India

એઆઇનો દુરુપયોગ રોકવા યોગ્ય કાયદાની જરૂર: જસ્ટિસ નાગરત્ના

By GS TEAM
12 Oct 20251 min read
એઆઇનો દુરુપયોગ રોકવા યોગ્ય કાયદાની જરૂર: જસ્ટિસ નાગરત્ના

ડીપફેક-એઆઇનો બાળકોના શોષણ માટે ઉપયોગ ચિંતાજનક 

નવી દિલ્હી: સુપ્રીમના ન્યાયાધીશ બીવી નાગરત્નાએ કેટલાક રાજ્યોમાં ભૂ્રણ હત્યાને લઇને ચિંતા વ્યક્ત કરી હતી. સાથે જ બાળકોના શોષણ માટે એઆઇ અને ટેક્નોલોજીનો વધી રહેલો ઉપયોગ અટકાવવા યોગ્ય કાયદાકીય પગલા લેવાની સલાહ આપી હતી. 

જસ્ટિસ નાગરત્નાએ યૂનિસેફ ઇન્ડિયાના સહયોગથી સુપ્રીમ કોર્ટની કિશોર ન્યાય સમિતિ દ્વારા આયોજિત બાળકીઓની સુરક્ષા પરના રાષ્ટ્રીય વાર્ષિક કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. જે દરમિયાન તેમણે કહ્યું હતું કે દેશમાં બાળકીઓ સામે સૌથી મોટો અવરોધ જન્મ લેવાનો જ છે. જસ્ટિસ નાગરત્નાએ વધુમાં કહ્યું હતું કે એક પ્રસિદ્ધ કહેવત છે કે તમે એક યુવતીને શિક્ષિત કરો છો તો તમે એક રાષ્ટ્રને શિક્ષિત કરો છો. 

સુપ્રીમની જુવેનાઇલ જસ્ટિસ કમિટીના ચેરપર્સન જસ્ટિસ નાગરક્તાએ વધુમાં કહ્યું હતું કે બાળ તસ્કરી અટકાવવા માટે પુરતુ વિજિલન્સ જરૂરી છે. બાળકીઓને લઇને સુપ્રીમ કોર્ટ એઆઇ સાઇબરક્રાઇમ એડવાઇઝરી કમિટી રચવાની શક્યતાઓ અંગે વિચારી શકે છે. ડીપફેક અને એઆઇનો ઉપયોગ કિશોરીઓ-બાળકીઓની સતામણી માટે થઇ રહ્યો છે તેને અટકાવવો જોઇએ. આ માટે કાયદાકીય નિરાકરણ લાવવું પણ જરૂરી છે.