Get The App

ભારે હોબાળા બાદ આખરે વાહનચાલકોને રાહત! 'KYV'ની પ્રક્રિયા વધુ સરળ બની, બ્લોક નહીં થાય ફાસ્ટેગ

Updated: Oct 31st, 2025

GS TEAM

Google News
Google News
ભારે હોબાળા બાદ આખરે વાહનચાલકોને રાહત! 'KYV'ની પ્રક્રિયા વધુ સરળ બની, બ્લોક નહીં થાય ફાસ્ટેગ 1 - image


FASTag KYV Process Relief: ટોલ પ્લાઝા પર FASTag બ્લોક થવાના અનેક બનાવો સામે આવ્યા બાદ નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI) હેઠળ કાર્યરત ઇન્ડિયન હાઇવે મેનેજમેન્ટ કંપની લિમિટેડ (IHMCL) દ્વારા FASTagની KYV (Know Your Vehicle) પ્રક્રિયાને વધુ સરળ બનાવવામાં આવી છે. ઑગસ્ટ 2024માં શરુ થયેલી આ ફરજિયાત પ્રક્રિયાના કડક અમલથી મુસાફરોને પડી રહેલી મુશ્કેલીઓ અને સોશિયલ મીડિયા પર ચાલી રહેલા હોબાળા બાદ આ પગલું લેવામાં આવ્યું છે.

KYV પ્રક્રિયામાં કરાયેલા ફેરફારો

NHAI દ્વારા લેવાયેલા આ નિર્ણયોનો હેતુ FASTagના દુરુપયોગ અને છેતરપિંડીને રોકવાનો તેમજ ગ્રાહકોની સુવિધા વધારવાનો છે. IHMCL દ્વારા જાહેર કરાયેલી નવી માર્ગદર્શિકા ગ્રાહકોને નોંધપાત્ર રાહત આપે છે, ખાસ કરીને દસ્તાવેજો અપલોડ કરવાની જટિલ પ્રક્રિયામાં. અગાઉ KYV માટે વાહનના વિવિધ ફોટોગ્રાફ્સ અપલોડ કરવા પડતા હતા. હવે કાર, જીપ અથવા વાન માટે માત્ર ફ્રન્ટ-વ્યૂ ફોટો અપલોડ કરવાની જરૂર પડશે, જેમાં નંબર પ્લેટ અને FASTag સ્ટીકર સ્પષ્ટપણે દેખાવા જોઈએ.

RC વિગતોનું ઓટોમેટિક વેરિફિકેશન

સૌથી મહત્ત્વપૂર્ણ અપડેટ છે, જેણે દસ્તાવેજો અપલોડ કરવાની મુશ્કેલી દૂર કરી છે. સિસ્ટમ હવે 'વાહન' પોર્ટલ પરથી RC(રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ)ની માહિતી આપોઆપ મેળવી લેશે. વાહનચાલકે ફક્ત વાહન નંબર, ચેસિસ નંબર અથવા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર દાખલ કરવાની જરૂર રહેશે. અગાઉ, ડિજિલોકર અથવા એમપરિવાહન એપ પરથી RCની ડિજિટલ નકલો અપલોડ કરવી ફરજિયાત હતી.

આ પણ વાંચો: 17 ફેબ્રુઆરીથી CBSE ધો.10 અને 12 બોર્ડની પરીક્ષાના પેપરોમાં ફેરફાર: ફાઈનલ કાર્યક્રમ જાહેર

તાત્કાલિક FASTag બ્લોક નહીં થાય

અગાઉ KYV અપડેટ ન થવા પર FASTags તાત્કાલિક બ્લોક કે નિષ્ક્રિય થઈ જતા હતા, જેના કારણે અનેક ફરિયાદો ઊઠી હતી. જો કે,  IHMCLએ સ્પષ્ટતા કરી છે કે KYV અપડેટ ન હોય તેવા વાહનોની FASTag સેવાઓ તાત્કાલિક બંધ કરવામાં આવશે નહીં. યુઝર્સને પ્રક્રિયા પૂર્ણ કરવા માટે પૂરતો સમય અને તક આપવામાં આવશે.

બૅન્ક સહાય અને હેલ્પલાઇન સુવિધા

બૅન્ક વાહનચાલકોને KYV વિશે યાદ અપાવવા માટે SMS મોકલશે. દસ્તાવેજો અપલોડ કરવામાં મુશ્કેલી પડનાર ગ્રાહકોનો બૅન્ક સંપર્ક કરીને પ્રક્રિયા પૂર્ણ કરવામાં મદદ કરશે. કોઈ પણ સમસ્યાના નિરાકરણ માટે વાહનચાલકો નેશનલ હાઇવે હેલ્પલાઇન નંબર 1033 પર કોલ કરીને ફરિયાદ અથવા પ્રશ્ન નોંધાવી શકે છે.

KYV પ્રક્રિયા કેવી રીતે પૂર્ણ કરવી?

•તમારી બૅન્કની FASTag વેબસાઇટ અથવા મોબાઇલ ઍપ્લિકેશન ખોલો.

•KYV અપડેટ પર જાઓ.

•વાહન નંબર, ચેસીસ નંબર અથવા મોબાઇલ નંબર દાખલ કરો.

•નંબર પ્લેટ અને FASTag સ્ટીકર બંને સ્પષ્ટ રીતે દર્શાવતો સ્પષ્ટ આગળનો ફોટો અપલોડ કરો.

•RC માહિતી સિસ્ટમ દ્વારા આપમેળે જનરેટ થશે.

•'સબમિટ કરો' પર ક્લિક કરો.

•તમને એક કન્ફર્મેશન મેસેજ મળશે કે તમારું KYV સફળતાપૂર્વક પૂર્ણ થયું છે.

KYV (Know Your Vehicle) શું છે?

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા (NPCI) દ્વારા લાગુ કરાયેલી KYV પ્રક્રિયા હેઠળ, FASTag યુઝર્સે તેના વાહનના ફોટો અને RCની વિગતો અપલોડ કરવાની હોય છે. સરકારનો હેતુ ટેગના છેતરપિંડી અને દુરુપયોગને રોકવાનો છે. કારણ કે, એવું જોવા મળ્યું હતું કે ઘણાં લોકો અલગ અલગ વાહનો માટે એક જ ટેગનો ઉપયોગ કરે છે અથવા ખોટી વિગતો સાથે FASTags મેળવે છે. KYV દ્વારા આવી અનિયમિતતાઓને રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

Tags :