Get The App

નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા અને રાહુલ સામે નવી એફઆઇઆર

Updated: Dec 1st, 2025

GS TEAM

Google News
Google News
નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા અને રાહુલ સામે નવી એફઆઇઆર 1 - image

- ઇડીની ફરિયાદને પગલે દિલ્હી પોલીસની કાર્યવાહી

- એફઆઇઆરમાં કોંગ્રેસનાં પ્રથમ પરિવારે વ્યકિતગત લાભ માટે પોતાના પદનો દુરુપયોગ કર્યો હોવાનો આરોપ

- આ કેસ બોગસ છે,અંતે ન્યાયનો વિજય થશે,  મોદી-શાહની જોડીએ હેરાન કરવાની ગંદી રાજનીતિ ચાલુ રાખી : કોંગ્રેસ

નવી દિલ્હી: દિલ્હી  પોલીસે નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી અને અન્ય આરોપીઓની વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરી છે. આ એફઆઇઆર ઇડીની ફરિયાદ પર દાખલ કરવામાં આવી છે.  ઉલ્લેખનીય છે કે ઇડી આ હાઇ-પ્રોફાઇલ કેસમાં મની લોન્ડરિંગની તપાસ કરી રહી છે. આ કેસમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે પક્ષના પ્રથમ પરિવારે વ્યકિતગત લાભ માટે પોતાના પદનો દુરુપયોગ કર્યો હતો. 

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે દિલ્હી પોલીસની આર્થિક ગુના શાખા (ઇડબ્લ્યુઓ)એ ૩ ઓક્ટોબરનાં રોજ ગાંધી પરિવાર અને અન્ય સાત લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. 

પોલીસે ગાંધી પરિવાર, કોંગ્રેસનાં નેતાઓ સુમન દુબે અને સામ પિત્રોડા, યંગ ઇન્ડિયન અને ડોટેક્સ મર્ચેન્ડાઇઝ લિમિટેડના પ્રમોટર સુનીલ ભંડારી, એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (એજેએલ) અને અજાણ્ય લોકો સામે આઇપીસીની કલમ ૧૨૦બી (ગુનાહિત કાવતરું), ૪૦૩ (સંપત્તિનો અપ્રમાણિક દુરુપયોગ), ૪૦૬ (વિશ્વાસ ભંગ માટે સજા) અને ૪૨૦ (છેતરપિંડી) હેઠળ આરોપ દાખલ કર્યા છે. 

એક્સ પરની એક પોસ્ટમાં કોંગ્રેસના મહાસચિવ અને કોમ્યુનિકેશન ઇનચાર્જ જયરામ રમેશે જણાવ્યું હતું કે મોદી-શાહની જોડીએ  કોંગ્રેસના ટોચના નેતૃત્ત્વ સામે હેરાન કરવા, ડરાવવા-ધમકાવા અને બદલો લેવાની પોતાની ગંદી રાજનીતિ ચાલુ રાખી છે. જેઓ ધમકી આપે છે તે પોતે જ અસુરક્ષિત અને ભયભીત છે. નેશનલ હેરાલ્ડ કેસ સંપૂર્ણપણે બોગસ કેસ છે. અંતે ન્યાયનો વિજય થશે. સત્ય મેવ જયતે.

ઇડીએ દાવો કર્યો છે કે તેની તપાસમાં જાણવા મળ્યું છે કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની લાભકારી માલિકીની ખાનગી કંપની યંગ ઇન્ડિયને માત્ર રૂ. ૫૦ લાખમાં એજેલની ૨૦૦૦ કરોડ રૂપિયાની મિલકતો હસ્તગત કરી હતી. જેના કારણે તેનું મૂલ્ય નોંધપાત્ર રીતે ઓછું થયું હતું.

ચાર્જશીટમાં એવો આરોપ મૂકવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે કે સોનિયા ગાંધીએ યંગ ઇન્ડિયન કંપની દ્વારા પ્રજાનાં નાણાંને પોતાના ઉપયોગ માટે બદલી પોતાના અને પોતાના પુત્ર રાહુલ ગાંધીનાં અંગત ફાયદા માટે એઆઇસીસીનાં પૂર્વ પ્રમુખ તરીકે પોતાના પદનો દુરુપયોગ કર્યો હતો. 

આ દરમિયાન ભાજપે નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની વિરુદ્ધ બદલાનું રાજકારણ કરવાનાં કોંગ્રેસના આરોપોને પાયાવિહોણા ગણાવી જણાવ્યું હતું કે ભાષણ આપવાને બદલે પ્રજાનાં લૂટેલા નાણાનો હિસાબ આપો.

નેશનલ હેરાલ્ડ કેસને સંપૂર્ણપણે બોગસ બતાવવાનાં કોંગ્રેસના દાવા અંગે ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે જ્યારે કોંગ્રેસ નેતાઓની વિરુદ્ધ આ કેસમાં ખાનગી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ત્યારે  વડાપ્રધાન મોદી કેન્દ્રમાં ન હતાં. આ કેસ ૨૦૦૮નો છે.