For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જુઓ નવું સંસદ ભવન કેવું દેખાય છે ? PM મોદીએ વીડિયો કર્યો શેર, પ્રજાને કરી ખાસ અપીલ

વીડિયોમાં સંસદ ભવનની બહારથી લઈને અંદર સુધીનો અદભુત નજારો જોવા મળી રહ્યો છે

PMએ કહ્યું, આ વિડિયો તમારા વોઈસ-ઓવર સાથે શેર કરો, હું તેમાંથી કેટલાકને રી-ટ્વીટ પણ કરીશ

Updated: May 26th, 2023

Article Content Image

નવી દિલ્હી, તા.26 મે-2023, શુક્રવાર

નવા સંસદ ભવનનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં સંસદ ભવનની બહારથી લઈને અંદર સુધીનો અદભુત નજારો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં અશોક સ્તંભથી લઈને સાંસદોનો બેઠક ખંડ જોવા મળી રહ્યો છે. આ વીડિયો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શેર કરવામાં આવ્યો છે.

PM મોદીએ વીડિયો કર્યો શેર, પ્રજાને કરી આ અપીલ

PM મોદીએ વીડિયો સાથે કેપ્શનમાં લખ્યું છે કે, નવું સંસદ ભવન દરેક ભારતીયને ગૌરવ અપાવશે. વિડિયો આ પ્રતિષ્ઠિત ઈમારતની ઝલક રજુ કરે છે. હું વિનંતી કરું છું કે, આ વિડિયો તમારા વોઇસ-ઓવર (પોતાનો અવાજ આપવો) સાથે શેર કરો, જે તમારા વિચારોને વ્યક્ત કરે છે. હું તેમાંથી કેટલાકને રી-ટ્વીટ પણ કરીશ. #MyParliamentMyPrideનો ઉપયોગ કરવાનું ન ભુલતા...

વિપક્ષે કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહાર

આ વીડિયો એવા સમયે સામે આવ્યો છે, જ્યારે વિપક્ષ નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનને લઈને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરી રહી છે. વિપક્ષો કહી રહ્યા છે કે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવું જોઈએ. વિરોધ પક્ષો આરોપ લગાવી રહ્યા છે કે, આવું ન કરીને સરકાર લોકશાહી પર હુમલો કરી રહી છે.

નવા સંસદ ભવન અંગે વિરોધ પક્ષોએ શું કહ્યું ?

કોંગ્રેસ, મુખ્યમંત્રી મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ, મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિનની DMK, શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ, ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી, ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ, ઝારખંડ મુક્તિ મોરચા, નેશનલ કોન્ફરન્સ, કેરળ કોંગ્રેસ (મણિ), રિવોલ્યૂશનરી સોશલિસ્ટ પાર્ટી, વિદુથલાઈ ચિરુથિગલ કાટ્ચી (VCK), મારુમાલાર્ચી દ્રવિડ મુનેત્ર કડગમ (MDMK) અને રાષ્ટ્રીય લોક દળ સહિત 19 પક્ષોએ સામૂહિક બહિષ્કારની જાહેરાત કરતા જણાવ્યું કે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું સરકાર દ્વારા અપમાન કરાયું છે. ત્યારબાદ તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆરની ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ) અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીની એઆઈએમઆઈએમએ પણ કહ્યું કે તેઓ ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભાગ નહીં લે.

કાર્યક્રમમાં કોણ કોણ ઉપસ્થિત રહેશે ?

નવા સંસદના ઉદ્ઘાટન કાર્યક્રમમાં વિરોધ પક્ષોમાં જેડીએસ, એન.ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી (TDP), ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકની બીજુ જનતા દળ (BJD), શિરોમણી અકાલી દળ, પૂર્વ મુખ્યમંત્રી માયાવતીની બહુજન સમાજ પાર્ટી (BSP), આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ.જગન મોહન રેડ્ડીની YSR કોંગ્રેસ પાર્ટી (YSRCP) અને લોક જનશક્તિ પાર્ટી (પાસવાન) ઉપસ્થિત રહેશે.

સરકારે શું કહ્યું?

વિપક્ષી પાર્ટીઓ દ્વારા બહિષ્કાર પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં કહ્યું હતું કે, દરેક મુદ્દા પર રાજકારણ ન કરવું જોઈએ. અમે દરેકને આમંત્રણ મોકલ્યા છે. હવે તેઓ આવે છે કે નહીં તે તેમના વિવેક પર આધાર છે. દરેક વ્યક્તિ પોતાની વિચાર મુજબ નિર્ણય લે છે.

Gujarat