Get The App

જજોની 'છગ્ગા' મારવાની પ્રવૃત્તિ ચિંતાજનક, ગરીબોની ઉપેક્ષાથી ન્યાયતંત્ર પર વિશ્વાસ નહીં રહે :સીજેઆઈ

Updated: Dec 19th, 2025

GS TEAM

Google News
Google News
જજોની 'છગ્ગા' મારવાની પ્રવૃત્તિ ચિંતાજનક, ગરીબોની ઉપેક્ષાથી ન્યાયતંત્ર પર વિશ્વાસ નહીં રહે :સીજેઆઈ 1 - image


- ન્યાય ધીમો અને મોંઘો થઈ જાય છે ત્યારે ગરીબના સન્માનનો અધિકાર નાશ પામે છે : મુખ્ય ન્યાયાધિશની માર્મિક ટકોર

- દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણ દૂર કરવા અંગે પ્રોટોકોલ છે, પરંતુ રાજ્ય સરકારો તેનું પાલન નથી કરતી : એમિકસ ક્યુરી

- પ્રદૂષણ અમીરો ફેલાવે છે જ્યારે તેનો ભોગ ગરીબો બને છે : સુપ્રીમ

Supreme Court News : દેશની કોર્ટોમાં કેસોના વિલંબ અને કેસોના વધતા ખર્ચ ભારતની ન્યાય વ્યવસ્થા સામે સૌથી મોટો પડકાર છે અને ન્યાયની સાચી પરીક્ષા કાયદાના સિદ્ધાંતો નહીં પરંતુ સામાન્ય લોકોનો દૈનિક અનુભવ છે, જેમણે કોર્ટો સુધી પહોંચવા માટે ભારે સંઘર્ષ કરવો પડે છે તેમ મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું હતું. ઓડિશા હાઈકોર્ટ બાર એસોસિએશનના એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, ન્યાયનો અર્થ ત્યારે જ છે જ્યારે તે સરળતાથી સુલભ, ઓછો ખર્ચાળ, પૂર્વાનુમાનિત અને માનવીય હોય.

બીજી બાજુ ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચારના કેસોની સુનાવણી વખતે ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે  માર્મિક ટકોર કરતાં જણાવ્યું હતું કે જજોમાં નિવૃત્તિ પહેલાં બાહ્ય કારણોથી અનેક આદેશ પસાર કરવાનું ચલણ વધી રહ્યું છે. સીજેઆઈના અધ્યક્ષપદે બેન્ચે નિવૃત્તિ પહેલાં જજો દ્વારા 'છગ્ગા મારવા'ની આ પ્રવૃત્તિને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા તેના અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સાથે જ અન્ય એક કેસમાં સીજેઆઈ સૂર્યકાંતની બેન્ચે કહ્યું, દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણની સમસ્યા અમને ખબર છે. પ્રદૂષણ અમીરો ફેલાવે છે જ્યારે તેનો ભોગ ગરીબો બને છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતના અધ્યક્ષપદે બેન્ચે મધ્ય પ્રદેશના એક મુખ્ય જિલ્લા ન્યાયાધીશ દ્વારા દાખલ અરજી પર સુનાવણી કરી હતી, જેમાં તેમણે નિવૃત્તિના માત્ર 10 દિવસ પહેલા પોતાના સસ્પેન્શનને પડકાર્યું હતું. તેમણે કહ્યું કે, આ સસ્પેન્શન જજ દ્વારા દાખલ કરાયેલા બે ન્યાયિક આદેશો સાથે સંકળાયેલું હતું.

કોર્ટોએ નાકરિક વિશેષ રૂપે ગરીબ અને નબળા વર્ગ વ્યવસ્થાનો કેવો અનુભવ કરે છે તેના પર ધ્યાન આપવું જોઈએ. એક વૃદ્ધ ખેડૂત સાથેનો અંગત અનુભવ વર્ણવતા સીજેઆઈએ કહ્યું કે, તેમણે એક વૃદ્ધ ખેડૂતને બપોર સુધી કોર્ટની બહાર રાહ જોતા જોયા હતા. આ ખેડૂતનો કેસ સુનાવણીની યાદીમાં ખૂબ જ નીચે હતો. મેં તેમને કહ્યું, આજે કદાચ તમારા કેસની સુનાવણી નહીં થઈ શકે. આ સાંભળતા ખેડૂતે કહ્યું, હું કદાચ વહેલા ઘરે જતો રહીશ તો સામેનો પક્ષ સમજશે કે મેં હાર માની લીધી છે. ખેડૂત માટે કેસમાં વિલંબ માત્ર એક આંકડો નહોતો. તે તેના સન્માનનું ધીમે ધીમે થતું હનન હતું. આ ખેડૂતે તેમને સમજાવ્યું કે, કોર્ટની કાર્યવાહીમાં થતો વિલંબ અને વધુ પડતી દસ્તાવેજી કાર્યવાહી લોકોને પીડા પહોંચાડે છે. આ રીતે વિલંબ બંધારણની કલમ ૨૧ના મૂળ સિદ્ધાંતો પર પ્રહાર કરે છે, જે જીવન અને સન્માનના અધિકારની ખાતરી આપે છે. ન્યાય ધીમો અને ખૂબ જ મોંઘો થઈ જાય છે ત્યારે ગરીબ અને નબળા વર્ગના સન્માનનો અધિકાર ધીમે ધીમે નાશ પામે છે.

બીજી બાજુ ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર અંગેની સુનાવણી દરમ્યાન બેન્ચે ટીપ્પણી કરી કે, અરજદારે નિવૃત્તિ પહેલા છક્કા મારવાના શરૂ કરી દીધા. આ દુર્ભાગ્યપૂર્ણ ટ્રેન્ડ છે. હું આ મુદ્દે વધુ વાત કરવા માગતો નથી. હકીકતમાં જિલ્લા જજ ૩૦ નવેમ્બરે નિવૃત્ત થવાના હતા, પરંતુ બે ન્યાયિક આદેશોના કારણે તેમને ૧૯ નવેમ્બરે સસ્પેન્ડ કરી દેવાયા. તેઓ ૩૦ નવેમ્બરે નિવૃત્ત થવાના હતા, પરંતુ સુપ્રીમ કોર્ટે ૨૦ નવેમ્બરે મધ્ય પ્રદેશ સરકારને તેમની નિવૃત્તિ એક વર્ષ માટે ટાળવાનો નિર્દેશ આપ્યો હતો, કારણ કે રાજ્ય સરકારે તેના કર્મચારીઓની નિવૃત્તિની વય વધારીને ૬૨ વર્ષ કરી દીધી હતી. જિલ્લા ન્યાયાધીશની સ્થિતિ પર કટાક્ષ કરતા સીજેઆઈ સૂર્યકાંતે કહ્યું કે, જિલ્લા ન્યાયાધીશે બે આદેશ આપ્યા ત્યારે તેમને ખ્યાલ નહીં હોય કે તેમની નિવૃત્તિની વય એક વર્ષ વધારી દેવાઈ છે. નિવૃત્ત પહેલાં જજો દ્વારા વધુ પ્રમાણમાં ઓર્ડર પાસ કરવાનું ચલણ વધ્યું છે.

દરમિયાન દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણના સ્તર સંબંધિત અરજી પર સુનાવણી કરતા સીજેઆઈ સૂર્યકાંતે કહ્યું કે, અમને પ્રદૂષણની સમસ્યા ખબર છે. દિલ્હી-એનસીઆર વાયુ પ્રદૂષણ સંબંધિત આ કેસનું 17ડિસેમ્બરે બેન્ચ સમક્ષ સુનાવણી માટે લિસ્ટિંગ કરાશે. તે સમયે તેના પર વિસ્તૃત વિચારણા કરાશે. તેમણે ઉમેર્યું કે, પ્રદૂષણના મારની સૌથી વધુ અસર ગરીબો પર પડે છે જ્યારે પ્રદૂષણ ફેલાવતી પ્રવૃત્તિઓ મોટાભાગે અમીર વર્ગોની હોય છે.

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ જોયમાલ્યા બાગચી અને ન્યાયાધીશ વિપુલ એમ. પંચોલીની બેન્ચે વરિષ્ઠ વકીલ અને એમિકસ ક્યુરી રૂપે તેમની મદદ કરતાં અપરાજિતા સિંહની દલીલો પર ધ્યાન આપ્યું હતું. અપરાજિતા સિંહે કહ્યું કે, કોર્ટો સ્પષ્ટ નિર્દેશ આપતી નથી ત્યાં સુધી રાજ્ય સરકારો પ્રદૂષણથી છૂટકારો મેળવવા માટે કોઈ અસરકારક કામગીરી નથી કરતી. પ્રદૂષણ નિયંત્રણ સંબંધિત પ્રોટોકોલ છે, પરંતુ તેનું પાલન નથી થઈ રહ્યું.

Tags :