Get The App

90 દિવસ ફરજિયાત કામ, પેન્શન પણ મળશે, ગિગ વર્કર્સ માટે સરકારનો નવો પ્રસ્તાવ

Updated: Jan 2nd, 2026

GS TEAM

Google News
Google News
Gig Workers Social Security Draft


(IMAGE - IANS)

Gig Workers Social Security Draft: ભારતમાં ગિગ ઇકોનોમી સાથે જોડાયેલા લાખો શ્રમિકો માટે નવા વર્ષની શરૂઆત આશાસ્પદ રહી છે. ભારત સરકારે 'સામાજિક સુરક્ષા સંહિતા, 2020' હેઠળ નવા ડ્રાફ્ટ નિયમોનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ નિયમો લાગુ થવાથી ડિલિવરી પ્લેટફોર્મ પર કામ કરતા કર્મચારીઓને સ્વાસ્થ્ય, જીવન વીમો અને અકસ્માત વીમા જેવી સુવિધાઓ મળશે.

લાભ મેળવવા માટેની શરતો અને કાર્યકાળ

નવા નિયમો મુજબ, સામાજિક સુરક્ષાનો લાભ મેળવવા માટે કર્મચારીઓએ અમુક ચોક્કસ સમયગાળા માટે કામ કરવું અનિવાર્ય રહેશે.

- સિંગલ પ્લેટફોર્મ વર્કર્સ: જો કોઈ વર્કર માત્ર એક જ કંપની સાથે જોડાયેલ હોય, તો તેણે નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 90 દિવસ કામ કરવું પડશે.

- મલ્ટી-પ્લેટફોર્મ વર્કર્સ: જો વર્કર એકથી વધુ પ્લેટફોર્મ પર કામ કરે છે, તો કુલ કાર્યકાળ 120 દિવસ હોવો જોઈએ.

- કામની ગણતરી: વર્કર જે દિવસથી પ્રથમ વખત કમાણી કરવાનું શરૂ કરશે, ત્યારથી તેના કામના દિવસો ગણવામાં આવશે. ખાસ વાત એ છે કે જો કોઈ વ્યક્તિ એક જ દિવસમાં ત્રણ અલગ-અલગ કંપનીઓ સાથે કામ કરે છે, તો તેને ત્રણ દિવસનું કામ ગણવામાં આવશે.

ડિજિટલ ઓળખ અને રજીસ્ટ્રેશન

સરકારે ગિગ વર્કર્સ માટેની આ યોજનાને અત્યંત પારદર્શક અને સુલભ બનાવવા માટે મજબૂત ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વિશેષ ભાર મૂક્યો છે. આ અંતર્ગત 16 થી 60 વર્ષની વય ધરાવતા તમામ ડિલિવરી પાર્ટનર્સ રજીસ્ટ્રેશન કરાવી શકશે. દરેક વર્કરે ઈ-શ્રમ પોર્ટલ પર પોતાનું આધાર લિંક્ડ રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય રહેશે, જેના આધારે તેમને એક યુનિવર્સલ એકાઉન્ટ નંબર(UAN) અને ડિજિટલ ઓળખ કાર્ડ ફાળવવામાં આવશે. કારણ કે ગિગ વર્કર્સ વારંવાર કંપનીઓ બદલતા હોય છે આથી આધાર લિંક્ડ રજીસ્ટ્રેશન હોવાથી તેમનો તમામ ડેટા એક જ UAN હેઠળ સુરક્ષિત રહે છે, પછી ભલે તેઓ ગમે તેટલી કંપની બદલે.

આ સિસ્ટમની સૌથી મોટી વિશેષતા તેની પોર્ટેબિલિટી છે; એટલે કે, જો કોઈ વર્કર એક પ્લેટફોર્મ છોડીને બીજા પ્લેટફોર્મ પર કામ કરવાનું શરૂ કરે છે, તો પણ આધાર સાથે લિંક્ડ UAN હોવાને કારણે તેને મળતા લાભ ચાલુ જ રહેશે.

આ પણ વાંચો: ઈન્દોરમાં પીવાના પાણીમાં ગટરનું પાણી અને મળ-મૂત્ર ભળી જતાં 14ના મોત, 2800થી વધુ બીમાર

કયા-કયા લાભ મળશે?

વર્કર્સના કલ્યાણ માટે ભારત સરકાર અને પ્લેટફોર્મ એગ્રીગેટર્સ સંયુક્ત રીતે વિવિધ પાયાની સુવિધાઓ પૂરી પાડશે. આ અંતર્ગત વર્કર્સના સ્વાસ્થ્ય અને તબીબી સારવાર માટેની યોજનાઓને 'આયુષ્માન ભારત' સાથે જોડવામાં આવશે, જેથી તેઓને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ મળી રહે. આ ઉપરાંત, શ્રમિકોને આર્થિક સુરક્ષા પૂરી પાડવા માટે જીવન વીમો અને વ્યક્તિગત અકસ્માત વીમો પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. મહિલા શ્રમિકોના હિતોને ધ્યાનમાં રાખીને ખાસ મેટરનિટી બેનિફિટ્સ  અને તેમના નાના બાળકો માટે ઘોડિયાઘર જેવી વ્યવસ્થાઓ કરવામાં આવશે. લાંબા ગાળાની સુરક્ષા માટે ભવિષ્યમાં એવી પેન્શન યોજનાનો પ્રસ્તાવ છે જેમાં કંપની અને વર્કર બંને પોતાનું યોગદાન આપશે.

રાષ્ટ્રીય સામાજિક સુરક્ષા બોર્ડની રચના

નિયમોના અમલીકરણ અને દેખરેખ માટે એક ઉચ્ચ સ્તરીય બોર્ડ બનાવવામાં આવશે. જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓ ઉપરાંત, વર્કર યુનિયનના 5 પ્રતિનિધિઓ અને એગ્રીગેટર યુનિયનના 5 પ્રતિનિધિઓનો સમાવેશ થશે. આ બોર્ડ ગિગ વર્કર્સની સંખ્યાનું આકલન કરશે અને નવી કલ્યાણકારી નીતિઓની ભલામણ કરશે.

ક્યારે અમલ થશે?

જો કોઈ વર્કર નિર્ધારિત કાર્યકાળ (90/120 દિવસ) પૂર્ણ નહીં કરે અથવા 60 વર્ષની વય વટાવશે, તો તે આ લાભો માટે અપાત્ર ઠરશે. હાલમાં આ ડ્રાફ્ટ પર વર્કરના સૂચનો માંગવામાં આવ્યા છે. અપેક્ષા છે કે માર્ચ 2026 સુધીમાં આ અંગેનું અંતિમ જાહેરનામું બહાર પાડવામાં આવશે.

90 દિવસ ફરજિયાત કામ, પેન્શન પણ મળશે, ગિગ વર્કર્સ માટે સરકારનો નવો પ્રસ્તાવ 2 - image