NEET રિ-એક્ઝામમાં બિહારમાં બીજાનું પેપર લખતા 9 'મુન્નાભાઈ' સહિત 30ની ધરપકડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| (IMAGE - IANS) |
NEET-UG Re-Exam: નીટ યુજી (NEET-UG) રિ-એક્ઝામ દરમિયાન બિહારના લખીસરાયમાં સોલ્વર ગેંગ સક્રિય હોવાની આશંકા વચ્ચે જિલ્લા પ્રશાસન અને પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પરીક્ષા દરમિયાન જુદા જુદા કેન્દ્રો પરથી 9 'મુન્નાભાઈ' (ડમી વિદ્યાર્થી) સહિત કુલ 30 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ શંકાસ્પદ યુવકો અન્ય અસલી વિદ્યાર્થીઓના સ્થાને પરીક્ષા આપી રહ્યા હતા.
બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ ન મળતાં ભાંડો ફૂટ્યો
પરીક્ષા કેન્દ્ર પર કડક દસ્તાવેજ ચકાસણી દરમિયાન જ્યારે કેટલાક વિદ્યાર્થીઓના ફોટો અને ફિંગરપ્રિન્ટ મેચ ન થયા, ત્યારે તપાસ એજન્સીને તેમના પર શંકા ગઈ હતી. બાયોમેટ્રિક હાજરી લેતી એજન્સીની સતર્કતાના કારણે આ નકલી પરીક્ષાર્થીઓ પકડાઈ ગયા હતા. જો કે, આટલી કડક સુરક્ષા હોવા છતાં આ નકલી લોકો એક્ઝામ સેન્ટરની અંદર કેવી રીતે પહોંચી ગયા, તે પણ એક મોટો સવાલ છે. પકડાયેલા તમામ યુવકો અન્ય જિલ્લાના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે.
પોલીસની ટીમો દ્વારા અલગ-અલગ જગ્યાએ દરોડા
કેઆરકે હાઈસ્કૂલમાંથી એક, કેન્દ્રીય વિદ્યાલયમાંથી સાત અને હસનપુર કેન્દ્રમાંથી એક શંકાસ્પદને કસ્ટડીમાં લેવાયા છે. એસડીએમ પ્રભાકર કુમાર અને એસડીપીઓ શિવમ કુમારના નેતૃત્વમાં આરોપીઓની પૂછપરછના આધારે પોલીસની સ્પેશિયલ ટીમ અન્ય ઠેકાણાઓ પર દરોડા પાડી રહી છે. પોલીસ અધિકારી શિવમ કુમારે જણાવ્યું કે કુલ 30 ધરપકડ કરાયેલા લોકોમાંથી 9 ડમી વિદ્યાર્થીઓ છે, જ્યારે અન્ય 21 લોકો આ આખા કૌભાંડના નેટવર્કમાં સામેલ છે.
સેનાની દેખરેખ અને AIથી મોનિટરિંગ
પેપર લીક થવાની ઘટના બાદ 21 જૂનના રોજ દેશભરના 564 શહેરોમાં નીટ યુજીની પરીક્ષા ફરીથી યોજવામાં આવી હતી. આ વખતે સુરક્ષા એટલી કડક હતી કે પરીક્ષા કેન્દ્રો સુધી પેપર પહોંચાડવાની જવાબદારી ભારતીય સેનાને સોંપવામાં આવી હતી. આ ઉપરાંત, એક્ઝામ સેન્ટર પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું હતું અને જામર પણ લગાવવામાં આવ્યા હતા. દેશભરમાં 2 લાખથી વધુ સુરક્ષાકર્મીઓ, 6,669 ઓબ્ઝર્વર અને 674 સિટી કોઓર્ડિનેટર તહેનાત કરવામાં આવ્યા હતા.
3 મેની પરીક્ષા થઈ હતી રદ
અગાઉ 3 મે, 2026ના રોજ નીટની પરીક્ષા લેવામાં આવી હતી, પરંતુ પેપર લીકના ગંભીર આરોપો બાદ 12 મે, 2026ના રોજ આ પરીક્ષા રદ કરવામાં આવી હતી. આ પેપર લીક મામલાની આખી તપાસ અત્યારે સીબીઆઈ (CBI) ચલાવી રહી છે.









