સાંસદો માટે 550 કરોડના ખર્ચે નવા લક્ઝુરિયસ ફ્લેટ, જાણો પાંચ બેડરૂમ ધરાવતા ઘરમાં કેવી છે સુવિધા
Inside Delhi’s ₹550 Crore Luxury Flats for MPs: દિલ્હીના બાબા ખારક સિંહ માર્ગ પર સાંસદો માટે નવું રહેણાક સંકુલ તૈયાર કરાયું છે. હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સંકુલમાં 25 માળના ચાર ટાવરમાં 184 લક્ઝુરિયસ ફ્લેટ ડિઝાઇન કરાયા છે, જે લુટિયન્સ ઝોનમાં સાંસદોની રહેઠાણની અછતને પૂરી કરશે. છેલ્લા કેટલાક વર્ષોથી કેન્દ્ર સરકારે સાંસદો માટે વધારાના આવાસોની વ્યવસ્થા કરવા માટેના પ્રયાસ શરુ કર્યા છે, જેના ભાગરૂપે આ સંકુલ તૈયાર કરાયું છે. હાલ લુટિયન્સ દિલ્હીમાં લગભગ 3,000 સરકારી મિલકતો અને 600 ખાનગી બંગલા છે.
લુટિયન્સ દિલ્હી શું છે?
લુટિયન્સ દિલ્હી એ નવી દિલ્હીની અંદર આવેલો એક વિસ્તાર છે, જે બ્રિટિશ આર્કિટેક્ટ સર એડવિન લુટિયન્સ દ્વારા ડિઝાઇન કરાયેલા ભવ્ય સ્થાપત્ય માટે જાણીતો છે. અહીં આવેલા 'લુટિયન્સ બંગલો ઝોન'(LBZ)માં ટોચના રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ રહે છે.
ટૂંકા ગાળામાં ભવ્ય સંકુલનું નિર્માણ
આ નવા સંકુલમાં 25 માળના ચાર ટાવર છે. અહીં બે માળમાં ભૂગર્ભ પાર્કિંગ સુવિધા પણ છે. આટલા મોટા પ્રોજેક્ટનું નિર્માણ માત્ર બે વર્ષના ગાળામાં પૂરું કરી દેવાયું છે, જે દિલ્હી જેવા ટ્રાફિકથી ભરચક મહાનગરમાં નોંધપાત્ર સિદ્ધિ છે.
5,000 ચોરસ ફીટનું ઑફિસ સહિતનું રહેઠાણ
આ સંકુલમાં 184 ફ્લેટ છે અને પ્રત્યેકનો કાર્પેટ એરિયા આશરે 5,000 ચોરસ ફૂટ છે, જે દિલ્હીના ટાઇપ-સેવન શ્રેણીના ઉચ્ચસ્તરીય બંગલાથી પણ વધારે છે. અહીં સાંસદોના રહેઠાણ સાથે તેમની ઑફિસ માટેની જગ્યા પણ ફાળવાઈ છે.
પાંચ બેડરૂમની સાથે PA માટે પણ અલગ રૂમ
અહીં દરેક ફ્લેટમાં પાંચ વિશાળ બેડરૂમ છે. એટલું જ નહીં, તેમાં સાંસદના પર્સનલ આસિસ્ટન્ટ માટે અલગ ઑફિસ રૂમની વ્યવસ્થા છે. ઘરના કામદારો માટે પણ વધારાના બે રૂમ છે. કિચન, સ્ટોર રૂમ, ડાઇનિંગ એરિયા પણ સુંદર સજાવટ સાથે બનાવાયા છે.
બધા રૂમમાં એટેચ્ડ બાથરૂમની સુવિધા
આ ફ્લેટમાં વીવીઆઇપીની પ્રાઇવેસી જળવાઈ રહે એ માટે દરેક બેડરૂમમાં એટેચ બાથરૂમની સુવિધા છે. બાથરૂમની ડિઝાઇન આધુનિક અને આરામદાયક છે.
બાંધકામમાં અત્યાધુનિક ટેક્નિકનો ઉપયોગ
આ સંકુલનું નિર્માણ ‘સેમ ઇન્ડિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર’ દ્વારા કરાયું છે. બાંધકામમાં પરંપરાગત ઈંટોના બદલે RCC અને એલ્યુમિનિયમ શટરિંગનો ઉપયોગ કરાયો છે, જેના કારણે નિર્માણકાર્ય ઝડપથી પૂરું કરી શકાયું હતું. સામાન્ય રીતે એક છત નાખવામાં 30–35 દિવસ લાગતા હોય છે, જ્યારે આ પદ્ધતિથી આ કામ માત્ર 10–12 દિવસમાં કરી શકાય છે.
કુલ 550 કરોડનો ખર્ચ થયો
આ સંકુલના નિર્માણમાં આશરે રૂ. 550 કરોડનો ખર્ચ થયો છે. આ 25 માળના બહુમાળી મકાનનું બાંધકામ એટલું મજબૂત છે કે તે 100 વર્ષથી વધુ સમય સુધી ટકી શકે.
દુકાનો સહિત બીજી પણ વિશેષ સુવિધાઓ
આ સંકુલમાં બે માળના ભૂગર્ભ પાર્કિંગની સુવિધા છે, જેમાં કુલ 500 વાહનો પાર્ક થઈ શકે એમ છે. સાંસદો અને તેમના પરિજનો સામાજિક કાર્યક્રમો યોજી શકે એ માટે સમુદાયિક કેન્દ્ર પણ બનાવાયું છે. અહીં રહેતા લોકોની દૈનિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે ચાર મોટી દુકાનો પણ બનાવાઈ છે, જ્યાં તમામ જીવનજરૂરી ચીજવસ્તુઓ મળી શકશે.