Get The App

દેશમાં ગરીબલક્ષી સ્વદેશીના નવા આયામનો આરંભ : પીએમ મોદી

Updated: Sep 21st, 2025

GS TEAM

Google News
Google News
દેશમાં ગરીબલક્ષી સ્વદેશીના નવા આયામનો આરંભ : પીએમ મોદી 1 - image


- આજથી જીએસટીનું નવું 'ટાઈમ ટેબલ'

- દૈનિક વપરાશની ખાદ્ય વસ્તુઓ, દવાઓ, સ્વાસ્થ્ય અને જીવન વીમા સહિતની ૯૯ ટકા વસ્તુઓ ટેક્સ ફ્રી થઈ અથવા પાંચ ટકા ટેક્સના દાયરામાં આવી

- નેક્સ્ટ જનરેશન જીએસટીથી મધ્યમ વર્ગને આ વર્ષે રૂ. ૨.૫ લાખ કરોડથી વધુની બચત થશે : પીએમ

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીએસટીમાં કરાયેલા સુધારા ભારતની વૃદ્ધિમાં નવા પ્રાણ ફૂંકશે તેમ જણાવતા નાગરિકોને દેશની સમૃદ્ધિ માટે 'સ્વદેશી' ઉત્પાદનો અને આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા હાકલ કરી હતી. તેમણે કહ્યું નવરાત્રિના પહેલા દિવસથી સોમવારે આગામી પેઢીના જીએસટી સુધારા સાથે દેશ આત્મનિર્ભરતાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ઉઠાવી રહ્યો છે. દેશમાં સોમવારથી જીએસટી બચત ઉત્સવ શરૂ થશે. કારણ કે ૯૯ ટકા વસ્તુઓ જીએસટીના પાંચ ટકાના દાયરામાં આવી જશે અને તે સસ્તી થઈ જશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીએસટી સુધારાના અમલની પૂર્વ સંધ્યાએ રવિવારે ૧૯ મિનિટના રાષ્ટ્રજોગ સંબોધનમાં કહ્યું કે, અમે નાગરિક દેવો ભવઃના મંત્ર સાથે આગળ વધી રહ્યા છીએ અને નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્મમાં તેની ઝાંકી સ્પષ્ટપણે જોવા મળે છે. આપણે ઈન્કમ ટેક્સમાં છૂટ અને જીએસટીમાં છૂટને જોડી દઈએ તો એક વર્ષમાં જે નિર્ણય લેવાયા છે તેનાથી દેશના લોકોને ૨.૫ લાખ કરોડ રૂપિયાથી વધુની બચત થશે. તેથી જ હું કહું છું કે આ બચત ઉત્સવ છે.

પીએમ મોદીએ રવિવારે જણાવ્યું કે, દેશમાં સોમવારથી નવરાત્રિનો તહેવાર શરૂ થઈ રહ્યો છે. હું આપ સૌને શુભકામના પાઠવું છું. નવરાત્રિના પહેલા દિવસે સૂર્યોદય સાથે નેક્સ્ટ જનરેશન જીએસટી સુધારા લાગુ થશે. જીએસટીએ 'એક રાષ્ટ્ર એક કર'ના સપનાંને સાકાર કર્યું છે.

તેમણે ઉમેર્યું કે, આગામી પેઢીના જીએસટી સુધારા દરેક પરિવારમાં આનંદ-ઉત્સાહ લાવશે. ભારતની વિકાસ ગાથાને ગતિ આપશે અને નાગરિકોને તેમના પસંદગીના સામાન સરળતાથી ખરીદવાની તક આપશે. તેમણે જીએસટી અને આવકવેરા સુધારાને ટાંકીને કહ્યું કે, આ સુધારાઓથી ભારતના લોકોને કુલ ૨.૫ લાખ કરોડ રૂપિયા સુધીની બચત થશે અને ઉદ્યોગો માટે પ્રક્રિયાઓ વધુ સરળ બનશે. તેમણે એમએસએમઈ અને સ્વદેશી ઉત્પાદનોને વિશ્વ સ્તરીય બનાવવા પર પણ ભાર મૂક્યો હતો. સાથે જ તેમણે ભારતમાં નિર્માણ પામેલી અને સ્વદેશી વસ્તુઓ પર ગૌરવ કરવાની અપીલ કરી હતી. તેમણે કેવી રીતે ટેક્સ-ટોલની જાળે વેપારીઓ અને ગ્રાહકોને મુશ્કેલીઓ પેદા કરી હતી તેની યાદ અપાવી હતી. 

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તેમની સરકારે છેલ્લા ૧૧ વર્ષમાં ૨૫ કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા અને નવા મધ્યમ વર્ગમાં સામેલ કર્યા. નવા જીએસટી દરોથી ગરીબ અને મધ્યમ વર્ગ બંનેને લાભ થશે. જીએસટી ઘટવાથી એમએસએમઈને પણ બમણો ફાયદો થશે. સરકારે આ વર્ષે રૂ. ૧૨ લાખ સુધીનો ઈન્કમ ટેક્સ ફ્રી કર્યો, જેનાથી મધ્યમ વર્ગના જીવનમાં સરળતા અને સુવિધા આવી. તેમણે દરેક નાગરિકોને અપીલ કરી કે દરેક ઘર અને દરેક દુકાનને સ્વદેશીનું પ્રતીક બનાવવા જોઈએ. ગર્વથી કહો - હું સ્વદેશી ખરીદું છું. હું સ્વદેશી સામાન વેચું છું. આ દરેક ભારતીયનો મિજાજ બનવો જોઈએ. આવું થશે ત્યારે જ ભારત ઝડપથિ વિકસિત બનશે.

દરમિયાન જીએસટીમાં સુધારાની અસર ૩૭૫થી વધુ વસ્તુઓ પર થવાની હોવાથી સોમવારથી રસોડાની વસ્તુઓથી લઈ ઈલેક્ટ્રોનિક્સ, દવાઓથી લઈ ઓટોમોબાઈલ્સની વસ્તુઓ સસ્તી થશે. જીએસટીના નવા માળખામાં માત્ર પાંચ અને ૧૮ ટકા એમ બે સ્લેબ મુખ્ય રહેશે. દૈનિક વપરાશની ખાદ્ય વસ્તુઓ, દવાઓ, સાબુ, ટૂથબ્રશ, ટૂથપેસ્ટ, સ્વાસ્થ્ય અને જીવન વીમા સહિતની ૯૯ ટકા વસ્તુઓ હવે ટેક્સ ફ્રી થઈ ગઈ છે અથવા પાંચ ટકા ટેક્સના દાયરામાં આવી ગઈ છે. 

ઘી, પનીર, માખણ, 'નમકીન', કેચઅપ, જામ, ડ્રાય ફ્રુટ્સ, કોફી અને આઈસક્રીમ જેવી ખાદ્ય ચીજો તથા ટીવી, એસી, વોશિંગ મશીન્સ જેવા ઉત્પાદનો સસ્તા થશે. વિવિધ એફએમસીજી કંપનીઓએ જીએસટી સુધારાના પગલે ભાવમાં ઘટાડાની જાહેરાત અગાઉથી જ કરી દીધી છે. આ સિવાટ મોટાભાગની દવાઓ અને ફોર્મ્યુલાસ, ગ્લુકોમીટર અને ડાયગ્નોસ્ટિક કીટ્સ જેવી મેડિકલ ડિવાઈસીસ પરનો જીએસટી ઘટાડીને પાંચ ટકા કરી દેવાયો છે, જેથી સામાન્ય માણસ માટે દવાનો ખર્ચ ઘટી જશે. ઉપરાંત બિલ્ડરોને સીમેન્ટ પર ૨૮ ટકા જીએસટી ઘટીને ૧૮ ટકા થવાનો લાભ મળશે. જીએસટી ઘટાડાનો સૌથી વધુ લાભ વાહનો ખરીદનારને થશે. નાની અને મોટી કાર પરનો ૨૮ ટકા જીએસટી ઘટાડીને ૧૮ ટકા કરી દેવાયો છે.

Tags :