અયોધ્યામાં નવી બાબરી મસ્જિદ રચાશે, જન. આસીમ મુનીર પહેલી આઝાન કરશે
- પાક. સેનેટર પલવાશા મોહમ્મદ ઝાઈ ખાનની શેખી
- પાકિસ્તાનનાં ઉપલાં ગૃહમાં આગ ઝરતાં વક્તવ્યમાં તે સેનેટરે કહ્યું : આપણે કૈં બંગડીઓ પહેરી બેઠાં નથી
નવી દિલ્હી : પહેલગાંવ ઘટના પછી ભારત પાક. વચ્ચે સતત વધી રહેલી તંગદિલીમાં પાકિસ્તાનનાં ઉપલાં ગૃહ સેનેટનાં સભ્ય પલવાશા મોહમ્મદ ઝાઈ ખાને ૨૯મી એપ્રિલે આગ ઝરતી વાણીમાં કહ્યું હતું કે, અયોધ્યામાં નવી નિર્માણ થનારી બાબરી મસ્જિદની પહેલી ઇંટ પાકિસ્તાનના સિપાહીઓ મુકશે અને પાકિસ્તાનનાં લશ્કરના વડા જનરલ આસીમ મુનીર પહેલી આઝાન પોકારશે. (ભારત યુદ્ધ કરશે તો) અમે કૈં બંગડીઓ નથી પહેરી.
આ સાથે તેઓએ કહ્યું હતું કે ભારતનાં સૈન્યમાં રહેલા શિખ સૈનિકો તો પાકિસ્તાન પર હુમલો કરવામાં જોડાશે નહીં. કારણ કે પાકિસ્તાન (પ.પંજાબ) તેઓના ગુરૂ નાનકની ભૂમિ છે.
પલવાશા પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના સભ્ય છે. તે પાર્ટીના ઉપ માહિતી મંત્રી તરીકે પણ તેઓ હતાં. તેઓ મહિલા અનામત દ્વારા સિંધ પ્રાંતમાંથી માર્ચ ૨૦૨૧માં સેનેટમાં ચૂંટાઈ આવ્યાં છે.
૨૩ એપ્રિલે પહેલ ગાંવમાં પાકિસ્તાની આતંકવાદીઓએ કરેલો હત્યાકાંડ કે જેમાં તદ્દન નિર્દોષ તેવા ૨૫ ભારતીય નાગરિકો અને એક નેપાળી નાગરીકની નૃશંસ હત્યા થઇ હતી. આ પછી ભારતે શ્રેણીબદ્ધ વળતાં પગલાં લેવાં શરૂ કર્યાં છે. જે પૈકી સિંધુ જળ અટકાવી દીધું છે. તેથી પાણીની ખેંચ ભોગવતાં પાકિસ્તાનને પાણીની અપહૃત તંગી પડી રહી છે. તેના પાકના ઉતાર ઉપર તો અસર થઇ જ છે. પરંતુ પીવાનાં પાણીની પણ ખેંચ વધી છે. પાકિસ્તાને વળતાં પગલાં રૂપે તેની એર સ્પેસ ભારતીય વિમાનો માટે બંધ કરી છે. તે સામે ભારતે પણ પાકિસ્તાનનાં વિમાનો માટે એર સ્પેસ બંધ કરતા પાકિસ્તાનનાં નાગરિક વિમાનોને ભારે મોટો ફટકો પડયો છે.
પાકિસ્તાને સીમલા કરારોનો ભંગ કર્યો છે અને જમ્મુ કાશ્મીરમાં લાઈન ઓફ કંટ્રોલ અને આંતરરાષ્ટ્રીય સરહદે ગોળીબારી શરૂ કરી છે. ભારતને પરમાણુ યુદ્ધની જ સીધી ધમકી આપી દીધી છે. તેવે સમયે પલવાશમાં આવાં અવિચારી અને ઉગ્ર નિવેદનથી બંને દેશો વચ્ચે તંગદિલી વધશે જ તે નક્કી છે. તેમ વિશ્લેષકો કહે છે.