India

બિહારમાં સફળતા મળ્યા પછી 2026માં એનડીએની અગ્નિપરીક્ષા

By GS TEAM
15 Nov 20252 mins read
બિહારમાં સફળતા મળ્યા પછી 2026માં એનડીએની અગ્નિપરીક્ષા

- ચાલુ વર્ષે ભાજપે દિલ્હી મેળવ્યું, બિહાર જાળવ્યું

- હાલમાં દેશમાં કુલ 21 રાજ્યોમાં એનડીએ સરકાર સાથે શાસક જોડાણ 2018ના સ્તરે પહોંચ્યું

નવી દિલ્હી : બિહાર ચૂંટણી વિધાનસભાનું પરિણામ સ્પષ્ટ થઈ ગયું છે. બિહારમાં પ્રચંડ જીત પછી દેશના ૨૧ રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશમાં ભાજપના જોડાણવાળી એનડીએ સરકાર છે. આ ૨૦૧૮નો રેકોર્ડ છે. આગામી વર્ષે પાંચ રાજ્યોમાં ચૂંટણી છે. તેથી હવે આગામી વર્ષે એનડીએની અગ્નિપરીક્ષા છે. 

આઝાદ ભારતમાં બીજી વખત કોઈ જોડાણે કેન્દ્રની સાથે-સાથે આટલા રાજ્યોમાં સરકાર બનાવી છે. પહેલા દિલ્હી અને પછી બિહારની સાથે ભાજપે ૨૦૨૫માં બે મોટા વિજય રચી ઇતિહાસ સર્જી દીધી છે. હવે ૨૧ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં એનડીએ સરકાર છે. એનડીએની સરકાર હોય તેવા રાજ્યમાં ઉત્તરપ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા, છત્તીસગઢ, ઓડિશા, આંધ્રપ્રદેશ, સિક્કિમ, અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, ત્રિપુરા, મણિપુર અને નાગાલેન્ડ સામેલ છે.

હવે ૨૦૨૬માં ભાજપની અને એનડીએની અગ્નિપરીક્ષા છે. ૨૦૨૬માં પાંચ રાજ્યોમાં ચૂંટણી છે. પશ્ચિમ બંગાળ, આસામ, પુડુચેરી, તમિલનાડુ અને કેરળમાં ચૂંટણી છે. તેમા આસામ અને પુડુચેરીમાં ભાજપની સત્તા છે. સૌથી મોટી મુશ્કેલી પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને કેરળમાં છે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીનો દોઢ દાયકાથી કબ્જે છે. જો કે ત્યાં ભાજપ મુખ્ય વિપક્ષ છે. જ્યારે તમિલનાડુમાં હજી સુધી ભાજપની કોઈ કારી ફાવી નથી. હવે સ્ટાલિન સામે તેને કેટલી સફળતા મળે છે તે જોવાનું રહે છે. જ્યારે કેરળ દેશમાં એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં ડાબેરીઓની સરકાર છે. આમ ભાજપની સાથે એનડીએ જોડે બે રાજ્યોમાં સત્તા જાળવવા સાથે બીજા ત્રણ રાજ્યોમાં સત્તા મેળવવાનો નવો પડકાર છે.