એનજીટીએ હિંદુસ્તાન ઝીંક લિ. પર રૃ. ૨૫ કરોડનો દંડ ફટકાર્યો
પર્યાવરણ કાયદાનાં ભંગને હળવાશમાં ન લેવાય ઃ એનજીટી
પર્યાવરણને થયેલા નુકસાનથી રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના હુરદા બ્લોકમાં છથી વધુ પંચાયતના લોકો અસરગ્રસ્ત
નવી દિલ્હી, તા. ૮
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ(એનજીટી)એ વેદાંતા જૂથની કંપની હિંદુસ્તાન ઝીંક લિમિટેડ (એચઝેડએલ) પર રાજસ્થાનના ભીલવાડા જિલ્લામાં પર્યાવરણ માપદંડોના ભંગ માટે ૨૫ કરોડ રૃપિયાનો દંડ ફટકાર્યો છે. એનજીટીએ પોતાના આદેશમાં જણાવ્યું છે કે પર્યાવરણ કાયદાના ભંગને હળવાશમાં લઇ શકાય નહીં. ખાસ કરીને એવા કેસમાં જ્યાં ભંગકર્તા વર્તમાન પરિયોજના પ્રસ્તાવક (પ્રોજેક્ટ પ્રોપોનેન્ટ) છે અને પીડિત ગરીબ ગ્રામીણ છે.
એનજીટીએ જણાવ્યું છે કે પર્યાવરણને થયેલા નુકસાનથી હુરદા બ્લોકમાં ૬થી વધુ પંચાયતના લોકો અસરગ્રસ્ત થયા છે. એનજીટીના ચેરમેન ન્યાયમૂર્તિ એ કે ગોયલના નેતૃત્ત્વવાળી ખૅંડપીઠે હિંદુસ્તાન ઝીંક લિમિટેડને ત્રણ મહિનાની અંદર જિલ્લા મેજિસ્ટ્રેટ, ભીલવાડાની પાસે ૨૫ કરોડ રૃપિયાની રકમ જમા કરાવવી પડશે.
એનજીટીએ એ પણ નિર્દેશ આપ્યા છે કે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને જિલ્લા મેજિસ્ટ્રેટ, ભીલવાડાની એક સંયુક્ત સમિતિ કોઇ અન્ય નિષ્ણાતની સહાયથી આ ક્ષેત્રના રહેવાસીઓ માટે આરોગ્ય સુધાર કાર્યક્રમ ઉપરાંત જમીન અને પાણીની ગુણવત્તા સુધારવા માટે એક યોજના તૈયાર કરી શકે છે.
આ આદેશ અંગે પ્રતિક્રિયા વ્યક્ત કરતા કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે હિંદુસ્તાન ઝીંક લિમિટેડ કાયદાનું પાલન કરનારી કોર્પોરેટ સંસ્થા છે અને તે હંમેશા કાયદાનું પાલન કરશે. કંપનીએ જણાવ્યું છે કે એનજીટી દ્વારા નિમાયેલા નિષ્ણાતોની સાત સભ્યોની સમિતિએ ૯૦ લાખ રૃપિયાના ખર્ચે વૃક્ષો ઉછેરવાની ભલામણ કરી હતી.અમે તેનું પાલન કરવા માગતા હતાં.
નિવેદનમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે એનજીટીએ નિર્દેશ આપ્યા છે કે કપનીએ એક નવી સમતિ હેઠળ સામુદાયિક કલ્યાણ કાર્યક્રમો માટે ૨૫ કરોડ રૃપિયાનો ખર્ચ કરવો જોઇએ.