Get The App

'અમેરિકા માટે ભારત સાથે સંબંધ ખુબ મહત્ત્વના', વડાપ્રધાન મોદી સાથે મુલાકાત બાદ બોલ્યા રાજદૂત સર્જિયો ગોર

Updated: Oct 11th, 2025

GS TEAM

Google News
Google News
'અમેરિકા માટે ભારત સાથે સંબંધ ખુબ મહત્ત્વના', વડાપ્રધાન મોદી સાથે મુલાકાત બાદ બોલ્યા રાજદૂત સર્જિયો ગોર 1 - image


US Ambassador Designate Sergio Gor: ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સંબંધોમાં ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકાએ સર્જિયો ગોરને ભારતના નવા રાજદૂત તરીકે નિયુક્ત કર્યા છે. સર્જિયો ગોર નવી દિલ્હી આવી પહોંચ્યા છે અને સોમવારે (13મી ઓક્ટોબરે) સત્તાવાર રીતે પદભાર સંભાળશે. કાર્યભાર સંભાળતા પહેલા તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

વડાપ્રધાન મોદી સાથેની મુલાકાત બાદ સર્જિયો ગોરે જણાવ્યું હતું કે, 'અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખૂબ સારા મિત્ર માને છે અને અમેરિકા ભારત સાથેના તેના સંબંધોને મહત્ત્વ આપે છે.'

સંરક્ષણ, વેપાર અને ટેકનોલોજી પર ચર્ચા

ભારતીય આયાત પર ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા 50 ટકા ટેરિફ લાદવાના કારણે સંબંધોમાં તણાવ વચ્ચે ગોરની આ ટિપ્પણી આવી છે. મુલાકાત અંગે તેમણે કહ્યું કે, 'વડાપ્રધાન મોદી સાથે મારી મુલાકાત અદ્ભુત રહી. અમે સંરક્ષણ, વેપાર અને ટેકનોલોજી સહિતના દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી. અમે મહત્ત્વપૂર્ણ ખનિજોના મહત્ત્વ પર પણ ચર્ચા કરી.'

આ પણ વાંચો: અમેરિકામાં ફરી ગોળીબાર: મિસિસિપીની શાળામાં 4ના મોત, ઈજાગ્રસ્તોને હેલિકોપ્ટરથી એરલિફ્ટ કરાયા

PM મોદી અને એસ. જયશંકરે સ્વાગત કર્યું

નવા રાજદૂતની નિયુક્તિનું ભારતીય નેતૃત્વ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'X' પર પોસ્ટ કરીને લખ્યું, 'ભારતમાં નિયુક્ત અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરનું સ્વાગત કરતાં મને આનંદ થાય છે. મને વિશ્વાસ છે કે તેમના કાર્યકાળથી ભારત-અમેરિકા ભાગીદારી વધુ મજબૂત બનશે.'


વિદેશ મંત્રી એસ. જયશંકરએ  'X' પર લખ્યું કે, 'આજે દિલ્હીમાં ભારતમાં નિયુક્ત અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરને મળીને મને આનંદ થયો. મેં તેમની સાથે ભારત-અમેરિકા સંબંધો અને તેમના વૈશ્વિક મહત્વ વિશે ચર્ચા કરી. હું તેમને તેમના નવા કાર્યકાળમાં શુભકામનાઓ પાઠવું છું.'


ટ્રમ્પ-મોદી વચ્ચે ફોન પર વાતચીત

આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે એક દિવસ પહેલાં જ વડાપ્રધાન મોદીએ ફોન પર વાતચીતમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ગાઝા માટે અમેરિકાની મધ્યસ્થી હેઠળની શાંતિ યોજનાના પ્રથમ તબક્કાની સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા. બંને નેતાઓએ ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી વેપાર વાટાઘાટોમાં થયેલી પ્રગતિની પણ સમીક્ષા કરી હતી. ત્રણ અઠવાડિયામાં પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે આ બીજી ફોન પર વાતચીત હતી.

Tags :