FOLLOW US

'કોંગ્રેસ કરે તો ઠીક અને મોદી કરે તો બહિષ્કાર', નવા સંસદ ભવન પર ઘમસાણ વચ્ચે અમિત શાહના પ્રહાર

21 પક્ષોએ સંસદ ભવનના ઉદઘાટન સમારોહનો બહિષ્કાર કરવાની કરી છે જાહેરાત

ગૃહમંત્રી શાહે કહ્યું કે પ્રજાના આશીર્વાદ મોદી સાથે છે, અમે 2024માં ફરી જીતીશું

Updated: May 26th, 2023

image : Twitter

/ Representative Image


કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વડાપ્રધાન દ્વારા નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનનો વિરોધ કરી રહેલા વિપક્ષો પર આકરા પ્રહારો કર્યા છે. અમિત શાહે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી સંસદભવનના ઉદ્ઘાટનનો બહિષ્કાર કરીને નીચલા સ્તરની રાજનીતિ કરી રહી છે. શાહે કહ્યું કે સમગ્ર જનતાના આશીર્વાદ મોદી સાથે છે. છત્તીસગઢનો ઉલ્લેખ કરીને તેમણે આ મામલે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીને પણ લપેટ્યા હતા.

વિપક્ષી દળો બહાનું બનાવી રહ્યા છે : અમિત શાહ 

અમિત શાહે કહ્યું કે પીએમ મોદી આઝાદીના અમૃત મહોત્સવના વર્ષમાં દેશની સંસદની નવી ઇમારતનું ઉદ્ઘાટન કરવાના છે, પરંતુ કોંગ્રેસ પાર્ટી અને તેના સહયોગી પક્ષો રાજકારણ કરીને તેનો બહિષ્કાર કરી રહ્યા છે અને એવું બહાનું બનાવી રહ્યા છે કે રાષ્ટ્રપતિએ ઉદ્ઘાટન કરવું જોઈએ. તેમણે કોંગ્રેસ પર નીચલા સ્તરની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો હતો. 

છત્તીસગઢનો ઉલ્લેખ કર્યો 

અમિત શાહે વધુમાં કહ્યું કે સોનિયા અને રાહુલે છત્તીસગઢમાં વિધાનસભાનું ઉદ્ઘાટન કર્યું. ત્યાં રાજ્યપાલ આદિવાસી હતા. તેમને કેમ ન બોલાવાયા? ઝારખંડ, મણિપુર, આસામ અને તમિલનાડુમાં પણ આવું જ થયું હતું. કોંગ્રેસને આડેહાથ લેતા તેમણે કહ્યું કે, તમે જે કરો છો તે બધું સારું છે, પરંતુ જો મોદી કરે તો તેનો બહિષ્કાર કરો છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું, દેશની જનતાએ મોદીને બે વખત પીએમ બનાવ્યા. દેશની જનતા કોંગ્રેસની ઈચ્છા પર નથી. મોદીને સંસદમાં બોલવા દેવાતા નથી. હું કોંગ્રેસને કહેવા માંગુ છું. સમગ્ર જનતાના આશીર્વાદ મોદી માટે છે. આ વખતે મોદીને 300થી વધુ સીટો મળશે. લોકો કોંગ્રેસને જોઈ રહ્યા છે, ગત વખતે વિપક્ષનો દરજ્જો પણ મળ્યો ન હતો, આ વખતે એટલી પણ બેઠક નહીં મળે.

21 પક્ષોએ બહિષ્કાર કર્યો છે

કોંગ્રેસ, TMC, AAP, JDU, RJD, DMK, NCP, સમાજવાદી પાર્ટી સહિત 21 પક્ષોએ નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. આ પક્ષોએ સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્વારા કરાવવાની માંગ કરી છે. જો કે નવી સંસદ પર વિપક્ષનું અભિયાન નબળું પડતું દેખાય છે. વડા પ્રધાન દ્વારા નવી સંસદના ઉદ્ઘાટનનો વિરોધ કરનારા પક્ષો કરતાં વધુ પક્ષો સમર્થનમાં આવ્યા છે.

Gujarat
IPL-2023
Magazines