અમે ક્યારેય આવા દૃશ્યો નથી જોયા, મેં 15 મૃતદેહો બહાર કાઢ્યાઃ દિલ્હીમાં નાસભાગની ઘટનામાં પ્રત્યક્ષદર્શી
New Delhi Railway Station Stampede: નવી દિલ્હી રેલવે સ્ટેશન પર શનિવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ થયેલી નાસભાગમાં 18 લોકોના મોત અને અનેક લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં નવ મહિલા, ચાર પુરૂષ અને પાંચ બાળકો સમાવિષ્ટ છે. જેમાં સૌથી વધુ નવ બિહારના, આઠ દિલ્હીના અને એક હરિયાણાના છે. આ ઘટના પ્લેટફોર્મ 13 અને 14 પર બની હતી. તે સમયે હજારો શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે સ્ટેશન પર એકઠા થઈ રહ્યા હતા અને ટ્રેનમાં ચઢવા ધક્કા-મુક્કી કરી રહ્યા હતાં.
સ્ટેશન પર આવી ભીડ જોઈ ન હતી
રેલવે સ્ટેશન પર ઘટના દરમિયાન હાજર કુલી સુગન લાલ મીણાએ જણાવ્યું હતું કે, 'મેં મારા સાથીઓ સાથે મળીને 15 મૃતદેહોને બહાર કાઢ્યા અને એમ્બ્યુલન્સમાં મૂક્યાં હતાં. હું 1981થી અહીં કુલી તરીકે કામ કરું છું. આવી ભીડ ક્યારેય જોઈ નથી. પ્લેટફોર્મ બદલાઈ ગયું, જેના કારણે નાસભાગ મચી હતી. લોકો એકબીજા ઉપર ચઢી ગયા. મૃતદેહો જોયા બાદ અમે ભોજન પણ કરી શક્યા નહીં.'
પ્લેટફોર્મ બદલાતાં નાસભાગ મચી
કુલી મીણાએ જણાવ્યું કે, 'પ્રયાગરાજ સ્પેશિયલ ટ્રેન પ્લેટફોર્મ નંબર 12 પરથી રવાના થવાની હતી. પરંતુ અચાનક પ્લેટફોર્મ નંબર 16 પર શિફ્ટ કરવામાં આવતાં પ્લેટફોર્મ નંબર 12માં ટ્રેનની રાહ જોઈ રહેલી ભીડ પ્લેટફોર્મ નંબર 16 તરફ ભાગી. જેમાં અફરાતફરી મચી અને લોકો ધક્કા-મુક્કી કરવા લાગ્યા. ઘણા લોકો એસ્કેલેટર તથા સીડીઓ પરથી પડી ગયાં.'
પ્લેટફોર્મ પર જૂતાં અને સામાન અને ઘાયલો
નાસભાગના બાદ પ્લેટફોર્મ પર માત્ર જૂતાં અને સામાન જ્યાં-ત્યાં પડેલા જોવા મળ્યાં. ઘાયલો પણ દર્દથી કણસી રહ્યા હતાં. ત્રણ-ચાર એમ્બ્યુલન્સ પહોંચતાં ઘાયલોને સારવાર અર્થે ખસેડાયા હતાં. કુલી અને રેલવે સ્ટેશન પર હાજર લોકોએ કચડાઈ ગયેલા મૃતદેહોને પણ બહાર કાઢ્યા હતાં.
એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું...
અન્ય એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, 'પ્લેટફોર્મ નંબર 13 અને 14 પર નાસભાગની ઘટના બની હતી. ટ્રેનના પ્લેટફોર્મ પર પાંચથી દસ હજાર લોકો હતાં. જેવી ટ્રેન પ્લેટફોર્મ નંબર 16 પર આવવાની હોવાની જાણકારી મળી તેવા જ લોકો ટ્રેન પકડવા દોડાદોડ કરવા લાગ્યાં. ભીડ બેકાબૂ બની. લોકો એક-બીજાને કચડીને આગળ વધી રહ્યા હતાં. ઘણાના શ્વાસ રૂંધાવા લાગ્યાં. ફૂટ ઓવરબ્રિજથી પણ ઘણા લોકો નીચે પડી ગયાં. રેલવે પ્રશાસન અને સુરક્ષા દળ સ્થિતિને કાબૂમાં લેવા નિષ્ફળ રહ્યાં. જેના લીધે ઘણા લોકોએ જીવ ગુમાવ્યાં.'
મૃતકોને 10 લાખનું વળતર
આ મામલે સરકારે નાસભાગમાં મૃત્યુ પામનારાઓ માટે વળતરની જાહેરાત કરી છે. અકસ્માતમાં પરિવારના સભ્યો ગુમાવનારાઓને 10 લાખ રૂપિયા આપવામાં આવશે. ઘાયલોને 2.5 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે જ્યારે સામાન્ય ઇજાગ્રસ્તોને 1 લાખ રૂપિયા આપવાની જાહેરાત થઈ છે. વળતરની રકમનું વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે.