોને ડરાવી-ધમકાવીને પૈસા પડાવવાની સાથે ટાર્ગેટ કિલિંગ પણ કરી રહ્યા છે. 

NIAએ કોર્ટને જણાવ્યું હતું કે, તેણે મુખ્યત્વે ભારતમાં અને વિદેશોમાં સ્થિત આંતકવાદીઓ, ગેંગસ્ટરો અને ડ્રગ સ્મગલરો વચ્ચે વધતી સાંઠગાંઠને તોડવા માટે પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હી-NCR પ્રદેશમાં 50 સ્થળો ઉપર દરોડા પાડ્યા હતા. 

દિલ્હીના ગેંગસ્ટરો NIAના સકંજામાં: નીરજ બવાના, ભુપ્પી રાણા અને કૌશલ ચૌધરીને કસ્ટડીમાં લીધા 2 - image

નીરજ બવાના સાથે તેની ડાયરીઓ માટે પૂછપરછ થશે

મળતી માહિતી મુજબ નીરજ બવાનાના ઘરેથી કેટલીક ડાયરીઓ મળી હતી. NIAના સૂત્રોએ દાવો કર્યો હતો કે, બવાના સાથે આ ડાયરીઓમાં લખેલી વિગતો અંગે પૂછપરછ કરવામાં આવશે. આ ડાયરીઓમાં કથિત રીતે જમીન પચાવી પાડવાથી કમાયેલા નાણાઓ, અન્ય ગેંગસ્ટરોને માસિક ચૂકવણી, આધ્યાત્મિક પુસ્તકો અને મોસાદ જેવી વૈશ્વિક ગુપ્તચર એજન્સીઓના પુસ્તકોની વિગતો છે.

મળતી માહિતી મુજબ આ ડાયરીઓમાં આવી અનેક એન્ટ્રીઓ મળી આવી છે જેની તપાસ કરવામાં આવી રહી છે. એક ડાયરીમાં જેલમાં બંધ ગેંગસ્ટર ટિલ્લૂ તાજપુરિયાને અમુક લાખ રૂપિયાની માસિક ચૂકવવાની વાત હતી. આ ઉપરાંત જેલમાં બંધ ગેંગસ્ટર નવીન બાલીની સાથે 2 લાખ રૂપિયાનો ઉલ્લેખ છે. 

NIAના એક અધિકારીએ જણાવ્યું હતું કે, બવાનાના ઘરમાંથી મળી આવેલા દસ્તાવેજોમાં રૂપિયા 100 કરોડની કિંમતનો પ્લોટ હડપ કરીને રિકવરી કરવાની વિગતો પણ છે. તેણે તેમાં પોતાના 'કટ'નો પણ ઉલ્લેખ કર્યો છે, જે મિલકતની કુલ કિંમતના 30 ટકાની નજીક છે. 

ગેંગસ્ટર અને આતંકવાદીઓની સાંઠગાંઠ

NIA અનુસાર ભારતમાં અને વિદેશમાં રહેતા કેટલાક સૌથી કુખ્યાત ગેંગ લીડર અને તેમના સહયોગીઓને અગાઉ આ પ્રકારની આતંકી અને ગુનાહિત પ્રવૃતિઓમાં સંડોવાયેલા હોવાના આરોપમાં જેલમાં મોકલવામાં આવ્યા હતા. તાજેતરમાં આ ગેંગસ્ટરો સાઈબર સ્પેસના માધ્યમથી પોતાના ગુનાઓ જણાવીને લોકોમાં આતંક ફેલાવી રહ્યા છે. તાજેતરમાં ગુંડાઓએ જબરજસ્તી વસૂલી માટે ડોક્ટરો અને અન્ય વ્યાવસાયિકો તથા વેપારીઓને ફોન કરીને ધમકી આપી છે. 

NIAની તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આવા ગુનાહિત કૃત્યો છૂટાછવાયા બનાવો નહોતા પરંતુ દેશની અંદર અને બહાર આતંકવાદીઓ, ગેંગસ્ટરો અને ડ્રગની દાણચોરી કરતી ગેંગ વચ્ચે ગાઢ સાંઠગાંઠ હતી. 

ગેંગના અનેક નેતાઓ અને સભ્યો ભારતમાંથી ભાગી ગયા હતા અને હવે પાકિસ્તાન, કેનેડા, મલેશિયા, ઓસ્ટ્રેલિયા વગેરે દેશોમાંથી કામ કરી રહ્યા છે. 

Tags :